મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રામ રહીમે હરિયાણા ચૂંટણી પહેલા માંગ્યા પેરોલ, ચૂંટણી પંચે પૂછ્યું- એવી તો શું ઇમરજન્સી છે?

જેલમાં આજીવ કેદની સજા કાપી રહેલા સિરસા ડેરા પ્રમુખ ર

રામ રહીમે હરિયાણા ચૂંટણી પહેલા માંગ્યા પેરોલ, ચૂંટણી પંચે પૂછ્યું- એવી તો શું ઇમરજન્સી છે?

જેલમાં આજીવ કેદની સજા કાપી રહેલા સિરસા ડેરા પ્રમુખ રામ રહીમે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા પેરોલ માંગ્યા છે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા પેરોલની માંગ પર સવાલ ઉઠી રહ્યાં છે. મહત્ત્વપૂર્ણ છે કે હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી પહેલા 20 દિવસની પેરોલ માંગી છે.

હરિયાણાના રાજકીય જાણકારો અનુસાર, રામ રહીમ ભલે છેલ્લા ઘણા લાંબા સમયથી જેલમાં છે પરંતુ 4 જિલ્લાની લગભગ 30થી વધુ બેઠકો પર તેનો પ્રભાવ છે. એવામાં ચૂંટણી પંચે હરિયાણા સરકારને પૂછ્યુ કે એવી તો શું ઇમરજન્સી આવી ગઇ કે રામ રહીમને આ સમયે 20 દિવસ માટે પેરોલની જરૂર છે?

ગત મહિને જ 21 દિવસની ફરલો મળી હતી

બળાત્કાર કેસમાં દોષી રામ રહીમને ગત મહિને જ 13 ઓગસ્ટે 21 દિવસની ફરલો મળી હતી. તે બાદ રામ રહીમે ફરી પેરોલની અરજી દાખલ કરી છે. આ 11મી વખત છે જ્યારે રામ રહીમે પેરોલ માંગ્યા છે. રામ રહીમને મળી રહેલા પેરોલ પર કેટલીક વખત સવાલ પણ ઉભા થયા છે. આ વખતે ઇમરજન્સી પેરોલની માંગ કરવામાં આવી છે પરંતુ આ વખતે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં નિયમ અનુસાર, હરિયાણા સરકારના જેલ વિભાગે રામ રહીમને પેરોલની અરજી હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે મોકલી છે.

ચૂંટણી પંચનો સવાલ- બાબાને શું ઇમરજન્સી છે? 

હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્ય સરકારને રામ રહીમના પેરોલને લઇને સ્પષ્ટીકરણ માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ પૂછ્યુ કે અંતે શું ઇમરજન્સી આવી ગઇ કે રામ રહીમે 20 દિવસના પેરોલ માંગ્યા છે? હરિયાણા સરકારે અત્યાર સુધી ચૂંટણી પંચના સવાલોનો જવાબ આપ્યો નથી. હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેની તૈયારી લગભગ પૂર્ણ થઇ ગઇ છે. બીજી તરફ રાજકીય પાર્ટી જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગેલી છે.

રામ રહીમ આ સમયે જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. રામ રહીમને બે શિષ્યા સાથે બળાત્કાર અને એક પત્રકારની હત્યાના ગુનામાં સપ્ટેમ્બર 2017માં 20-20 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. રામ રહીમ તે બાદ 200 દિવસથી વધુ સમય જેલની બહાર વિતાવી ચુક્યો છે જેને લઇને પણ સવાલ ઉભા થતા રહે છે.

આ સમાચાર શેર કરો