'કોઈ એક પાર્ટીએ બંધારણને હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો', લોકસભામાં રાજનાથ સિંહે કર્યા પ્રહાર
સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષ અદાણી મુદ્દે

સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માગ પર ભારે હોબાળો મચાવી રહ્યો છે ત્યારે સત્તા પક્ષે સોરોસ અને સોનિયાનો મુદ્દો ઊઠાવ્યો હતો. લોકસભામાં રાજનાથ સિંહે કોંગ્રેસનું નામ લીધા વિના તેમણે કહ્યું કે કોઈ એક પાર્ટીએ બંધારણ નિર્માણની પ્રક્રિયાને હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો. આપણું બંધારણ કોઈ એક પક્ષની દેન નથી. તે ભારતના લોકો દ્વારા, ભારતના લોકો માટે બનાવેલ દસ્તાવેજ છે. પશ્ચિમી સભ્યતામાં નાઈચ વોચમેન સ્ટેટનું કોન્સેપ્ટ છે. એટલે કે સરકારની જવાબદારી લોકોને સુરક્ષા પૂરી પાડવા સુધી મર્યાદિત હોવી જોઈએ.
આ પણ વાંચોઃ સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ મહાભિયોગ મુદ્દે બબાલ, રાજ્યસભા સ્થગિત કરાઈ
રાજા રાજધર્મથી બંધાયેલા હતા
આપણા દેશમાં રાજધર્મની વાત થઈ છે. અહીં રાજા પણ રાજધર્મથી બંધાયેલા હતા. તેમની શક્તિઓ લોકોના કલ્યાણ માટે હતી. નબળા વર્ગોનું રક્ષણ કરવાની તેમના પર જવાબદારી હતી. જ્યારે આપણું બંધારણ નાગરિકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આપણું બંધારણ નાગરિકોના સર્વાંગી વિકાસના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાનો નિર્દેશ આપે છે.
મોદીના નેતૃત્વમાં થયેલા સુધારાઓમાં સામાજિક કલ્યાણનો ઉદ્દેશ્ય
રાજનાથ સિંહે આજે કોંગ્રેસને બાનમાં લેતાં આરોપ મૂક્યો હતો કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમે બંધારણમાં સુધારાઓ કર્યા છે. તમામ સુધારાઓનો ઉદ્દેશ સામાજિક કલ્યાણનો છે. અમે આર્ટિકલ 370 દૂર કરી જેથી ભારતની અખંડતા જળવાઈ રહે. અમે જીએસટી કાયદો બનાવ્યો, ટેક્સના દરો નિર્ધારિત કર્યા, લોકોનું જીવન સરળ બનાવ્યું. કોંગ્રેસની જેમ અમે ક્યારેય રાજકીય હિતો માટે બંધારણનો ઉપયોગ કર્યો નથી. જ્યારે નહેરૂ વડાપ્રધાન હતા ત્યારે, બંધારણમાં 17 વખત સંશોધન કરવામાં આવ્યા અને ઈન્દિરા ગાંધીએ 28 વખત ફેરફારો કર્યા. રાજીવ ગાંધીએ પણ 10 વખત સુધારાઓ કર્યા હતા. મનમોહન સિંહે પણ સાત વખત સંશોધન કર્યા હતા. પરંતુ આ સુધારાઓ ખોટી નીતિઓ લાગૂ કરવા માટે હતા, પ્રજાના કલ્યાણ માટે નહીં.
'કોંગ્રેસે અનેક અવસરો પર બંધારણનું અપમાન કર્યું'
કોંગ્રેસે અવારનવાર અનેક અવસરો પર બંધારણનું અપમાન કર્યું છે. તેમણે હંમેશા એક કમિટેડ જ્યુડિશિયરી, કમિટેડ બ્યૂરોક્રેસી અને કમિટેડ ઈન્સ્ટીટ્યૂશન બનાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસના મોઢા પર બંધારણના સંરક્ષણની વાત શોભા આપતી નથી. 1973માં પણ તમામ બંધારણીય મૂલ્યોને અવગણી ત્રણ જજને દૂર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય જજનો વાંક એટલો જ કે, તેઓ સરકાર સામે ઝૂકવા તૈયાર ન હતા.
