ગાંધીનગર મહા નગરપાલિકામાં ભગવો લહેરાયો: 44માંથી 38 બેઠકો કબજે

ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીએ ફરી પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. રવિવારે યોજાયેલા મતદાન બાદ મંગળવારે સવારે 9 વાગ્યાથી ઈવીએમ દ્વારા મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સત્તા પર વાપસી કરી છે.
ભાજપની જીત પણ બેઠકોમાં ઘટાડો: 41થી ઘટીને 38
આ ચૂંટણી પરિણામોએ ફરી સત્તા ભાજપના હાથમાં સોંપી દીધી છે. જોકે, ઑક્ટોબર 2021ની ગત ચૂંટણીની સરખામણીએ ભાજપની બેઠકોમાં ઘટાડો નોંધાયો છે. ઑક્ટોબર 2021ની ચૂંટણીમાં ભાજપે 44માંથી 41 બેઠકો જીતીને એકહથ્થુ સત્તા મેળવી હતી. આ વખતે ભાજપનો આંકડો 38 બેઠકો પર પહોંચ્યો છે, એટલે કે પાર્ટીએ 3 બેઠકો ગુમાવી છે. તેમ છતાં બહુમતીના આંકડા કરતા ઘણી વધુ બેઠકો જીતીને ભાજપે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.
કોંગ્રેસ: 2 બેઠકોથી વધીને આંકડો 5 પર પહોંચ્યો
- ગત 2021ની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 2 બેઠકો જ જીતી શકી હતી.
- આ વખતે કોંગ્રેસે પોતાની બેઠકોની સંખ્યા વધારીને 5 કરી છે
- આ ઉપરાંત 1 બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે.
આમ આદમી પાર્ટી શૂન્ય પર આઉટ
- ઑક્ટોબર 2021માં ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલીને 1 બેઠક જીતી હતી.
- આ વખતે આમ આદમી પાર્ટી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં નિષ્ફળ રહી છે અને એક પણ બેઠક જીતી શકી નથી.
મતદાનના આંકડા અને ચૂંટણીની સંપૂર્ણ રૂપરેખા
- ગાંધીનગર મનપાના 11 વોર્ડની તમામ 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
- ચૂંટણીના મેદાનમાં કુલ 130 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા.
- ગાંધીનગર મનપા વિસ્તારમાં અંદાજે 2.59 લાખ મતદારો નોંધાયેલા છે.
- ગાંધીનગરમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું હતું.








