મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત 14 પાકના ટેકાના ભાવમાં વધારો, NDAની મોદી સરકારે કર્યો નિર્ણય

વિવિધ કૃષિ પાકોના ટેકાના ભાવને લઇને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ

ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત 14 પાકના ટેકાના ભાવમાં વધારો, NDAની મોદી સરકારે કર્યો નિર્ણય

 વિવિધ કૃષિ પાકોના ટેકાના ભાવને લઇને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રિય કેબિનેટ દ્વારા 14 પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વર્ષ 2018ના બજેટમાં કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો કે પાકોના ટેકાના ભાવ કુલ ઉત્પાદન ખર્ચના 1.5 ગણા વધુ હોવા જોઇએ. તે નિર્ણયને ધ્યાનમાં રાખીને 14 પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ તેલીબિયાં અને કઠોળના ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. 

14 પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો

કેબિનેટ દ્વારા જે 14 પાકોના ભાવમાં વધારો કરવામાં આવ્યા છે તેના પર નજર કરીએ તો ધાનનો ટેકાનો નવો ભાવ પ્રતિ ક્વિંટલ 2300 રૂપિયા નક્કી કરાયો છે જે અગાઉ કરતા 117 રૂપિયા વધુ માનવામાં આવે છે. તેવી જ રીતે ડાંગરનો ભાવ 2183હતો તે વધારીને 2300 રૂપિયા કરાયો છે. જુવારનો ભાવ 3180 રૂપિયા હતો તે વધારીને 3371 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે તુવેરની દાળના ભાવ 7000 રૂપિયાથી વધારીને 7550 રૂપિયા કરવામાં આવ્યા છે. તેવી જ રીતે તલના ભાવ 8653 રૂપિયાથી વધારીને 9267 રૂપિયા કરવામાં આવ્યા છે. 

 મગફળીના ભાવ 6783 રૂપિયા કરવામાં આવ્યા

જ્યારે મગફળીના ભાવ 6783 રૂપિયા કરવામાં આવ્યા છે. જે અગાઉ 6377 રૂપિયા હતા, એટલે કે 406 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સનફ્લાવર બીજના ભાવ 7280 રૂપિયા કરાયા છે જે અગાઉ 6760 રૂપિયા હતા, તેમાં 520 નો વધારો કરાયો છે. સોયાબીન (પિળા)નો ભાવ 4892 રૂપિયા નક્કી કરાયો છે જે 4600 હતો તેથી તેમાં 292 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે કપાસ (મધ્ય રેસા) માટે 7121 રૂપિયા નક્કી કરાયો છે જે અગાઉ 6620 રૂપિયા હતો, એટલે કે આશરે 501નો વધારો થયો છે. જ્યારે લાંબા રેસાવાળા કપાસનો ભાવ 7521 રૂપિયા રાખવામાં આવ્યો છે અને તેમાં પણ 501 રૂપિયાનો વધારો કરાયો છે. મગમાં 124 રૂપિયા, અડદમાં 450, બાજરામાં 125, રાગીમાં 444, મકાઇમાં  135 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ તમામ પાકોનો ભાવ વર્ષ 2024થી 2025ના વર્ષ માટે નક્કી કરવામાં આવ્યો છે. 

કેબિનેટમાં કૃષિ પાકોના ટેકાના ભાવમાં વધારો ઉપરાંત વાયેબિલિટી ગેપ ફન્ડિંગ (વીજીએફ) યોજનાને મંજૂરી અપાઈ 

કેબિનેટમાં કૃષિ પાકોના ટેકાના ભાવમાં વધારો ઉપરાંત વાયેબિલિટી ગેપ ફન્ડિંગ (વીજીએફ) યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અપતટીય પવન ઉર્જા પ્રોજેક્ટ્સના માટે મંજૂર કરવામાં આવી છે. જેની પાછળ આશરે 7453 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.    જેમાં ગુજરાત અને તામિલનાડુમાં 500-500  મેગાવોટ ઉર્જા ઉત્પાદન ક્ષમતાવાળા પ્રોજેક્ટ પણ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત બે પોર્ટના સુધારા માટે 600 કરોડ રૂપિયા પણ મંજૂર કરવામાં આવ્યા છે. વર્ષ 2015માં નોટિફાઇ કરાયેલી નેશનલ ઓફશોર વિન્ડ એનર્જી પોલિસી માટે આ વીજીએફ યોજના મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત કેબિનેટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને વિકસાવવા માટેના એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જેમાં નવી ટર્મિનલ બિલ્ડિંગ બનાવવી, એપ્રોનનો વધારો, રનવે વધારવો વગેરેનો પણ સમાવેશ થાય છે. જેની પાછળ આશરે 2869 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે.   

આ સમાચાર શેર કરો