મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણા કોંગ્રેસમાં હવે રાજીનામા શરૂ! પ્રભારી દીપક બાબરીયાએ કરી આ ઓફર

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મળેલી અણધારી હારથી કોંગ્રેસમાં હજુ કળ વળી નથ

હરિયાણા કોંગ્રેસમાં હવે રાજીનામા શરૂ! પ્રભારી દીપક બાબરીયાએ કરી આ ઓફર

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મળેલી અણધારી હારથી કોંગ્રેસમાં હજુ કળ વળી નથી. નેતાઓ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે ત્યારે હવે રાજીનામાનો તબક્કો શરૂ થઈ શકે છે. સૌથી પહેલા રાજ્યના પ્રભારી મહામંત્રી દીપક બાબરિયાએ રાજીનામું આપવાની ઓફર કરી છે. હરિયાણાની હારની નૈતિક જવાબદારી સ્વીકારી તેમણે પાર્ટી નેતૃત્વમાંથી રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે હાઈકમાન્ડને તેમની જગ્યાએ નવા વ્યક્તિને આ જવાબદારી સોંપવા જણાવ્યું છે.

દીપક બાબરિયાએ આ અંગે રાહુલ ગાંધી સાથે સીધી વાત કરી છે. દીપક બાબરિયા ચૂંટણી દરમિયાન બીમાર હોઈ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અજય સિંહ યાદવે કહ્યું હતું કે, બાબરિયા ચૂંટણીના મધ્યભાગમાં બીમાર હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરાતા કામ અટક્યું હતું. જો આવી સ્થિતિ હતી તો તેમણે હાઈકમાન્ડને જણાવવું જોઈતું હતું જેથી કોઈ વિકલ્પ પર વિચાર કરી શકાય. તેમણે બાબરિયા પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. હવે બાબરીયાએ પોતે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાની વાત કરી છે.

જણાવી દઈએ કે જ્યારે હરિયાણામાં ટિકિટનું વિતરણ થઈ રહી હતી ત્યારે દીપક બાબરિયાને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.  તેમને બ્લડ પ્રેશરને લગતી સમસ્યા હતી. 

હકિકતમાં દીપક બાબરિયાનો હરિયાણામાં કોઈ આધાર નથી અને મોટાભાગના નેતાઓ તેમને મહત્ત્વ આપતા નથી. કેપ્ટન અજય યાદવે  કહ્યું હતું કે, એવો કોઈ પ્રભારી કેવી રીતે હોઈ શકે જે ચૂંટણી સમયે કાર્યસ્થળેથી ગાયબ હોય. જણાવી દઈએ કે દીપક બાબરિયા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નજીકના માનવામાં આવે છે. કર્ણાટકમાં પાર્ટીની જીત બાદ બાબરિયાને ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો