સંભલ હિંસામાં પોલીસ પર ફેંકાયા હતા પથ્થરો, એનાથી જ બનાવી દીધી પોલીસ ચોકી
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખાસ વાત એ

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખાસ વાત એ છે કે સંભલમાં હિંસા દરમિયાન પથ્થરમારો કરનારાઓ દ્વારા પોલીસ પર ફેંકવામાં આવેલા પથ્થરો અને ઇંટોનો ઉપયોગ કરીને આ પોલીસ ચોકી બનાવવામાં આવી હતી. શુક્રવારે જિલ્લાના દીપા સરાય વિસ્તારમાં નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે શાહી જામા મસ્જિદ પાસે થયેલી હિંસા દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. આ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન આઠ વર્ષની મુસ્લિમ છોકરી જુનૈરા ફૈસલે ઔપચારિક રીતે ચોકીનું ઉદ્ઘાટન કર્યું.
સંભલના પોલીસ અધિક્ષક કૃષ્ણ કુમારે જણાવ્યું હતું કે, "24 નવેમ્બરની હિંસા બાદ આ વિસ્તારનું બારીકાઈથી નિરિક્ષણ કર્યા પછી ચોકી બનાવવાનું નક્કી કર્યું. પોલીસ પર હુમલો કરવા વપરાયેલા 15 ટ્રોલી પથ્થરોનો ઉપયોગ ચોકીના બાંધકામમાં કરવામાં આવ્યો હતો.24 નવેમ્બર 2024માં મુઘલ યુગની જામા મસ્જિદના સર્વેક્ષણ દરમિયાન સંભલના કોટ ગરવી વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. ત્યાર બાદ ગોળીબારની ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
37 પોલીસ ચોકીઓ બનાવવામાં આવશે
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઘણા રીઢો ગુનેગારોના રેકોર્ડ ખોલવામાં આવ્યા છે, તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે, અને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શંકાસ્પદો સામે આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ની મદદથી કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન, સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પેન્સિયાએ જણાવ્યું હતું કે સંભલમાં 37 પોલીસ ચોકીઓ બનાવવામાં આવનાર છે, જેમાંથી ઘણી પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે દીપા સરાય પોલીસ ચોકીનું બાંધકામ આજે પૂર્ણ થયું છે. પેન્સિયાએ નોંધ્યું હતું કે દીપા સરાય જિલ્લાના "સૌથી સંવેદનશીલ વિસ્તારો" પૈકીનો એક છે.




