પેકેટ ફૂડ પર લાગશે લાલ ચેતવણી! ‘હાઈ શુગર’, ‘હાઈ સોલ્ટ’ અને ‘હાઈ ફેટ’ લખવું ફરજિયાત

FSSAI Packaged Food Rules : કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા પેક્ડ ફૂડ વાપરતા ગ્રાહકોના સ્વાસ્થ્ય હિતમાં એક અતિ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. FSSAIએ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જે.બી. પારડીવાલાની આગેવાની હેઠળની પીઠ સમક્ષ 6 પાનાનું સોગંદનામું રજૂ કરીને આ માહિતી આપી છે. જે ખાદ્ય પદાર્થોમાં નક્કી કરેલા ધોરણો કરતાં વધુ માત્રામાં ખાંડ, ચરબી (ફેટ) કે મીઠું (સોલ્ટ) હશે, તેના પેકેટ કે ડબ્બાના ઉપરના ભાગે લાલ રંગમાં 'હાઇ શુગર', 'હાઇ ફેટ' અને 'હાઇ સોલ્ટ' ની ચેતવણી દર્શાવવી ફરજિયાત બનાવવામાં આવશે. ગ્રાહકો તેને સહેલાઈથી ઓળખી શકે તે માટે આ ચેતવણી ષટ્કોણ (Hexagon) આકારના ચિહ્ન રૂપે છાપવામાં આવશે.
લેબલના ફોન્ટ સાઇઝ અને ડિઝાઇનમાં ફેરફાર
FSSAI દ્વારા પ્રસ્તાવિત આ નવા નિયમ અનુસાર પેકેટ પર દર્શાવવામાં આવનાર આ લાલ રંગની ચેતવણીનો ફોન્ટ સાઇઝ પેકેટની પાછળ આપેલા ન્યુટ્રિશન ટેબલના ફોન્ટ સાઇઝ કરતાં 1 પોઇન્ટ મોટો રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં લાલ આંખ કરાયા બાદ FSSAIએ આ સોગંદનામું દાખલ કર્યું છે. દેશની સર્વોચ્ચ અદાલત હાલમાં '3S એન્ડ અવર હેલ્થ સોસાયટી' નામની બિનસરકારી સંસ્થા (NGO) દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર સુનાવણી કરી રહી છે.
નવા નિયમો 2 તબક્કામાં લાગુ કરવામાં આવશે
ખાદ્ય ઉત્પાદકો અને પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીને પોતાની પ્રોડક્ટ્સની ફોર્મ્યુલા પુનઃ તૈયાર કરવા માટે પૂરતો સમય મળી રહે તે માટે આ પ્રસ્તાવિત નિયમો 2 તબક્કામાં અમલી બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં એવા ઉત્પાદનો સામેલ થશે જેમાં 2 કે તેથી વધુ વિશિષ્ટ પોષક તત્વો જેવા કે એડેડ ફેટ, એડેડ શુગર કે મીઠું વધુ પ્રમાણમાં હોય. જ્યારે બીજા તબક્કામાં એવા ઉત્પાદનોને આવરી લેવાશે જેમાં કોઈ 1 જ પોષક તત્વ વધુ માત્રામાં હોય.
આ ઉત્પાદનોને ચેતવણી દર્શાવવામાંથી મુક્તિ મળશે
FSSAI એ સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે સિંગલ-ઈંગ્રીડિયંત એટલે કે માત્ર 1 જ વસ્તુથી બનતા ખાદ્ય પદાર્થો અને જેમાં કુદરતી રીતે જ ચરબી, ખાંડ કે મીઠું વધુ હોય તેને આ લાલ ચેતવણીના નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. આ શ્રેણીમાં ઘી, ખાદ્ય તેલ, ગોળ અને મધ વગેરે જેવા કુદરતી પદાર્થોનો સમાવેશ થાય છે. જોકે, આ પ્રોડક્ટ્સને ખાદ્ય સુરક્ષા અને લેબલિંગના અન્ય સામાન્ય કાયદાકીય નિયમોમાંથી કોઈ મુક્તિ મળશે નહીં.

