અનામત સમાપ્ત કરવાનું કાવતરૂ! હરિયાણામાં સૈની સરકારના નિર્ણય પર ભડકી માયાવતી
હરિયાણામાં સૈની સરકારે પહેલી જ કેબિનેટ બેઠકમાં અનુસૂચિત જાતિ અનામતમાં પેટા વર્ગીકરણ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

હરિયાણામાં સૈની સરકારે પહેલી જ કેબિનેટ બેઠકમાં અનુસૂચિત જાતિ અનામતમાં પેટા વર્ગીકરણ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું કહેવું છે કે આનાથી દલિત જાતિઓને ફાયદો થશે જેઓ અત્યાર સુધી અનામતથી વંચિત છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને SC અનામતનું વર્ગીકરણ કરવાનો અધિકાર આપ્યો હતો. જે નિર્ણયના આધારે ભાજપ સરકારે કેબિનેટમાં આ નિર્ણય લીધો છે. જોકે, બીજી તરફ બસપા સુપ્રીમો માયાવતી આ નિર્ણયથી નારાજ છે. તેમણે કહ્યું કે આ અનામતને ખતમ કરવાના ષડયંત્રનો ભાગ છે. આ ઉપરાંત સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ભાજપ સરકારના આ નિર્ણય બાદ માયાવતીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, 'હરિયાણાની નવી ભાજપ સરકારનો એસસી સમુદાયના આરક્ષણમાં વર્ગીકરણ લાગુ કરવાનો નિર્ણય, એટલે કે અનામત ક્વોટાની અંદર ક્વોટાની નવી પ્રણાલી લાગુ કરવાનો નિર્ણય, દલિતોને ફરીથી વિભાજિત કરવાનું અને તેમને પોતાની વચ્ચે લડાવવાનું ષડયંત્ર છે. આ માત્ર દલિત-વિરોધી નથી, પણ અનામત વિરોધી નિર્ણય છે.
ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ હરિયાણા સરકારને આમ કરવાથી રોકવા માટે આગળ ન આવવું એ પણ સાબિત કરે છે કે કોંગ્રેસની જેમ ભાજપ પણ પહેલા અનામતને બિનઅસરકારક બનાવવા અને અંતે તેને ખતમ કરવાના ષડયંત્રમાં વ્યસ્ત છે. જે અયોગ્ય છે અને બસપા તેનો સખત વિરોધ કરે છે.






