કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની દિવાળી ગીફ્ટ, DAમાં 3 ટકા વધારો કરતાં મળશે આટલી સેલેરી
દિવાળી પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે.

દિવાળી પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સૂત્રોને ટાંકીને જે અપડેટ બહાર આવ્યું છે તે મુજબ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારા બાદ ડીએ વધીને 53 ટકા થઈ ગયો છે. અગાઉ આ વર્ષે માર્ચમાં ડીએમાં 4 ટકાનો વધારો આપવામાં આવ્યો હતો.
કર્મચારીઓનું DA વધીને 53% થયું
કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 50 ટકા ડીએ મળતું હતું અને સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે દિવાળી પહેલા જ તેમાં 3 ટકાનો વધારો કરીને તેમને મોટી ભેટ આપી છે. DAમાં આ નવીનતમ વધારાનો લાભ 1 જુલાઈ, 2024થી લાગુ કરાતા કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી વધુ પ્રકાશિત થશે. કારણ કે દિવાળી પહેલા તેમના પગારમાં બમ્પર વધારો થશે.
કર્મચારીઓને ત્રણ મહિનાનું એરિયર્સ પણ મળશે
જુલાઈથી ડિસેમ્બર મહિના માટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને ઓક્ટોબર મહિનાના પગારની સાથે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે.
વર્ષ 2024નો આ બીજો DA વધારો
સામાન્ય રીતે કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓના ડીએમાં સુધારો કરે છે. અગાઉ 24 માર્ચ, 2024 ના રોજ, કેન્દ્રીય કર્મચારીઓને 4 ટકા DA વધારાની ભેટ આપવામાં આવી હતી. આ વધારા સાથે તેમને મળતું મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવ્યું છે. હવે તાજેતરના વધારા બાદ તે વધીને 53 ટકા થઈ ગયો છે.






