રામ મંદિરના શિખર પર PM મોદીએ ધર્મ ધ્વજ ફરકાવ્યો, મોહન ભાગવત પણ હાજર રહ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિર ઉપર ધાર્મિક ધ્વજ ફરકાવ્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિર ઉપર ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે પીએમ મોદી સાથે આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજર હતા. પીએમ મોદી દિલ્હીથી મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર પહોંચ્યા અને પછી હેલિકોપ્ટર દ્વારા સાકેત મહાવિદ્યાલય પહોંચ્યા. સાકેત મહાવિદ્યાલયથી પીએમ મોદી રોડ શોના રૂપમાં સપ્ત મંદિર ગયા.
સપ્ત મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, પીએમ મોદી રામ મંદિર પહોંચ્યા અને ગર્ભગૃહ તેમજ મંદિરના પહેલા માળે સ્થિત રામ દરબારમાં પ્રાર્થના કરી. પીએમ મોદીની આ મુલાકાત આધ્યાત્મિક રીતે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ મંદિર સંકુલમાં પ્રાર્થના કરશે અને બપોરે 12 વાગ્યે મંદિર ઉપર ભગવો ધ્વજ ફરકાવશે. આ ધ્વજ ફરકાવવો મંદિરના નિર્માણ પૂર્ણ થવા અને એક મુખ્ય સાંસ્કૃતિક ઉજવણીનું પ્રતીક છે.મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.
અયોધ્યા રામ મંદિરમાં ધ્વજારોહણના મૂહુર્ત અને પૂજાની ટાઈમલાઈન
ધર્મ ધ્વજા રોહણ શુભ દિવસ: માગશર સુદ પાંચમ, મંગળવાર.
- 11.36થી 11.47 વાગ્યે ગર્ભગૃહમાં યજમાન પ્રવેશ અને ઉપાસના
- 11.47થી 11.58 વાગ્યે અષ્ટોત્તરપૂજન અને ધ્વજસ્તંભ સ્થિરીકરણ
- 11.58થી 12.07 વાગ્યે પ્રાથમિક પૂજા, આમલસાર તથા યંત્ર સ્થાપના
- 12.8થી 12.16 વાગ્યે મંત્રોચ્ચાર સહિત શિખરે ધર્મ ધ્વજારોહણ
- 12.16થી 12.20 વાગ્યે ઉત્તિષ્ઠત જાગ્રત નાદતઃ ધ્વજા ફરકાવાશે
- 12.21થી 12.31 વાગ્યે અભિષેક, યજ્ઞ વિધાન, પુષ્પવર્ષા, ગન્ધવિલેપનમ્
- 12.32થી 1 વાગ્યા સુધી વિગ્રહ સ્થાને મહા આરતી તથા મંગલ ઘોષ.
ધ્વજની સ્થાપના માટે અનોખી યાંત્રિક વ્યવસ્થા
રામમંદિરના શિખર પર ધ્વજને ફરકાવવા માટે વપરાતું દોરડું અત્યંત મજબૂત અને ભારે છે, તેથી તેને માનવબળ વડે ખેંચવું કઠિન અને જોખમભર્યું છે. આ પડકારના નિરાકરણ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી યાંત્રિક સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમમાં દોરડાને બે બાજુ સંતુલિત રાખવા અને સરળતાથી ખેંચવા અને ઢીલ આપવા વિશિષ્ટ મશીનો લગાવાયા છે.








