મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'સોનિયા-ચિદમ્બરમ માફી માંગે',Malegaon Blast Caseમાં ચુકાદા બાદ ભાજપ; ઓવૈસીએ પૂછ્યું-તો 6 લોકોને કોણે માર્યા? 

મહારાષ્ટ્રના માલેગાંવમાં વર્ષ 2008માં થયેલા વિસ્ફોટ મામલે 17 વર્ષ બાદ NIAની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો

'સોનિયા-ચિદમ્બરમ માફી માંગે',Malegaon Blast Caseમાં ચુકાદા બાદ ભાજપ; ઓવૈસીએ પૂછ્યું-તો 6 લોકોને કોણે માર્યા? 

મહારાષ્ટ્રના માલેગાંવમાં વર્ષ 2008માં થયેલા વિસ્ફોટ મામલે 17 વર્ષ બાદ NIAની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો છે. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે.જોકે આ ચુકાદા સામે અસદ્દુદ્દીન ઓવૈસી સહિતના નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે અને કોર્ટના ચુકાદા સામે સવાલ ઉઠાવ્યા છે.

માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચુકાદો નિરાશાજનક-ઓવૈસી

માલેગાંવ બ્લાસ્ટ કેસના ચુકાદા પર AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચુકાદો નિરાશાજનક છે. જાણી જોઇને યોગ્ય તપાસ કરવામાં આવી નથી એટલે તમામ આરોપીને છોડી મુકવામાં આવ્યા છે. 6 લોકોને અંતે કોણે માર્યા? 

સત્યની જીત થઇ- શિવસેના સાંસદ નરેશ મ્હસ્કે

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા બાદ શિવસેના સાંસદ નરેશ મ્હસ્કે કહ્યું, 'સત્યની જીત થઇ છે. આ કેસ છેલ્લા 17 વર્ષથી ચાલતો હતો. કેટલાક સૈન્ય અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમને ATSના દબાણમાં કેટલાક નિવેદન આપ્યા હતા પરંતુ આજે બધુ સામે આી ગયું છે. કોંગ્રેસ સરકારે હિન્દૂ આતંકવાદના નામ પર લોકોમાં તેમણે ગેરસમજ ફેલાવવા માટે કાર્યવાહી કરી. આજે સાબિત થયું છે કે તેમનું પગલું ખોટું હતું...'

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ફડણવીસે કહ્યું કે, આતંકવાદ ભગવો ક્યારેય નહતો, ના છે અને ના તો ક્યારેય રહેશે.

દોષિતોને સજા મળવી જોઇએ- અખિલેશ યાદવ

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવતા  સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું, 'દોષિતોને સજા મળવી જોઇએ. દેશની જનભાવના છે કે જેમને આ ઘટનાને અંજામ આપ્યો છે તેમને સજા મળવી જોઇએ..'

કોંગ્રેસે ભગવા આતંકવાદનું નેરેટિવ ફેલાવ્યું- નિશિકાંત દુબે

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું, "ઘણા દિવસોથી કોંગ્રેસ 'ભગવા આતંકવાદ'નો નેરેટિવ ફેલાવતું હતું પરંતુ આજે બધું સાબિત થઇ ગયું છે. આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું, જે કોંગ્રેસે ભોગવવું પડશે...2011,2012,2013માં થયેલા વિસ્ફોટો કે 2008માં બનેલી ઘટના, બધું પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત હતું તો પાકિસ્તાનના આતંકવાદીઓને પકડવાને બદલે, તમે ભારતના લોકોને શા માટે દોષી ઠેરવી રહ્યા છો?...'

કોંગ્રેસે વોટબેન્કની રાજનીતિ માટે ભગવા આતંકવાદનો નેરેટિવ ચલાવ્યો- અમિત માલવીય

કોર્ટના ચુકાદા બાદ ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવીયએ X પર લખ્યુ, "હિન્દૂ ક્યારેય આતંકી નથી હોઇ શકતો. કોંગ્રેસે માત્ર વોટબેન્કની રાજનીતિ માટે ભગવા આતંકવાદનો જૂઠો નેરેટિવ રચ્યો અને નિર્દોષો પર ખોટા કેસ કરાવ્યા. સ્પષ્ટ છે કે કોંગ્રેસે એક ષડયંત્ર રચ્યું હતું. સોનિયા ગાંધી, પી.ચિદમ્બરમ અને સુશીલ કુમાર શિંદે જેવા નેતાઓને સનાતન ધર્મને બદનામ કરવા માટે હિન્દૂઓની માફી માંગવી જોઇએ. સનાતન ધર્મ પવિત્ર છે. હિન્દૂ આતંકવાદી નથી હોઇ શકતો. ગર્વથી કહો અમે હિન્દૂ છીએ."

માલેગાંવ બ્લાસ્ટ કેસના ચુકાદા પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર દેશી નીતિઓ ખતમ કરી રહી છે.

કોંગ્રેસે ભગવા આતંકનું ષડયંત્ર રચ્યું- રવિશંકર પ્રસાદ

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા બાદ ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું, "કોંગ્રેસ પાર્ટી વોટ બેન્ક માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે. કોંગ્રેસે ભગવા આતંકનું ષડયંત્ર રચ્યું અને તેને ફેલાવવાનું શરૂ કર્યું. કોર્ટે જણાવ્યું કે મોટરસાઇકલનો કોઇ પુરાવો કે ચેસિસ નંબર નહતો. સાક્ષીઓએ પણ કહ્યું કે તેમને પરેશાન કરવામાં આવ્યા અને નિવેદન આપવા માટે મજબૂર કરવામાં આવ્યા...ચિદમ્બરમ માત્ર પાકિસ્તાનને પ્રમાણપત્ર નથી આપતા...તેમણે ગૃહમંત્રી રહેતા ભગવા આતંકનો મુદ્દો ઉઠાવ્યો અને એક કહાની રચવાનું ષડયંત્ર રચ્યું. રાહુલ ગાંધી સત્યથી કેમ ભાગી રહ્યાં છે? સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ દેશી માફી માંગવી જોઇએ...સાધ્વી પ્રજ્ઞાને જે રીતે પરેશાન કરવામાં આવી, હું ખુલીને કહી શકતો નથી...જે લોકો પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો તેમણે વળતર મળવું જોઇએ...તે અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ જેમને તેમના પર ખોટો આરોપ લગાવ્યો..."

શું છે ઘટના?

29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 6 લોકોના મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્ર પોલીસના ATS (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ)એ શરૂઆતમાં આ કેસની તપાસ કરી હતી, ત્યારબાદ તે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં ચાલી રહેલી લાંબી કાનૂની પ્રક્રિયા અને આરોપોને કારણે આ ચુકાદો અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો