'મારા બનેવીને છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે પરેશાન', રોબર્ટ વાડ્રા વિશે પહેલીવાર ખુલીને બોલ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પહેલી વાર પોતાના બનેવી રોબર્ટ વાડ્રા સામે ચાલી રહેલી કાર્યવાહી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પહેલી વાર પોતાના બનેવી રોબર્ટ વાડ્રા સામે ચાલી રહેલી કાર્યવાહી અંગે વાત કરી છે. રોબર્ટ વાડ્રા વિરુદ્ધ દાખલ કરાયેલી નવી ચાર્જશીટ અંગે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ તેને રાજકીય બદલો અને દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહી ગણાવતા કહ્યું કે, છેલ્લા દસ વર્ષથી સરકાર દ્વારા રોબર્ટ વાડ્રાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન આપતા કહ્યું કે, "મારા બનેવી રોબર્ટ વાડ્રાને છેલ્લા દસ વર્ષથી આ સરકાર દ્વારા સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. હવે દાખલ કરાયેલી નવી ચાર્જશીટ એ જ રાજકીય દ્વેષ અને બદલાની ભાવનાની આગામી કડી છે."
તેમણે વધુમાં કહ્યું કે તેઓ રોબર્ટ, પ્રિયંકા ગાંધી અને તેમના બાળકો સાથે ઉભા છે અને તેમને આવી બદનક્ષીભરી અને રાજકીય રીતે પ્રેરિત કાર્યવાહીનો કોઈ ડર નથી. રાહુલ ગાંધીએ કહ્યું, "હું જાણું છું કે તે બધા કોઈપણ પ્રકારની હેરાનગતિ સહન કરવા માટે પૂરતા મજબૂત મનોબળવાળા છે અને તેને સહન કરશે. આખરે સત્યનો વિજય થશે." જણાવી દઈએ કે, આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ જૂના મની લોન્ડરિંગ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, જેને કોંગ્રેસ પહેલાથી જ રાજકીય રીતે પ્રેરિત ગણાવી ચૂકી છે.
જણાવી દઈએ કે ED એ હરિયાણાના ગુરુગ્રામમાં બહુચર્ચિત જમીન કૌભાંડલ મામલે ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ભ્રષ્ટાચાર, બનાવટ, છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસોને લગતી ચાર્જશીટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની દિગ્ગજ કંપની DLF અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સહિત અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓના નામ પણ આ કેસમાં શામેલ છે. આ કેસ સપ્ટેમ્બર 2008નો છે અને કથિત રીતે ગુરુગ્રામના શિકોહપુર ગામમાં જમીનની લે વેચ સાથે સંબંધિત છે.






