મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકોની આતુરતાનો આવશે અંત, આ દિવસે પહેલીવાર પાટા પર દોડશે દેશની પહેલી ટ્રેનઃ રેલવે મંત્રીએ આપ્યું નિવેદન

કેન્દ્રીય રેલવે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર આપ્યા છે. તેમણ

લોકોની આતુરતાનો આવશે અંત, આ દિવસે પહેલીવાર પાટા પર દોડશે દેશની પહેલી ટ્રેનઃ રેલવે મંત્રીએ આપ્યું નિવેદન

કેન્દ્રીય રેલવે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર આપ્યા છે. તેમણે મંગળવારે કહ્યું કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટેના જુદા જુદા સ્ટેશનો પર નિર્માણાધિન કાર્યમાં ઘણી પ્રગતિ જોવા મળી રહી છે. 2026 સુધીમાં અમે એક સેક્શનમાં પ્રથમ ટ્રેન ચલાવવા માટે તૈયાર થઈ જશું. આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમદાવાદ-મુંબઈ રૂટ પર બુલેટ ટ્રેનનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. તેમણે કહ્યું, '290 કિલોમીટરથી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે. જે અંતર્ગત 8 નદીઓ પર પુલ બનાવવામાં આવ્યા છે. હાલ 12 સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે. આ સ્ટેશનોનું કામકાજ પણ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. 

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બુલેટ ટ્રેનને લઈને 2 ડેપો પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું, 'વર્ષ 2026માં તેના પ્રથમ તબક્કામાં ટ્રેન શરૂ કરવાનું લક્ષ્યાંક છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કામગીરી ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહી છે. બુલેટ ટ્રેન ખૂબ જટિલ પ્રોજેક્ટ છે. આના પર કામ વર્ષ 2017માં શરૂ થયું હતું અને ડિઝાઇનને તૈયાર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગ્યો હતો. 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'બુલેટ ટ્રેનની ડિઝાઈન જટિલ છે કારણ કે જે ઝડપે ટ્રેન દોડવાની હોય છે, તેમાં ઘણું વાઇબ્રેશન હોય છે. એ વાઈબ્રેશનને રોકવા માટે શું કરવું એ બધી વસ્તુને ખૂબ જ કાળજીપૂર્વક જોવાની જરૂર છે. આના પર વધુ કામ ટૂંક સમયમાં શરૂ થશે.

ગુજરાતમાં આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય પણ પ્રગતિમાં છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના પ્રવક્તા સુષ્મા ગૌરે જણાવ્યું કે સ્ટેશન માટે પાઈલીંગનું કામ ડિસેમ્બર 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં 100 ટકા કોન્કોર્સ સ્લેબ, ટ્રેક સ્લેબ અને સ્ટ્રક્ચરલ સ્ટીલનું કામ પૂર્ણ થયું છે. આણંદ શહેરને ભારતની દૂધ નગરીથી ઓળખવામાં આવે છે. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનનો અગ્રભાગ અને આંતરિક ડિઝાઇન દૂધના ટીપાંની પ્રવાહી પ્રકૃતિ, આકાર અને રંગથી પ્રેરિત છે. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની વિશેષતાઓ જોઈએ તો પ્લેટફોર્મની લંબાઈ - 415 મીટર, સ્ટેશનની ઊંચાઈ - 25.6 મીટર, કુલ બિલ્ટ અપ એરિયા - 44,073 ચો.મી., સ્ટેશનમાં ત્રણ માળ હશે, જેમાં બંને બાજુ પ્લેટફોર્મ અને વચ્ચે ચાર ટ્રેક હશે.

આ સમાચાર શેર કરો