PM મોદીએ ટાઈમ મેનેજમેન્ટનો આપ્યો મંત્ર, 'પરીક્ષા પે ચર્ચા'માં બોર્ડના વિદ્યાર્થીઓને આપી આ સલાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા બાળકો સાથે 'પરીક્ષા પે ચર્ચા' યોજે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા બાળકો સાથે 'પરીક્ષા પે ચર્ચા' યોજે છે. જેમાં સોમવારે પરીક્ષા પર ચર્ચાની 8મી આવૃત્તિમાં, તેમણે દેશના વિવિધ રાજ્યોના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને તેમને તણાવ મુક્ત અને સ્વસ્થ રહેવાની ટિપ્સ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે કેવી રીતે લીડર બની શકાય છે. આ ઉપરાંત પીએમ મોદીએ વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખવાની પણ શીખ આપી હતી.
પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે સારી ઊંઘ
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, 'તમારા માટે સ્વસ્થ આહાર લેવો મહત્ત્વપૂર્ણ છે. તેમજ અભ્યાસની સાથે સાથે સારી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. બાળકોએ ગૂગલ પર એ ન જોવું જોઈએ કે શું ખાવું અને શું ન પીવું. જે શરીર માટે હેલ્ધી હોય એ જ ખાવું જોઈએ. માતા-પિતા જે આપે છે તે ખાઈને સ્વસ્થ રહેવું. લખવાની બાબતને લઈને પીએમ મોદીએ કહ્યું કે, 'લખવાની આદત ખૂબ જ જરૂરી છે. તમે ગમે તે લખો તો પણ આ આદત તમારા વિચારોને બાંધવાનું કામ કરશે.'
ટાઈમ મેનેજમેન્ટ શીખો
ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પીએમ મોદીએ કહ્યું કે, 'સૌથી પહેલા આપણે આપણા સમય વિશે વિચારવું પડશે કે હું મારા સમયનો વધુ ઉપયોગ કેવી રીતે કરી શકું. હું આ બાબતે ખૂબ જ સાવધ છું. સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એ બધું કાગળ પર લખવું જોઈએ અને ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ. તેને દરરોજ માર્ક કરો અને જુઓ કે તમે કયા કાર્યો સમયસર પૂર્ણ કર્યા છે.'
પીએમ મોદીએ કહ્યું કે, 'વ્યક્તિએ હંમેશા પડકારોનો સામનો કરવો જોઈએ, કોઈપણ વિષયને પડકાર તરીકે જોવો જોઈએ. જે વિષય તમને ડરાવે છે તેને પહેલા ઉકેલવો જોઈએ. જ્ઞાન અને પરીક્ષા બે અલગ વસ્તુઓ છે.' આ સાથે શિક્ષકોને ટાંકીને પણ પીએમ મોદીએ વાત કરી અને કહ્યું કે, 'શિક્ષકોનું કામ વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઓળખવાનું પણ છે.'
મનને કેવી રીતે શાંત રાખવું
પીએમ મોદીએ બાળકોને એ પણ જણાવ્યું કે તેઓ તેમના મનને કેવી રીતે શાંત રાખી શકે છે. તેમણે કહ્યું કે, 'અર્થહીન વાત કરવાને બદલે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જો તમે અન્ય બાબતો વિશે વધુ પડતી વાત કરશો તો તમારું મન ભટકશે. ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારી નિષ્ફળતાને તમારો શિક્ષક બનાવવો પડશે. જીવનનો મતલબ માત્ર પરીક્ષાઓ જ નથી.'
અભ્યાસની સાથે સાથે આવડત પણ મહત્ત્વની
માતા-પિતાને અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે, 'દરેક માતા-પિતાની કેટલીક અપેક્ષાઓ હોય છે. અન્ય લોકોના બાળકોને જોઈને તેમના પોતાના ઈગો હર્ટ થાય છે. તેમનું સોશિયલ સ્ટેટસ જ તેમના માટે અવરોધ બની જાય છે. હું માતાપિતાને અપીલ કરું છું કે તેઓ તેમના બાળકને દરેક જગ્યાએ એક મોડેલ તરીકે ઉભા ન કરે. દુનિયાનું દરેક બાળક એક સરખું નથી હોતું. કેટલાક બાળકો રમતમાં સારા અને અભ્યાસમાં નબળા હોય છે. બાળકોના માતા-પિતા અને શિક્ષકોએ તેમની અંદર છુપાયેલી પ્રતિભાને નિખારવાની જરૂર છે. આવડતની શક્તિ ઘણી વધારે છે. આપણે આવડત પર વધુ ધ્યાન આપવું જોઈએ.'
શિક્ષકોને પણ સલાહ આપી
પીએમ મોદીએ શિક્ષકોને કહ્યું કે, 'વિદ્યાર્થીઓ વચ્ચે સરખામણી ન થવી જોઈએ, કોઈ પણ વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે ટોકવો ન કરવો જોઈએ. આનાથી તે નિરાશ થશે અને તેઓ આગળ શીખવાનો પ્રયત્ન નહિ કરે. બાળકોને પણ એવી વ્યક્તિ શોધવી જોઈએ જે તેમને સતત પ્રેરણા આપતા રહે. વ્યક્તિએ હંમેશા પોતાને હરાવવાનું શીખવું જોઈએ. આ માટે સેલ્ફ ગોલ હોવો જરૂરી છે, તેને પૂર્ણ કરવા પર તમારે પોતાને રિવોર્ડ આપવો જોઈએ.'








