વિપક્ષમાં પીએમ પદનો ચહેરો કોણ? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહી આ વાત
લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ સામે હજુ પણ સૌથી મોટો સવાલ એ છે કે તેમનો લીડર કોણ હશે. અ

લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ સામે હજુ પણ સૌથી મોટો સવાલ એ છે કે તેમનો લીડર કોણ હશે. અર્થાત પીએમ પદનો ચહેરો કોણ હશે. વિપક્ષી ગઠબંધનને વારંવાર સવાલો થઈ રહ્યા છે કે તેમનો વડાપ્રધાનપદનો ચહેરો કોણ હશે? હવે આ અંગે ખુદ રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે. શુક્રવારે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો. આ દરમિયાન રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે વિપક્ષી ગઠબંધનમાંથી પીએમ પદનો ચહેરો કોણ હશે.
પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “વિપક્ષી ગઠબંધન ‘INDIA’ એ નિર્ણય લીધો છે કે, અમે વિચારધારાના આધારે ચૂંટણી લડી રહ્યા છીએ. તેથી વડાપ્રધાન પદના ઉમેદવાર અંગેનો નિર્ણય ચૂંટણી બાદ જ લેવામાં આવશે. રાહુલ ગાંધીએ મીડિયાને સંબોધતા કહ્યું કે આ નિષ્પક્ષ નહીં, પરંતુ ગૂંચવણભરી મેચ છે. લોકોએ સમજવું જરૂરી છે કે આ ચૂંટણી લોકશાહીને બચાવવા માટેની છે. આ ચૂંટણી બંધારણ અને લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ કરનારા અને તેની (બંધારણ અને લોકશાહી) રક્ષા કરવાનો પ્રયાસ કરનારાઓ વચ્ચે છે.
વિપક્ષી ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કરતા કોંગ્રેસના સાંસદે કહ્યું કે, મીડિયા દ્વારા જે બતાવાઈ રહ્યું છે તેનાથી પણ વધારે હરિફાઈવાળી ચૂંટણી છે, અમે ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ. જે રીતે વર્ષ 2004માં 'ઈન્ડિયા શાઈનિંગ'નો પ્રચાર કરવામાં આવ્યો હતો, તે જ રીતે હવે પણ પ્રચાર થઈ રહ્યો છે, પરંતુ યાદ કરો કે તે ચૂંટણી કોણ જીત્યું હતું.
કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણની 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરો 5 ‘ન્યાય’ અને 25 ગેરંટી પર આધારિત છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલયમાં મેનિફેસ્ટો જાહેર કર્યો છે.
કોંગ્રેસના મેનિફેસ્ટોમાં શું છે?
કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરી, ગરીબ પરિવારની મહિલાઓને એક લાખ રૂપિયા વાર્ષિક, જાતિ જનગણના, MSP કાયદો, મનરેગા મજૂરી 400 રૂપિયા, તપાસ એજન્સીઓના દૂરઉપયોગને રોકવા અને PMLA કાયદામાં બદલાવની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ સચ્ચર કમિટીની ભલામણોને લાગુ કરવામાં પણ જાહેરાત કરી છે. કોંગ્રેસ અનુસાર, તેના મેનિફેસ્ટોમાં પાર્ટીના પાંચ ન્યાય પર આધારિત છે.






