મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

તિરુપતિ લાડુ મુદ્દે બે એક્ટરોમાં બબાલ, સનાતન ધર્મ અંગે પવન કલ્યાણે પ્રકાશ રાજને આપ્યો સણસણતો જવાબ

તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં અપાતા લાડુમાં ભેળસેળયુક્ત ઘીનો મામલો સામે આવ્યા બાદ

તિરુપતિ લાડુ મુદ્દે બે એક્ટરોમાં બબાલ, સનાતન ધર્મ અંગે પવન કલ્યાણે પ્રકાશ રાજને આપ્યો સણસણતો જવાબ

તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં અપાતા લાડુમાં ભેળસેળયુક્ત ઘીનો મામલો સામે આવ્યા બાદ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. આ બાબતે આંધ્ર પ્રદેશ સરકારની ચારેકોરથી ટીકા થઈ રહી છે. ટીવી મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર આ બાબતની ચર્ચા સાથે શાબ્દિક જંગ છેડાઈ ગયા છે. પ્રસાદીના લાડુ બનાવવા વપરાતા ઘીમાં પશુ ચરબી હોવાનું બહાર આવ્યા બાદ લોકો આઘાતમાં છે. ત્યારે ઘીમાં ભેળસેળ મુદ્દે હવે સાઉથના બે મોટા સુપર સ્ટાર વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થયું છે.
 
આ મામલે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને તેલુગુ ફિલ્મ સ્ટાર પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી તો જાણીતા અભિનેતા પ્રકાશ રાજે તેમની ટીકા કરી. હવે પવન કલ્યાણે પ્રકાશ રાજને જવાબ આપ્યો છે.
 
આ મામલો સામે આવ્યા બાદ પવન કલ્યાણે કહ્યું હતું કે આનાથી તે ખૂબ જ દુખી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં લખ્યું કે કદાચ રાષ્ટ્રીય સ્તરે 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ' બનાવવાનો સમય આવી ગયો છે જે સમગ્ર ભારતમાં મંદિરો સાથે સંબંધિત મુદ્દાઓ પર નજર રાખે. 

પવન કલ્યાણના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જાણીતા એક્ટર પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર લખ્યું, 'પ્રિય પવન કલ્યાણ, આ ઘટના એ રાજ્યમાં બની છે જ્યાં તમે નાયબ મુખ્યમંત્રી છો. કૃપા કરીને તપાસ કરો, દોષિતોને શોધી કાઢો અને કડક પગલાં લો. શા માટે તમે આ મુદ્દાને સનસનાટીભર્યા બનાવો છો અને રાષ્ટ્રીય સ્તરે મોટો બનાવવાનો પ્રયાસ કરો છો? દેશમાં પહેલેથી જ ઘણો સાંપ્રદાયિક તણાવ છે. (કેન્દ્રમાં બેઠેલા તમારા મિત્રોની કૃપાથી)

પ્રકાશ રાજને જવાબ આપતા પવન કલ્યાણે કહ્યું કે, તેઓ 'હિંદુત્વની પવિત્રતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ' મુદ્દે વાત કરી રહ્યા છે. મારે આ બાબતોમાં કેમ ન બોલવું જોઈએ? હું તમારો આદર કરું છું પ્રકાશ રાજ, પરંતુ જ્યારે ધર્મનિરપેક્ષતાની વાત આવે સમજદાર થવું જોઈએ. મને સમજાતું નથી કે તમે મારી ટીકા કેમ કરો છો? શું હું સનાતન ધર્મ પરના હુમલા વિશે વાત ન કરી શકું? પ્રકાશે આ પાઠ શીખવો જોઈએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી કે કોઈએ પણ આ મુદ્દાને હળવાશથી ન લેવો જોઈએ, હું સનાતન ધર્મ પ્રત્યે ખૂબ જ ગંભીર છું.
 
પવન કલ્યાણે કહ્યું કે, સનાતન ધર્મ તેના માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે અને દરેક હિંદુએ આ મામલે જવાબદારી લેવી જોઈએ. 'જો આ બીજા કોઈ ધર્મમાં થયું હોત તો બહુ મોટું આંદોલન થયું હોત.'
  
જણાવી દઈએ કે, તાજેતરમાં પવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બાબતે એક પોસ્ટ લખી હતી કે તેઓ ગુંટુર જિલ્લાના નામ્બુર સ્થિત શ્રીદશાવતાર વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 11 દિવસની 'પ્રાયશ્ચિત દીક્ષા' લેશે.

આ સમાચાર શેર કરો