લવ સ્ટોરીનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી; હાઈકોર્ટે બળાત્કારનો કેસ રદ કર્યો
"દરેક પ્રેમ સંબંધનું (Love Affair) પરિણામ લગ્ન જ આવે તે અનિવાર્ય કે ચોક્કસ નથી. પરસ્પર મ

"દરેક પ્રેમ સંબંધનું (Love Affair) પરિણામ લગ્ન જ આવે તે અનિવાર્ય કે ચોક્કસ નથી. પરસ્પર મતભેદો અથવા વ્યક્તિગત પસંદગીઓમાં ફેરફાર સહિતના ઘણા વ્યવહારિક કે પરિસ્થિતિજન્ય કારણોસર કોઈપણ સંબંધ તૂટી શકે છે." અલ્હાબાદ હાઈકોર્ટે લગ્નના ખોટા વાયદાના (False Promise of Marriage) આધારે નોંધાયેલા બળાત્કારના (Rape Case) એક કેસની કોર્ટ કાર્યવાહીને સંપૂર્ણપણે રદ કરતાં આ ઐતિહાસિક ટિપ્પણી કરી છે.
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વિવેક કુમાર સિંહની સિંગલ બેન્ચે (Single Bench) પોતાના આદેશમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, લાંબા સમય સુધી પરસ્પર સંમતિથી (Consensual Relationship) ચાલેલા સંબંધો બગડે ત્યારે તેને ગુનાહિત સ્વરૂપ (Criminal Color) આપવાનું ચલણ વધી રહ્યું છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે, એક શિક્ષિત અને સ્વતંત્ર પુખ્ત વયની (Adult) વ્યક્તિએ સંબંધો બાંધતી વખતે એ સમજવું જોઈએ કે માત્ર સંબંધ નિષ્ફળ જવાથી કાયદાનો આશરો લઈ તેને ગુનો ન ગણી શકાય. સંબંધ તૂટવો એ આપમેળે કોઈ ફોજદારી જવાબદારી (Criminal Liability) ઉભી કરતું નથી.
શું હતો સમગ્ર મામલો?
આ મામલો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj) જિલ્લાનો છે. પીડિત મહિલા વર્ષ 2014 થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની (Competitive Exams) તૈયારી કરી રહી હતી. આ દરમિયાન તેની મુલાકાત આરોપી યુવક સાથે થઈ હતી. મહિલાનો આરોપ હતો કે પુરુષે લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધો (Physical Relations) બાંધ્યા હતા. જ્યારે પુરુષે લગ્ન કરવાની વારંવાર ના પાડી, ત્યારે મહિલાએ 10 ઓગસ્ટ 2019 ના રોજ પ્રયાગરાજમાં બળાત્કાર, મારપીટ અને ગુનાહિત ધમકીની (Criminal Intimidation) એફઆઈઆર (FIR) નોંધાવી હતી.
કેસ નોંધાયા બાદ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા
FIR નોંધાયા બાદ બંને પરિવારોની સંમતિથી 27 ઓગસ્ટ 2019 ના રોજ પ્રયાગરાજના એક આર્ય સમાજ મંદિરમાં (Arya Samaj Mandir) બંનેના લગ્ન થઈ ગયા હતા. પરંતુ લગ્ન પછી પણ મહિલાએ કેસ પાછો ખેંચ્યો ન હતો. મહિલાનું કહેવું હતું કે તેનો પતિ તેને પત્ની તરીકે રાખતો નથી અને તેને પરિણીત મહિલા જેવું સન્માન મળી રહ્યું નથી.
મહિલાએ મેજિસ્ટ્રેટ (Magistrate) અને પોલીસ સમક્ષ આપેલા જૂના નિવેદનો જ ચાલુ રાખ્યા, જેના આધારે તપાસ અધિકારીએ જાન્યુઆરી 2020 માં કોર્ટમાં ચાર્જશીટ (Charge-sheet) દાખલ કરી દીધી. આ પછી આરોપી પતિએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને કેસ રદ (Quash) કરવાની માંગ કરી.
કોર્ટમાં બંને પક્ષોની દલીલો
પતિના વકીલે દલીલ કરી હતી કે મહિલા છેલ્લા 5 વર્ષથી પુરુષના સંપર્કમાં હતી અને આ એફઆઈઆર માત્ર એક તૂટેલા સંબંધોનું પરિણામ છે. એફઆઈઆરમાં પ્રથમ વખત કથિત બળાત્કાર ક્યારે અને ક્યાં થયો તેનો કોઈ ઉલ્લેખ નથી. વકીલે એ પણ રેખાંકિત કર્યું કે મહિલા ઉચ્ચ શિક્ષિત છે અને તેની પાસે એમએ (MA), એલએલબી (LLB) અને બીએડ (BEd) ની ડિગ્રીઓ છે.
બીજી તરફ, મહિલાના વકીલ અને એડિશનલ સરકારી એડવોકેટે (AGA) અરજીનો વિરોધ કરતા કહ્યું કે, પુરુષે માત્ર કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે જ દેખાડાના લગ્ન કર્યા હતા.
કોર્ટનો આખરી નિર્ણય: કાયદાનો દુરુપયોગ
જસ્ટિસ સિંહની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા બાદ કહ્યું કે, મહિલા એટલી પરિપક્વ (Mature) અને બુદ્ધિશાળી છે કે તે પોતાના કૃત્યોના પરિણામો સમજી શકે.
અદાલતે જણાવ્યું: "એવું બિલકુલ કહી શકાય નહીં કે મહિલાએ કોઈ ભ્રમ કે ગેરસમજમાં (Misconception of Fact) આવીને શારીરિક સંબંધ માટે સંમતિ આપી હતી. 5 વર્ષ સુધી ચાલેલો આ સંબંધ સ્પષ્ટ કરે છે કે આ પ્રેમ સંબંધ ખાટો થવાનો મામલો છે, કોઈ બળાત્કારનો ગુનો બનતો નથી. આ મુકદ્દમો ચાલુ રાખવો એ માત્ર સમયનો બગાડ અને ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સનો (Criminal Jurisprudence) દુરુપયોગ છે."
આ ટિપ્પણી સાથે હાઈકોર્ટે સ્થાનિક કોર્ટમાં પેન્ડિંગ બળાત્કારના આ કેસની તમામ કાર્યવાહીને સંપૂર્ણપણે રદ કરી દીધી છે.








