રક્ષાબંધન પર બાળકો મહેંદી, રાખડી અને તિલક લગાવીને આવે તો ન આપો સજા! NCPCRએ તમામ રાજ્યોને આપી સલાહ
રક્ષાબંધન, ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ બંધનનો તહેવા

રક્ષાબંધન, ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ બંધનનો તહેવાર છે. આ વર્ષે 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ અંગે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ વિભાગોને એક સૂચના જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો બાળકો તહેવારો દરમિયાન મહેંદી, રાખી, તિલક લગાવીને સ્કૂલ આવે છે, તો તેમને સજા ન આપો. NCPCR આગામી તહેવારોની મોસમ દરમિયાન બાળકો સામે ભેદભાવ અને સજા રોકવા વિનંતી કરી છે.
NCPCR ચીફે ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો
NCPCRના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોના એક પત્રમાં, સ્કૂલના ટીચર્સ અને સ્ટાફ દ્વારા તહેવારો દરમિયાન બાળકોને પરેશાન કરવા તથા તેમની સાથે ભેદભાવના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. પત્રમાં તેમણે એવી ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે જ્યાં બાળકો રાખડી, તિલક કે મહેંદી લગાવીને સ્કૂલે જતા હતા અને ત્યાં તેમને શારીરિક અને માનસિક ઉત્પીડનનો સામનો કરવો પડતો હતો.
NCPCR અધ્યક્ષે કહ્યું કે, જો આવી સજા સ્કૂલમાં આપવામાં આવે છે, તો તે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર (RTE) અધિનિયમ, 2009ની કલમ 17નું ઉલ્લંઘન હશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે, તે મહત્ત્વપૂર્ણ છે કે શાળાઓ એવી પ્રથાઓમાં સામેલ ન થાય કે, જે બાળકોને શારીરિક સજા અથવા ભેદભાવનો ભોગ બને."
NCPCRએ સૂચના આપી
NCPCRએ વિનંતી કરી છે કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ આપે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે 17 ઓગસ્ટ, 2024 સુધીમાં આ સંદર્ભમાં જારી કરાયેલા આદેશની નકલ સાથે પાલન રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. NCPCR, બાળ અધિકાર સંરક્ષણ (CPCR) અધિનિયમ, 2005 હેઠળ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે જે સમગ્ર દેશમાં બાળકોના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરે છે.






