જમ્મુ કાશ્મીરમાં ભાજપ સાથે ગઠબંધન નહીં કરે મહેબુબા મુફ્તી, PDP એકલા જ લડશે ચૂંટણી
જમ્મુ કાશ્મીરમાં પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ ભાજપ સાથે કોઇ પણ રીતના ગઠબંધનને લઇને પોતા

જમ્મુ કાશ્મીરમાં પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ ભાજપ સાથે કોઇ પણ રીતના ગઠબંધનને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.મહેબુબા મુફ્તીએ સ્પષ્ટ કર્યું કે PDP હવે ભાજપ સાથે કોઇ પણ ગઠબંધન માટે તૈયાર નથી.મહેબુબા મુફ્તીએ કહ્યું કે તેમની પાર્ટીએ જમ્મુ કાશ્મીરના મુદ્દાના સમાધાન માટે ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે મહેબુબા મુફ્તીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રામ માધવ PDPના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો.
મહેબુબા મુફ્તીએ આરોપ લગાવ્યો કે ભાજપે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના દ્રષ્ટિકોણને આગળ વધારવાની જગ્યાએ બધુ વિખેરી નાખ્યું છે. PDP પ્રમુખે કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધનનો ઉદ્દેશ્ય જમ્મુ કાશ્મીરના મુદ્દાનું સમાધાન હતું. મહેબુબા મુફ્તીએ કહ્યું કે જો તેમને મુખ્યમંત્રી બનવાની ઇચ્છા હોત તો તે કોંગ્રેસ સાથે પણ ગઠબંધન કરી શકતા હતા. મુફ્તીએ કહ્યું કે તેમની સરકારના ત્રણ વર્ષમાં સાઉથ કાશ્મીરમાં સ્કૂલ, કોલેજ, એમ્સ અને તાલુકામાં ઘણુ કામ થયું, જે નેશનલ કોન્ફ્રેન્સના 50 વર્ષની સરકારમાં થયું નહતું.
મહેબુબા મુફ્તીએ સ્પષ્ટ કર્યું કે PDP હવે ભાજપ સાથે કોઇ પણ ગઠબંધન માટે તૈયાર નથી અને પાર્ટી પોતાના દૃષ્ટિકોણ અને લક્ષ્ય પર દૃઢ રહેશે.
રામ માધવ PDPના સંપર્કમાં છે- ઉમર અબ્દુલ્લા
ઉમર અબ્દુલ્લાએ ગાંદરબ જિલ્લામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે રામ માધવ પીડીપીના સંપર્કમાં છે. ઉમર અબ્દુલાએ કહ્યું હતું કે, પીડીપી સાથે તેમનો જૂનો સંપર્ક છે. મને લાગે છે કે તે ભાજપના કાશ્મીર મિશનને પૂર્ણ કરવા માટે પીડીપી સાથે હજુ પણ સંપર્કમાં છે જેથી જમ્મુ કાશ્મીરમાં ભાજપની સરકાર બનાવી શકાય. રામ માધવે જ વર્ષ 2015માં પીડીપી-ભાજપ ગઠબંધનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પીડીપી પરદા પાછળ ભાજપનો એજન્ડા પૂર્ણ કરી રહી છે.
જમ્મુ કાશ્મીરમાં ક્યારે છે વિધાનસભા ચૂંટણી
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાશે. જ્યારે મતગણતરી 8 ઓક્ટોબરે થશે.








