કોલકાતામાં સુરક્ષામાં ક્ષતિ અને લિયોનલ મેસીની સુરક્ષા જોખમાઈ હોવાનો આરોપ, પૂર્વ મંત્રી-DGP વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
કોલકાતામાં ડિસેમ્બર 2025માં આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ

કોલકાતામાં ડિસેમ્બર 2025માં આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસીના કાર્યક્રમ દરમિયાન થયેલી ભારે ધમાલ અને ગેરવ્યવસ્થાના મામલે હવે એક નવો વળાંક આવ્યો છે. મેસીના 'GOAT ઇન્ડિયા ટૂર-કોલકાતા એડિશન'ના આયોજક શતાદ્રુ દત્તાએ પશ્ચિમ બંગાળના પૂર્વ રમતગમત મંત્રી અરૂપ બિસ્વાસ વિરુદ્ધ બિધાનનગર સાઉથ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં ભૂતકાળની સરકારના મંત્રી ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલર અને અરૂપ બિસ્વાસના ભાભી જુઈ બિસ્વાસ તેમજ તત્કાલીન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ(DGP) રાજીવ કુમાર વિરુદ્ધ પણ તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાયા બાદ શતાદ્રુ દત્તાએ પહેલીવાર આ મામલે મૌન તોડ્યું છે.
સુરક્ષામાં ક્ષતિ અને લિયોનલ મેસીની સુરક્ષા જોખમાઈ હોવાનો આરોપ
પોલીસને આપવામાં આવેલી લેખિત ફરિયાદમાં આયોજક શતાદ્રુ દત્તાએ પૂર્વ રમતગમત મંત્રી અરૂપ બિસ્વાસ પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે 13 ડિસેમ્બર, 2025ના રોજ સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે આયોજિત આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં અરૂપ બિસ્વાસે સુરક્ષાના પ્રતિબંધિત વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. તેમના કારણે સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી, જેના લીધે ફૂટબોલ લેજન્ડ લિયોનલ મેસીની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ ગઈ હતી અને આખો કાર્યક્રમ વેરવિખેર થઈ ગયો હતો.
સ્ટેડિયમમાં મચેલી એ ધમાલ અને તોડફોડની આખી ઘટના
ગયા વર્ષે 13 ડિસેમ્બરના રોજ સોલ્ટ લેક સ્ટેડિયમની અંદર ભારે અરાજકતા ફેલાઈ ગઈ હતી. લિયોનલ મેસીને જોવા માટે મોંઘી ટિકિટો ખરીદીને આવેલા હજારો ચાહકો ત્યારે નિરાશ થઈ ગયા જ્યારે મેસી ગ્રાઉન્ડ પરથી ખૂબ જ ઝડપથી બહાર નીકળી ગયો હતો. આ પછી ગુસ્સે ભરાયેલા દર્શકોએ સ્ટેડિયમમાં ભારે તોડફોડ શરૂ કરી દીધી હતી. સ્ટેન્ડ પરથી મેદાનમાં ખુરશીઓ અને પ્લાસ્ટિકની બોટલો ફેંકવામાં આવી હતી. ઘણા દર્શકો ગેટ તોડીને સીધા મેદાનની અંદર ઘૂસી ગયા હતા, જ્યારે ગેલેરી અને શૌચાલયમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
આયોજક શતાદ્રુ દત્તાની ધરપકડ અને 37 દિવસ જેલવાસ
આ ભયંકર ગેરવ્યવસ્થા અને તોડફોડ બાદ ભારે ટીકાઓ થતાં રાજ્ય સરકારે તપાસ સમિતિની રચના કરી હતી. આ ઘટનાના મુખ્ય સૂત્રધાર અને મેસીને કોલકાતા લાવનાર આયોજક શતાદ્રુ દત્તાની તે જ દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ બે વખત જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, આખરે 37 દિવસ જેલમાં વિતાવ્યા પછી આ વર્ષે 19 જાન્યુઆરીના રોજ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
મંત્રીનું રાજીનામું અને ટોચના અધિકારીઓ સામે એક્શન
મેસીના કાર્યક્રમમાં થયેલી આ વૈશ્વિક સ્તરની બદનામી બાદ પૂર્વ મંત્રી અરૂપ બિસ્વાસે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ ઉપરાંત, તત્કાલીન ડીજીપી રાજીવ કુમાર સહિતના રાજ્યના ટોચના IPS અધિકારીઓને આ મામલે કારણદર્શક નોટિસ (Show-cause Notice) પણ ફટકારવામાં આવી હતી. હવે આયોજક દ્વારા સીધા પૂર્વ મંત્રી અને પોલીસ વડા વિરુદ્ધ જ પોલીસ ફરિયાદ કરાતા કોલકાતાના રાજકારણમાં અને રમતગમત જગતમાં ફરી ગરમાવો આવી ગયો છે.








