લોકસભામાં આપેલા ભાષણમાંથી શબ્દો હટાવ્યા તો ભડક્યા રાહુલ ગાંધી, સ્પીકરને ચીઠ્ઠી લખી બતાવ્યા નિયમ
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કરેલા ભાષણમાંથી મોટા ભાગનો હિસ્સો હટાવવા બાબતે

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કરેલા ભાષણમાંથી મોટા ભાગનો હિસ્સો હટાવવા બાબતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કરતા લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. પત્રમાં રાહુલે કહ્યું કે, તેઓ એ બાબતશી શોક્ડ છે કે તેમના ભાષણના મોટા ભાગનો હિસ્સો સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, 'હું આ પત્ર રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મારા ભાષણમાંથી લેવામાં આવેલી ટિપ્પણીઓ અને અંશોના સંદર્ભમાં લખી રહ્યો છું. તેમ છતાં અધ્યક્ષને ગૃહની કાર્યવાહીમાંથી અમુક ટિપ્પણીઓને હટાવી દેવાની સત્તા હોય છે, પરંતુ માત્ર એવા શબ્દોને બાકાત રાખવાની જોગવાઈ છે કે જેની પ્રકૃતિ લોકસભામાં કાર્યપ્રણાલી અને કાર્યસંચાલન નિયમોના નિયમ 380 માં નિર્દિષ્ટ કરવામાં આવી છે.'
રાહુલ ગાંધીએ પત્રમાં આગળ લખ્યું, 'જો કે, હું એ જોઈને સ્તબ્ધ છું કે, કેવી રીતે મારા ભાષણના મોટા ભાગને કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યો. તેને અમુક ભાગ હટાવવાની આડમાં ડિલીટ કરવામાં આવ્યો. હું 2 જુલાઈના રોજ લોકસભામાં થયેલી ચર્ચાના કેટલાક અંશો જોડી રહ્યો છું, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હું કહેવા માટે બંધાયેલો છું કે કાઢી નાખવામાં આવેલ ભાગો નિયમ 380 ના દાયરામાં આવતા નથી. હું ગૃહમાં જે સંદેશ આપવા માંગતો હતો તે જમીની વાસ્તવિક પરિસ્થિતિ છે. આ તથ્ય આધારિત સ્થિતિ છે.
લોકોનો અવાજ ઉઠાવવાનો અધિકાર'
રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, 'સદનના દરેક સભ્ય જે લોકોના સામૂહિક અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ જેનું પ્રતિનિધિત્વ કરે છે તેને ભારતના બંધારણના અનુચ્છેદ 105(1) મુજબ અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ ધરાવે છે. ગૃહમાં લોકોની ચિંતાઓ ઉઠાવવાનો દરેક સભ્યનો અધિકાર છે. દેશના લોકો પ્રત્યેની મારી જવાબદારીઓને નિભાવી રહ્યો છું, જેનો હું ગઈકાલે ઉપયોગ કરી રહ્યો હતો.
'કાઢી નાખેલી ટિપ્પણીઓ પુનઃસ્થાપિત કરો'
સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું, 'આ સંદર્ભમાં હું અનુરાગ ઠાકુરના ભાષણ તરફ પણ ધ્યાન દોરવા માંગુ છું, જેમનું ભાષણ આરોપોથી ભરેલું હતું. જોકે, આશ્ચર્યજનક રીતે માત્ર એક જ શબ્દ હટાવવામાં આવ્યો છે. તમારા માટે પૂરા આદર સાથે, આ પસંદગીયુક્ત કાઢી નાખવાન તર્કને ચેલેન્જ કરું છું. હું વિનંતી કરું છું કે કાર્યવાહીમાંથી દૂર કરાયેલી ટિપ્પણીઓને પુનઃસ્થાપિત કરવામાં આવે.








