દવાખાનાના નામે માત્ર દરવાજા જ બન્યા! આ છે બિહારના દરભંગાનો 'ડબલ એન્જિન' ગતિનો વિકાસ!
બિહારના દરભંગાની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ

બિહારના દરભંગાની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અંગેનો વિવાદ હવે આકરો બન્યો છે. ફેબ્રુઆરી ૨૦૧૫માં પટણા પછી બિહારમાં બીજી એઈમ્સ તરીકે આની જાહેરાત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય મિથિલા ક્ષેત્રમાં આરોગ્ય સેવાઓની પહોંચ સુધારવાનો હતો. પરંતુ દસ વર્ષ પછી પણ, ફાળવેલી જમીન પર બાંધકામ માત્ર મુખ્ય દરવાજાના સ્તંભો પૂરતું જ મર્યાદિત છે.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર દરભંગા એઈમ્સના મેઈન ગેટના પિલર (સ્તંભ)ની તસવીર શેર કરી છે. આ સાથે જ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે 10 વર્ષ પછી પણ દરભંગા એઈમ્સના નામે જમીન પર માત્ર મેઈન ગેટ જ બની શક્યો છે. જ્યારે સરકારે દાવો કર્યો હતો કે અહીં સારવાર શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે.
કોંગ્રેસના પ્રવક્તા અસિત નાથ તિવારીએ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન સતત જૂઠું બોલતા રહ્યા છે અને દરભંગા એઈમ્સ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. અસિત નાથ તિવારીએ કહ્યું, 'પીએમ મોદીએ અનેક મંચો પરથી કહ્યું કે દરભંગા એઈમ્સમાં ઈલાજ થઈ રહ્યો છે, પરંતુ હકીકત એ છે કે ત્યાં માત્ર એક ગેટ ઊભો છે. કોંગ્રેસે આજે જનતા સામે સચ્ચાઈ લાવી દીધી છે.'
જેપી નડ્ડાએ (25 ફેબ્રુઆરી 2025) જણાવ્યું હતું કે "દરભંગા એઈમ્સ બનીને તૈયાર થઈ રહી છે અને તેનું કામ શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાને નિર્માણ સ્થળ પર ભૂમિ પૂજન કરી લીધું છે અને જમીનની માટીની તપાસ પણ થઈ ગઈ છે. હવે હોસ્પિટલની ચારદીવારી અને બાકીના તમામ કામો ચાલી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે દરભંગા એઈમ્સની સ્થાપનામાં અંદાજે 1250 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેને ભારત સરકારની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. પટણા એઈમ્સ તો તમારી સામે જ છે."
૨૦૧૫માં જાહેર થયેલી દરભંગા એઈમ્સને ૨૦૨૦માં મંજૂરી મળી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ તેનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ ૧૮૭ એકર જમીન પર ૧,૨૬૪ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાનું આયોજન હતું. આ વચનો છતાં, સાઇટ પર કામ અટકી પડ્યું છે, જેના કારણે મિથિલાના લોકો અનિશ્ચિત છે કે આ લાંબા સમયથી રાહ જોવાતી હોસ્પિટલ ક્યારે પૂર્ણ થશે. ઘણા રહેવાસીઓ અને કાર્યકરો આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિને સરકારી વચનો અને જમીન પરની વાસ્તવિકતા વચ્ચેના મોટા અંતરના પ્રતીક તરીકે જુએ છે.








