VIDEO : 'હું હોસ્પિટલના નાના સોફા પર સૂતો હતો...', સોનિયા ગાંધીની તબિયત અંગે અપડેટ આપતા ભાવુક થયા રાહુલ
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ


કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે પેટમાં ઈન્ફેક્શન અને તાવની ફરિયાદ બાદ તેમને દાખલ કરાયા હતા. માતાની સેવા માટે રાહુલ ગાંધી પણ હોસ્પિટલમાં જ રોકાયા હતા અને આ દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો છે.
હું હોસ્પિટલના નાના સોફા પર સૂતો હતો
રાહુલ ગાંધીએ હોસ્પિટલમાંથી જ કેરલમની જનતાને વર્ચ્યુઅલી સંબોધિત કરતા પોતાના મનની વાત કહી. તેમણે જણાવ્યું કે, ગઈ રાત્રે હું હોસ્પિટલમાં મારી માતાના રૂમમાં એક નાના સોફા પર સૂતો હતો. કોઈપણ દીકરો પોતાની માતાની તબિયતને લઈને ચિંતિત હોય તેમ હું પણ પરેશાન હતો. પરંતુ તે મુશ્કેલ પળમાં મને કેરલમની એક નર્સે જે રીતે સાથ આપ્યો તેનાથી ઘણું આશ્વાસન મળ્યું.
કેરલમની નર્સોની સેવાની પ્રશંસા
રાહુલ ગાંધીએ નર્સ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે નર્સ દર કલાકે આવીને સોનિયા ગાંધીનો હાથ પકડતી અને સ્મિત સાથે તેમની સંભાળ રાખતી હતી. રાહુલે કહ્યું કે જ્યારે આખી દુનિયા સૂતી હોય છે ત્યારે કેરલમની દીકરીઓ માત્ર દિલ્હીમાં જ નહીં પણ આખા દેશ અને દુનિયામાં લોકોને આરામ અને માનસિક શાંતિ આપી રહી છે. તેમના મતે, આ જ કેરલમની અસલી ઓળખ છે.
રાજકીય પ્રહારો
મોદી સરકાર અને કેરલમના CM પર રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું હતું. માતાની તબિયતની સાથે રાહુલે રાજકીય મુદ્દાઓ પર પણ વાત કરી હતી. નોકરીનો મુદ્દે પીએમ મોદીએ 2 કરોડ અને કેરલમના મુખ્યમંત્રીએ 40 લાખ નોકરીઓનું વચન આપ્યું હતું, પરંતુ 10 વર્ષમાં કોઈને નોકરી મળી નથી. દેશભરમાં વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓ કાર્યવાહી કરે છે, પરંતુ કેરલમના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામે કોઈ કાર્યવાહી થતી નથી, જે ભાજપ અને LDF વચ્ચેની મિલિભગતનો પુરાવો છે. રાહુલે મહિલાઓ માટે ફ્રી બસ મુસાફરી, 3000 રૂપિયા પેન્શન અને 25 લાખ રૂપિયાના હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજ જેવી યોજનાઓનું વચન આપ્યું હતું.
સોનિયા ગાંધીની તબિયત કેવી છે?
સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડૉ. અજય સ્વરૂપે ગુરુવારે જણાવ્યું કે 79 વર્ષીય સોનિયા ગાંધીની હાલત હવે સ્થિર છે અને કોઈ ગંભીર ચિંતાની વાત નથી. તેમને મુખ્યત્વે યુરિનરી ઈન્ફેક્શન અને તાવને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે.








