કોંગ્રેસની 'વોટ ચોરી' રેલી પહેલાં દિલ્હીમાં રાજકીય ઘમાસાણ: કાર્યક્રમ રોકવા પોલીસ અડચણો ઊભી કરતી હોવાનો આક્ષેપ

દેશની રાજધાની દિલ્હીમાં આગામી 1 નવેમ્બરે રામલીલા મેદાન ખાતે યોજાનારી કોંગ્રેસની 'વોટ ચોરી' રેલી પહેલાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. મંગળવારે કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો હતો કે દિલ્હી પોલીસ આ રેલી પૂર્વે પાર્ટી માટે વિવિધ અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે. વિરોધ પક્ષોને કાર્યક્રમો માટે પરવાનગી ન મળતાં હવે આ રેલી પૂર્વે યોજાનારો પ્રારંભિક કાર્યક્રમ રાજાજી માર્ગ સ્થિત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાય તેવી શક્યતા છે.
કોંગ્રેસ સાંસદ અને સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે મંગળવારે રામલીલા મેદાન ખાતે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમે રામલીલા રેલીના કર્ટન-રેઝર તરીકે (30 ઓક્ટોબરે) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જાહેર મહાભિયોગ (પબ્લિક ઇમ્પીચમેન્ટ) ચલાવવાની જાહેરાત કરી હતી. આ માટે અમે સૌપ્રથમ 'ધ અશોક' હોટલના લૉન માટે સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં સંચાલકોએ હા પાડી, પરંતુ બાદમાં પોલીસે વચ્ચે આવીને અશોક હોટલના લૉન માટે પરવાનગી નકારી કાઢી હતી."
વેણુગોપાલે વધુમાં ઉમેર્યું હતું કે પાર્ટીએ 25 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી રામલીલા મેદાન બુક કરાવ્યું હતું અને ત્યાં આ 'જાહેર મહાભિયોગ' યોજવાનું નક્કી કર્યું હતું, પરંતુ પોલીસે સ્થળ પર સ્ટેજ બાંધતા પક્ષના કાર્યકરોને બે વાર અટકાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, "આ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો નિર્ણય છે. તેઓ તેમના માનીતા જ્ઞાનેશ કુમારનું રક્ષણ કરવા માંગે છે. પરંતુ અમે તેમના આવા દબાણ સામે ઝૂકવાના નથી."
દિલ્હી પોલીસે આ અહેવાલ અંગે મોકલેલા પ્રશ્નોનો કોઈ જવાબ આપ્યો નહોતો. જોકે, કોંગ્રેસને આપેલા નો-ઓબ્જેક્શન પત્રમાં પોલીસે 1 નવેમ્બરની રેલી માટે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી રામલીલા મેદાન બુક કરવાની મંજૂરી આપી છે, જેમાં શરત રાખવામાં આવી છે કે મેદાનમાં કોઈ રાત્રિ રોકાણ નહીં કરી શકે અને 'રામલીલા મેદાન સિવાય અન્ય કોઈ સ્થળે કૂચ કાઢી શકાશે નહીં'.
બીજી તરફ, વડાપ્રધાનના નિવાસસ્થાન નજીક આવેલી અને સરકારી સાહસ ITDC દ્વારા સંચાલિત 'ધ અશોક' હોટલના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "અમને ઈન્ડિયા ગઠબંધન તરફથી બુકિંગ માટે વિનંતી મળી હતી. અમે તેમને દિલ્હી પોલીસ લાયસન્સિંગ યુનિટ અને ટ્રાફિક પોલીસ તરફથી જરૂરી મંજૂરીઓ રજૂ કરવા જણાવ્યું હતું. તેઓ આ મંજૂરીઓ લાવી ન શકતાં અમે આગળ પ્રક્રિયા કરી શક્યા નહીં."
ઇન્ડિયા' ગઠબંધનના એક સાંસદે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર હેઠળની નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ સંચાલિત તાલકટોરા સ્ટેડિયમ, ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રૂડીના વડપણ હેઠળના કોન્સ્ટિટ્યુશન ક્લબ સ્થિત માવલંકર હોલ અને સામાજિક ન્યાય મંત્રાલય હેઠળના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં પણ તેમને કાર્યક્રમ યોજવા માટે જગ્યા આપવામાં આવી નહોતી. તેમણે ઉમેર્યું કે, "જો રામલીલા મેદાન ઉપલબ્ધ નહીં થાય, તો અમે ખડગેજીના નિવાસસ્થાને (જે ટાઈપ-VIII નો મોટો બંગલો છે) અથવા અન્ય કોઈ વરિષ્ઠ સાંસદના બંગલે આ કાર્યક્રમ યોજી શકીએ છીએ."
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ને એકપક્ષીય નિર્ણયો લેતા રોકવાની માંગ કરતી અરજીઓ સંદર્ભે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા સામે પણ કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ સાંસદ અને મીડિયા પ્રભારી જયરામ રમેશે ચૂંટણી પંચના આ સોગંદનામાને "ભ્રામક, કપટપૂર્ણ અને દંભી" ગણાવ્યું હતું.














