Ratan Tataએ જ્યારે બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
ટાટા ગ્રુપના સર્વેસર્વા અને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર દેશમાં

ટાટા ગ્રુપના સર્વેસર્વા અને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર દેશમાં શોકની લહેર જોવા મળી રહી છે. રતન ટાટાએ દેશના આમ આદમી માટે 1 લાખ રૂપિયામાં કાર બનાવવાનું સ્વપ્ન જોયું હતું. જોકે, તેમને આ પ્રોજેક્ટને લઇને ઘણા પડકારનો સામનો કરવો પડ્યો હતો.
રતન ટાટાએ પોતાના ટાટા મોટર્સનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો કારણ કે જે જમીન તેમને બંગાળ સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે આપવામાં આવી હતી તેને લઇને ઘણો રાજકીય વિવાદ ઉભો થયો હતો.
રતન ટાટાએ 18 મે 2006માં જાહેરાત કરી હતી કે તે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સંગરૂરમાં એક લાખ રૂપિયામાં મળનારી નેનો કારનો પ્લાન્ટ લગાવશે. તે સમયે રાજ્યમાં લેફ્ટની સરકાર હતી. તત્કાલીન મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ આ પ્રોજેક્ટને રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં સૌથી મહત્ત્વનો ગણાવ્યો હતો પરંતુ આ પ્રોજેક્ટનો તે સમયે વિપક્ષમાં બેઠેલા TMCના પ્રમુખ મમતા બેનરજીએ વિરોધ કર્યો હતો.
બંગાળમાં Nano પ્રોજેક્ટના વિરોધે વધારી હતી Ratan Tataની મુશ્કેલી
રતન ટાટાના નેનો પ્રોજેક્ટને લઇને સિંગુરમાં એક હજાર કરોડ એકર જમીન અધિગ્રહણની પ્રક્રિયા શરૂ થઇ હતી પરંતુ વિપક્ષના નેતાના રૂપમાં મમતા બેનરજીએ આ પ્રક્રિયાને લઇને વિરોધ નોંધાવ્યો હતો અને કોલકાતામાં આમરણ અનશન પર બેસી ગયા હતા.
આટલું જ નહીં, મમતા બેનરજીએ 24 ઓગસ્ટ 2008માં પ્રોજેક્ટ માટે અધિગ્રહણ કરવામાં આવેલી 1000 એકર જમીનમાંથી 400 એકર જમીન પરત કરવાની માંગ કરી હતી અને દુર્ગાપુર એક્સપ્રેસ હાઇવે સુધી જામ કર્યો હતો.
3 ઓક્ટોબર 2008માં રાજ્યના સૌથી મોટા તહેવાર દુર્ગા પૂજાના બે દિવસ પહેલા રતન ટાટાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે તે પોતાના કારના પ્રોજેક્ટને સિંગુરથી અન્ય જગ્યાએ લઇ જશે. આ નિષ્ફળતા માટે તેમને મમતા બેનરજી અને TMCના આંદોલનને જવાબદાર ઠેરવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ કરી હતી મદદ, ગુજરાત શિફ્ટ થયો ટાટાનો પ્લાન્ટ
એક તરફ જ્યાં રતન ટાટાને પશ્ચિમ બંગાળમાં આ પ્રોજેક્ટ માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો અને ગુજરાત સરકારે રતન ટાટાને જમીન આપી દીધી હતી. રતન ટાટાના નેનો પ્રોજેક્ટ હેઠળ ટાટાનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળથી સાણંદ શિફ્ટ કરવામાં આવ્યો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે બંગાળમાં આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયો હતો અને 31 ઓગસ્ટ 2016માં કોર્ટ દ્વારા આદેશને કારણે તે જમીન ખેડૂતોને પરત કરવામાં આવી હતી. ટાટા ગ્રુપે નુકસાનને લઇને પશ્ચિમ બંગાળના ઉદ્યોગ, વાણિજ્ય અને ઉદ્યમ વિભાગની મુખ્ય નોડલ એજન્સી WBIDCમાં વળતર દ્વારા ભરપાઇનો દાવો રજૂ કર્યો હતો. આ ઘટનામાં ટાટા ગ્રુપને જીત મળી હતી. કોર્ટે પશ્ચિમ બંગાળના ઔદ્યોગિક વિકાસ નિગમને ટાટા ગ્રુપને 765.78 કરોડ રૂપિયા વળતર તરીકે આપવાનો આદેશ આપ્યો હતો.