ખિસ્સામાં માત્ર બંધારણની નકલો રાખીને દેખાડો કરે છે
રાજનાથ સિંહે રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન તાક્યું હતું કે, કોંગ્રેસના અમુક નેતા બંધારણની નકલ ખિસ્સામાં રાખીને ફરી છે. તેમણે બાળપણથી આ જ શીખ્યું છે. કે, બંધારણને ખિસ્સામાં રાખીને ફરો. પરંતુ બાજપે બંધારણને માથા પર બેસાડ્યું છે. અમે કોઈપણ સંસ્થા સાથે છેતરપિંડી કરી નથી. બંધારણના મૂલ્યોને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. બંધારણના મૂલ્યો, માર્ગો, સિદ્ધાંતો અમારા મન-વચન-અને કર્મમાં જોવા મળશે.
રાજનાથ સિંહના વિપક્ષ પર આકરા પ્રહારો
રાજનાથ સિંહે વિપક્ષ પર પ્રહારો કરતાં જણાવ્યું કે, આજે બંધારણની રક્ષાની વાતો થઈ રહી છે. પરંતુ આપણે આ સમજવાની જરૂર છે કે, કોણે બંધારણનું અપમાન કર્યું છે અને કોણે સન્માન આપ્યું છે. 1976માં જસ્ટિસ એચઆર ખન્નાએ એક કેસમાં કોંગ્રેસ સરકાર વિરૂદ્ધ અસંમતનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ ખન્ના સ્વીકારવા તૈયાર ન હતા કે, કોઈ સરકાર દ્વારા નાગરિકો પાસેથી ન્યાય માંગવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હોય. અને તેમના આ સરકાર વિરૂદ્ધના ચુકાદાની તેમણે શું કિંમત ચૂકવી છે, તે ઈતિહાસ જાણે છે.
આપણું બંધારણ પ્રગતિશીલ, સર્વસમાવેશક અને પરિવર્તનકારી : રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે આપણું બંધારણ પ્રગતિશીલ, સર્વસમાવેશક અને પરિવર્તનશીલ છે. આપણા બંધારણે આપણને સૌહાર્દ અને સમૃદ્ધિથી ભરપૂર સમાજના નિર્માણ માટે એક બ્લુ પ્રિન્ટ આપી છે. અહીં દેશની સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરવા માટે જન્મની ઓળખથી કોઈ ફરક પડતો નથી. જ્યાં ગરીબ પરિવારમાં જન્મેલ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે. રાષ્ટ્રપતિ બની શકે છે. આઝાદી પછી બંધારણની મૂળ ભાવનાને બાજુએ રાખવામાં આવી હતી. પરંતુ અમારી સરકારે આ વાત સાચા દિલથી સ્વીકારી છે.
જ્યાં બંધારણ લાગુ નહોતું ત્યાં પણ અમે કરી બતાવ્યુંઃ રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે અમારી સરકાર મહિલા સશક્તિકરણ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. અમે નારી શક્તિ વંદન કાયદો પણ પસાર કર્યો છે. તેનાથી રાજકીય ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. આ વિચારસરણી હેઠળ અમારી સરકારે 2018માં નેશનલ બેકવર્ડ કમિશનને બંધારણીય દરજ્જો આપ્યો હતો. સ્વતંત્ર ભારતમાં આવું પહેલીવાર બન્યું. અમે 2019માં બંધારણીય સુધારો કર્યો હતો, જેથી આર્થિક આધાર પર અનામત આપી શકાય. સર્વગ્રાહી અને સર્વસમાવેશક વિકાસ માટેના તમામ પ્રયાસો આપણા બંધારણીય મૂલ્યો અને આદર્શોનું જીવંત સ્વરૂપ છે. અમે બંધારણના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને કામ કર્યું છે એટલું જ નહીં, તેનો અમલ પણ કર્યો છે. આ દેશમાં એક રાજ્ય હતું જ્યાં બંધારણ લાગુ પડતું ન હતું. સંસદના કાયદાનો પણ અમલ થતો નહોતો. અમે ત્યાં પણ તેનો અમલ કર્યો છે. આજે આખો દેશ આ નિર્ણયના સકારાત્મક પરિણામો જોઈ રહ્યો છે. તાજેતરમાં ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. હિંસાની એક પણ ઘટના બની નથી.








