બિહાર NDA ગઠબંધનમાં ડખા! નીતિશ કુમારની પાર્ટીએ ચિરાગ સામે ઉતાર્યા ઉમેદવાર, CM ફેસને લઇને પણ માંગ

બિહાર વિધાનસભા ચૂંટણી રસપ્રદ તબક્કામાં પહોંચી છે. NDAમાં સીટની વહેંચણી થઇ ગઇ છે. ભાજપ-JDUને 101-101 બેઠક, ચિરાગ પાસવાનની પાર્ટી LJP(R)ને 29 બેઠક, જીતનરામ માંઝીની હમ અને ઉપેન્દ્ર કુશવાહાની રાલોમ પાર્ટીને 6-6 બેઠક મળી હતી. આ સીટની વહેંચણી થઇ ગયા પછી નવો વિવાદ ઉભો થયો છે.
JDUએ ચિરાગ પાસવાનની 3 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા
JDU પ્રમુખ નીતિશ કુમારે ચિરાગ પાસવાનને આપવામાં આવેલી 3 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. નીતિશ કુમારે ગાયઘાટ, રાજગીર અને સોનબરસા બેઠક પર પોતાના ઉમેદવારોને સિમ્બોલ આપી દીધુ છે જ્યારે સીટ વહેંચણીમાં આ ત્રણ બેઠકો ચિરાગ પાસવાનને આપવામાં આવી હતી.
ચિરાગના સાંસદની દીકરીને આપી ટિકિટ
નીતિશ કુમારે માત્ર ગાયઘાટ સીટ લઇ જ નથી લીધી પણ ચિરાગ પાસવાનના ઉમેદવાર કોમલ સિંહને પણ લઇ લીધા છે. લોજપા સાંસદ વીણા દેવીની દીકરી કોમલ સિંહને JDUના ઉમેદવાર બનાવ્યા છે. રાજગીર સીટ પણ લોજપાને આપવામાં આવી હતી. નીતિશ કુમારે આ બેઠક પર પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. કૌશલ કિશોરને અહીંથી JDUએ પોતાનો સિમ્બોલ આપ્યો છે.
આ પહેલા નીતિશ કુમાર સોનબરસા બેઠક માટે રત્નેશ સદાને પાર્ટીનો સિમ્બોલ આપી ચુક્યા છે. આ ત્રણ બેઠક અને તારાપુરને લઇને નીતિશ કુમાર નારાજ હતા. તારાપુર બેઠક પર ભાજપે સમ્રાટ ચૌધરીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાની JDUની માંગ
JDUએ NDA ગઠબંધનમાં નવો પેચ ફસાવ્યો છે. પાર્ટીએ મુખ્યમંત્રી ફેસને લઇને મોટી શરત મુકી છે. સુત્રો અનુસાર, JDUએ શરત મુકી છે કે નીતિશ કુમારને ભાજપ સહિત NDAના ઔપચારિક રીતે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરે. સુત્રોએ જણાવ્યું કે JDUનું માનવું છે કે નીતિશ કુમારના નેતૃત્ત્વમાં જ ચૂંટણી લડીશું.
નીતિશ કુમારની નારાજગીની ઇનસાઇડ સ્ટોરી
સીટ વહેંચણીને લઇને નીતિશ કુમાર નારાજ છે. JDUની પરંપરાગત બેઠક LJP (R)ને આપવાની અટકળો છે. મુખ્યમંત્રી હાઉસમાં નીતિશ કુમાર કેટલીક બેઠકો કરી ચુક્યા છે. સૂત્રો અનુસાર કેટલીક બેઠક પર નીતિશ કુમાર સહમત નથી. સૂત્રોએ એવો પણ દાવો કર્યો કે જુડવા ભાઇવાળા ફોર્મૂલા પણ નીતિશને પસંદ નથી. નીતિશ કુમાર મોટા ભાઇની ભૂમિકા ઇચ્છે છે.

