તોગડિયા ખાનગી રીતે દિલ્હી દરબારમાં માફી માગી આવ્યા, જાણો કેમ નારાજ હતા PM મોદી
વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ દ્વારા નવા જોડાણો કરવાના અને દેશમાં હિન્દુત્વને પ્રોત્સાહન આપવાનું કામ હાથ પર લેવાય

વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ દ્વારા નવા જોડાણો કરવાના અને દેશમાં હિન્દુત્વને પ્રોત્સાહન આપવાનું કામ હાથ પર લેવાયું હોવાનો ગણગણાટ ઘણા સમયથી વધી રહ્યો હતો. તેમાંય પ્રવિણ તોગડિયા અને મોહન ભાગવત વચ્ચે થયેલી ગુપ્ત મુલાકાત બાદ આ સમીકરણો વધારે સક્રિય થયા હતા. કદાચ મહારાષ્ટ્રના રાજકારણને લીધે પણ બંને મળ્યા હોય તેમ લાગતું હતું. આ રાજ રમતમાં વધુ એક વળાંક આવ્યો છે.
સૂત્રોના મતે ભાગવત સાથેની મુલાકાત બાદ તોગડિયા છાની રીતે દિલ્હી દરબાર પહોંચ્યા હતા અને મોદીને મળીને તેમની માફી માગી હતી. કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે, તોગડિયાએ ગુપ્ત રીતે ભાગવત સાથે મુલાકાત કરી હતી તેના કારણે મોદી ખૂબ જ નારાજ હતા. મોદીની નારાજગી અત્યારે વહોરી શકાય તેમ ન હોવાથી તોગડિયા ચુપચાપ દિલ્હી જઇને માફી માગી આવ્યા છે. મોદીના આશીર્વાદ અને માફી મેળવીને હાલમાં તોગડિયા નિર્ભય થઇ ગયા હોવાનો પણ રાજકીય વર્તુળોમાં ગણગણાટ છે.
તોગડિયા અને મોહન ભાગવતની થઇ હતી મુલાકાત
પ્રવિણ તોગડિયા અને સંઘ પ્રમુખ મોહન ભાગવતની અચાનક મુલાકાત થઇ હતી. દશેરાના દિવસે બન્ને નેતાઓએ નાગપુરમાં સમારંભમાં એક બીજાનું અભિવાદન કર્યું હતું અને બીજા દિવસે મળવાનો નિર્ણય કર્યો હતો.
વિજયા દશમીના દિવસે સંઘ પ્રમુખે હિન્દૂ સમાજને એકજૂટ થવાનું આહવાન કર્યું હતું અને તેના 24 કલાક બાદ જ પ્રવિણ તોગડિયા અને મોહન ભાગવતની મુલાકાત પણ થઇ હતી.
આ મુલાકાત બાદ પ્રવિણ તોગડિયાનું કહેવું છે, રામ મંદિર નિર્માણ દાયકાથી ભાજપના ચૂંટણી મેનિફેસ્ટોનો ભાગ રહ્યો છે પરંતુ પાર્ટી તેનો ચૂંટણીમાં ફાયદો ના ઉઠાવી શકી અને 2014માં કેન્દ્રની સત્તામાં આવ્યા બાદથી સૌથી ઓછી બેઠક પર સમેટાઇ ગઇ છે.
પ્રવિણ તોગડિયા લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની હાર તરફ ઇશારો કરી રહ્યાં હતા. યુપીની હાર અને હરિયાણામાં જીતને પણ સંઘના અસહયોગ અને સહયોગ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
પ્રવિણ તોગડિયાના આ નિવેદન બાદ PM મોદી નારાજ થયા હોય તેમ લાગતું હતું. પ્રવિણ તોગડિયા તરત જ દિલ્હી દરબારમાં અચાનક પહોંચી ગયા હતા અને પીએમ મોદીની માફી માંગી હતી.
એક સમયે સંઘના સાથી હતા મોદી અને તોગડિયા
અમદાવાદના ખોખરા વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં પ્રવિણ તોગડિયા અને મોદી બન્ને એક સાથે સંઘની યૂનિફોર્મ પહેરીને 'સદા વત્સલ્ય માતૃભૂમિ...'પ્રાર્થના ગાતા હતા. 1978માં પ્રવિણ તોગડિયા મેડિકલના અભ્યાસ માટે અમદાવાદની બી.જે.મેડિકલ કૉલેજમાં આવ્યા હતા.
મેડિકલના વિદ્યાર્થી પ્રવિણ તોગડિયાનો રસ પહેલાથી જ હિન્દુત્વના ગૌરવ અને પ્રચાર પર હતો. આ વિચારધારાને કારણે તે સંઘમાં જતા રહ્યાં જ્યાં તેમની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઇ હતી. 1980ના દાયકાની શરુઆતથી તે મિત્ર બની ગયા હતા. એક વિચારધારા હોવાને કારણે મોદી અને તોગડિયાની મિત્રતા મજબૂત બની ગઇ હતી.1985માં અમદાવાદમાં સાંપ્રદાયિક રમખાણ શરૂ થયા તો પ્રવિણ તોગડિયાને વિશ્વ હિન્દૂ પરિષદની જવાબદારી સોપવામાં આવી હતી. તોગડિયા પરિષદમાં અને મોદી સંઘમાં હતા પરંતુ તેમનું દરેક પગલું એક સાથે અને એક જ દિશામાં હતું.
મોદી-તોગડિયાની ગુજરાતમાં ભાજપની સરકાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા
1987માં નરેન્દ્ર મોદી પણ સંઘમાંથી બહાર આવીને ગુજરાત ભાજપના મહામંત્રી બની ગયા હતા. નરેન્દ્ર મોદી અને પ્રવિમ તોગડિયાનું એક જ લક્ષ્ય હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર બને.
ગુજરાતમાં ભાજપને 1990 અને 1995-1998માં સત્તા મળી અને તેમાં મોદી-તોગડિયાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. 1995માં પ્રથમ વખત જ્યારે ભાજપની સરકાર ગુજરાતમાં બની ત્યારે કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા પરંતુ નરેન્દ્ર મોદી અને પ્રવિણ તોગડિયા પાસે નાના નાના નિર્ણયોમાં સલાહ લેવામાં આવતી હતી.
તોગડિયાના અમદાવાદના સોલા સ્થિત બંગલા બહાર લાલબત્તી ધરાવતી કારોની લાઇન લાગેલી રહેતી હતી. આ રીતે મોદી અને તોગડિયા સરકારનો ભાગ નહતો છતાં પણ સત્તાના સૂત્ર તેમની પાસે હતા. આ સમય સુધી પ્રવિણ તોગડિયાનું કદ વધવા લાગ્યુ હતું અને તેમને Z+ સિક્યુરિટી આપવામાં આવી હતી.
મહત્ત્વકાંક્ષા માટે મિત્રતામાં ટકરાવ
2002માં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રવિણ તોગડિયા પાસેથી તમામ શક્તિ છીનવી લેવામાં આવી હતી. નરેન્દ્ર મોદી ખુરશી સુધી પહોંચી ગયા પણ તોગડિયા પાછળ રહી ગયા અને આ સત્તા તેમની દુશ્મનીનું કારણ બની ગઇ.








