બરેલીમાં જુમ્માની નમાજ પછી બબાલ, પથ્થરમારો કરતા પોલીસે દોડાવી દોડાવીને કર્યો લાઠીચાર્જ
ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારની નમાજ પછી બબાલ થતાં પોલીસે વિરોધીઓ પર લાઠીચાર્જ કર્યો. "આ

ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારની નમાજ પછી બબાલ થતાં પોલીસે વિરોધીઓ પર લાઠીચાર્જ કર્યો. "આઈ લવ મોહમ્મદ" પોસ્ટર વિવાદને લઈને પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા હતા. આઈએમસીના વડા મૌલાના તૌકીર રઝાએ વિરોધનું આહ્વાન કર્યું હતું. પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રદર્શનકારીઓના ટોળાએ એક વાત ન માનતાં બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જે પછી પોલીસે બળપ્રયોગ કરતાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે.
બરેલીમાં શુક્રવારની નમાજ પછી "આઈ લવ મોહમ્મદ" પોસ્ટર વિવાદને લઈને મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો પોસ્ટર અને બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા, જેના કારણે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. શ્યામગંજ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ એસપી ક્રાઈમ સાથે માથાકૂટ કરી હતી. પરિસ્થિતિ જોતાં પોલીસે શ્યામગંજમાં દુકાનો બંધ કરાવી દીધી. મસ્જિદની બહાર ભીડ કાબૂ બહાર ગઈ તો પોલીસે લાઠીચાર્જ કરતા દોડધામ મચી ગઈ.
શ્યામગંજમાં મૌલાના તૌકીર રઝાએ "આઈ લવ મોહમ્મદ" મુદ્દે જિલ્લા મેજિસ્ટ્રેટ થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલવાની ધમકી આપી હતી. તેમણે રસ્તા પર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરતા પોલીસ પહેલેથી જ એલર્ટ હતી. ભીડને કાબૂમાં લેવા માટે હજારો પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
શુક્રવાર સવારથી જ ઇસ્લામિયા મેદાન અને બિહારીપુરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા હતા. શ્યામગંજ મંડી તરફ જતા રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. સખ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં બપોરે લોકો પોતાના ઘરેથી નીકળતા પરિસ્થિતિ તંગ બની. શુક્રવારની નમાજ પછી લોકો સૂત્રોચ્ચાર કરતા સરઘસમાં રસ્તા પર ઉતરી આવ્યા. પોલીસ સાથે બબાલ કરતા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.






