JPCની બેઠકમાંથી વિપક્ષી સાંસદોએ કર્યું વૉક આઉટ, કર્યા ગેરરીતિના આક્ષેપ
વકફ (સંશોધન) બિલ 2024 મામલે આજે સંયુક્ત સંસદીય સમિતિ બેઠકમાં ભારે હોબાળો થયો છે. અગાઉની બેઠકમા

વકફ (સંશોધન) બિલ 2024 મામલે આજે સંયુક્ત સંસદીય સમિતિ બેઠકમાં ભારે હોબાળો થયો છે. અગાઉની બેઠકમાં TMC સાંસદ કલ્યાણ બેનરજીએ કાંચની બૉટલ તોડી હતી, ત્યારે આ વખતે વિપક્ષી સાંસદોને ફરી વિરોધ નોંધાવી ચાલુ બેઠકમાંથી બહાર જતા રહ્યા છે. સંસદ ભવનના પરિસરમાં યોજાયેલી બેઠક દરમિયાન વિપક્ષના અનેક સભ્યો બહાર જતા રહ્યા હતા. સાંસદોએ આક્ષેપ કર્યો છે કે, જે રજૂઆતના આધારે ચર્ચા કરવામાં આવી હતી તે નકલી છે.
આખેઆખો રિપોર્ટ બદલી નાખ્યો, સાંસદોનો આક્ષેપ
વિપક્ષના સભ્યોએ દાવો કર્યો છે કે, દિલ્હી વક્ફ બોર્ડના વ્યવસ્થાપકે દિલ્હી સરકારને જાણ કર્યા વગર સમિતિ સમક્ષ રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં ફેરફાર કર્યા છે. બેઠકમાં હોબાળા બાદ આમ આદમી પાર્ટીના સભ્ય સંજય સિંહ, દ્રમુક સાંસદ મોહમ્મદ અબ્દુલ્લા, કોંગ્રેસના નસીર હુસૈન અને મોહમ્મદ જાવેદ સહિત કેટલાક વિપક્ષી સભ્યો બેઠક છોડીને જતા રહ્યા છે. વિપક્ષી સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના કમિશનર અને દિલ્હી વકફ બોર્ડના વ્યવસ્થાપક અશ્વિની કુમારે મુખ્યમંત્રીની મંજૂરી લીધા વગર વકફ બોર્ડના પ્રારંભિક રિપોર્ટમાં સંપૂર્ણ ફેરફાર કરી દીધા છે.
આગામી બેઠક 29મી ઓક્ટોબરે
સમિતિની બેઠકમાં ભારે હોબાળો મચ્યા બાદ આગામી બેઠક 29મી ઓક્ટોબરે યોજવાનો નિર્ણય કરાયો છે. સમિતિએ વકફ સુધારા બિલ પર ચર્ચા કરવા માટે દિલ્હી વક્ફ બોર્ડ, હરિયાણા વક્ફ બોર્ડ, પંજાબ વક્ફ બોર્ડ, ઉત્તરાખંડ વક્ફ બોર્ડ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશોના સમૂહ કૉલ ફોર જસ્ટિસ અને વક્ફ ટેનન્ટ વેલ્ફેર એસોસિએશનને બોલાવ્યા હતા. આ બેઠકમાં તથ્યો મામલે ફરીએકવાર હોબાળો મચ્યો છે. જોકે તમામ સાંસદોએ વૉક આઉટ કર્યા બાદ થોડી જ વારમાં ફરી બેઠકમાં સામેલ થયા હતા.






