દારૂ કૌભાંડમાં BRS નેતા કે. કવિતા પર હવે CBIનો ગાળિયો, તિહાડ જેલમાં પૂછપરછ બાદ કરી ધરપકડ
દિલ્હીના બહુચર્ચિત દારૂ કૌભાંડમાં BRS પાર્ટીના ધારાસભ્ય કવિતાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી.

દિલ્હીના બહુચર્ચિત દારૂ કૌભાંડમાં BRS પાર્ટીના ધારાસભ્ય કવિતાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. ઈડીની તપાસનો સામનો કરી રહેલા કે. કવિતાની સીબીઆઈએ ધરપકડ કરી છે. દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ ED દ્વારા ચાલી રહી હતી. હવે કવિતાને સીબીઆઈના સવાલોનો સામનો પણ કરવો પડશે.
જણાવી દઈએ કે ED દ્વારા ગત મહિને હૈદરાબાદથી કે કવિતાની તેમના ઘરેથી ધરપકડ કરાઈ હતી. BRS નેતા અને તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાની વચગાળાની જામીન અરજી પણ રાઉઝ એવન્યુ કોર્ટે ફગાવી દીધી હતી.
બુધવારે સીબીઆઈએ દિલ્હી કોર્ટને કહ્યું કે તેઓએ તિહાડ જેલમાં બીઆરએસ નેતા કે કવિતાની પૂછપરછ કરી છે. 5 એપ્રિલે દિલ્હી કોર્ટે સીબીઆઈને કવિતાની જેલમાં પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી. જોકે કવિતાએ આ વાતને પડકારી હતી.
કે કવિતા પર આરોપ છે કે આ દારૂ કૌભાંડ સાથે જોડાયેલા સાઉથ ગ્રૂપની મુખ્ય સભ્ય છે. જેને લઈને તપાસ એજન્સીઓએ આરોપ લગાવ્યો છે કે આ ગ્રૂપે દિલ્હીમાં દારૂના લાયસન્સના બદલામાં 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. કે કવિતાએ મંગળવારે જેલમાંથી એક પત્ર લખીને જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસથી તેમની છબીને નુકસાન પહોંચ્યું છે.






