RAW અધિકારીએ પન્નુની હત્યાનું કાવતરું રચ્યું, અમેરિકાએ લગાવ્યા આ આરોપ
અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય RAW ઓફિસર પર શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો

અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય RAW ઓફિસર પર શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. ગુરુવારે ન્યૂયોર્કમાં યુએસ કોર્ટ સમક્ષ આ દાવો કરવામાં આવ્યો હતો. ગત ઉનાળામાં પીએમ નરેન્દ્ર મોદીની ન્યૂયોર્ક રાજ્ય મુલાકાત દરમિયાન અને તેની આસપાસના સમયમાં આ ઘટના બની હતી. અમેરિકી અધિકારીઓએ આરોપીની ઓળખ 39 વર્ષીય વિકાસ યાદવ તરીકે કરી છે. વિકાસ યાદવ અગાઉ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) સાથે સંકળાયેલા હતા. અમેરિકાએ તેના પર પન્નુની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેના પર હત્યા માટે ભાડૂતી હાયર કરવા અને મની લોન્ડરિંગનું કાવતરું સહિત ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, કેનેડા બાદ હવે અમેરિકાએ પણ ભારત સરકાર પર આરોપો લગાવતાં રાજકારણ ગરમાયું છે. અમેરિકાએ પૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી વિકાસ યાદવ પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું નિષ્ફળ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાના ન્યાય વિભાગે પૂર્વ રૉ ઓફિસર ભાડુતી હત્યારાઓ દ્વારા હત્યા કરાવવાનો પ્રયાસ કરવા અને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે.
અમેરિકન વિરુદ્ધ હિંસા સાખી નહીં લઈએ
એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એફબીઆઈ અમેરિકામાં રહેતા લોકો વિરુદ્ધ હિંસા અથવા બદલો લેવાના પ્રયાસોને સાંખી નહીં લે." આ ષડયંત્ર કથિત રીતે મે 2023માં શરૂ કરવામાં આવ્યું હતું. વિકાસ યાદવ જે તે સમયે કથિત રીતે ભારત સરકારનો કર્મચારી હતો, તેણે કથિત રીતે હત્યાને અંજામ આપવા માટે ભારતમાં અને વિદેશમાં રહેતા લોકોને મદદ કરી હતી. તેનું લક્ષ્ય ભારતમાં નિર્દિષ્ટ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ હતું જે ખાલિસ્તાની સમર્થક છે.
પૂર્વ ભારતીય જાસૂસ પર પન્નુની હત્યાના કાવતરાનો આરોપ
અહેવાલ અનુસાર, વિકાસ યાદવ હાલમાં ભારતમાં છે, પરંતુ અમેરિકી અધિકારીઓ તેના પ્રત્યાર્પણની માંગ કરી શકે છે. વિકાસ યાદવ પર પન્નુની હત્યા માટે ભારતીય નાગરિકને કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે. નિખિલ ગુપ્તાની ગયા વર્ષે જૂનમાં પ્રાગમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. જોકે નિખિલે કહ્યું હતું કે તે દોષિત નથી. આરોપમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે RAW એજન્ટ વિકાસ યાદવે પન્નુની હત્યાનું કાવતરું ઘડવા માટે નિખિલ ગુપ્તાને રાખ્યો હતો. અમેરિકી અધિકારીઓની દલીલ છે કે નિખિલ ગુપ્તાને લાગ્યું કે 2023માં કેનેડામાં નિજ્જરની હત્યા થયા બાદ તરત જ પન્નુને મારી નાખવાની જરૂર હતી. આરોપ મુજબ, નિખિલ ગુપ્તાનું માનવું હતું કે નિજ્જરની હત્યા કર્યા પછી પન્નુને મારવા માટે રાહ જોવાની જરૂર નથી.






