મોટી ઘટનાને અંજામ આપતા પહેલા લોરેન્સ બિશ્નોઇનું મૌન વ્રત! મુંબઇ પોલીસની વિશેષ ટીમ આવશે સાબરમતી જેલ
મુંબઇમાં બાબા સિદ્દીકીની હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગની સંડોવ

મુંબઇમાં બાબા સિદ્દીકીની હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગની સંડોવણી સામે આવતા મુંબઇ પોલીસની વિશેષ ટીમ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ લોરેન્સની પૂછપરછ કરવા માટે અમદાવાદ આવશે.
ગેંગસ્ટર બિશ્નોઇની પુછપરછ કરવા માટે કેન્દ્ર સરકારની વિશેષ પરવાનગી લેવાની રહે છે. બીજી તરફ લોેરેન્સ બિશ્નોઇ મોટી ઘટનાને અંજામ આપવા માટે તેના મેસેજ બહાર પહોંચતા કરવા માટે જેલના કેટલાંક મેસેન્જરનો ઉપયોગ કરતો હોવાની શક્યતા તપાસ એજન્સી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઇએ પાકિસ્તાનમાં કોલ થયાનું પણ સામે આવ્યું હતું. જો કે આ કેસની તપાસ કોઇ કારણસર આગળ વધી નહોતી.
બિશ્નોઇ હાલ સાબરમતી જેલના સૌથી સુરક્ષિત અંડા સેલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેને કોઇ મળવા આવી શકતું નથી. જો કે તેને નાસ્તો અને જમવાનું પહોંચતું કરવામાં આવે છે અને તેના સેલની આસપાસ સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહે છે. પરંતુ, સુત્રોના જણાવ્યા મુજબ જો બિશ્નોઇ ગેંગની સંડોવણી બાબા સિદ્દીકી હત્યા કેસમાં હોય તો લોરેન્સ બિશ્નોઇની પરવાનગી વિના સમગ્ર ઘટનાને અંજામ આપવો અશક્ય છે. જેથી લોરેન્સ જેલમાંથી તેના સંદેશા બહાર પહોંચતા કરવા માટે જેલમાંથી કોઇની મદદ લેતો હોવાની આશંકા સેન્ટ્રલ એજન્સીઓ અને મુંબઇ પોલીસે આશંકા વ્યક્ત કરી છે.
જેલમાંથી લોરેન્સને કોઇ ગ્રાઉન્ડ સ્ટાફ કે અન્ય કોઇની મદદ મળતી હોવાની શક્યતા છે. જેથી આ મામલે કેન્દ્રીય એજન્સી પણ તપાસ કરશે. જેમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન તેના સેલમાં સુરક્ષાની કામગીરી કરતા સુરક્ષા કર્મીઓ અને જેલના કેટલાંક કેદીઓની પૂછપરછ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં તિહાડ જેલમાંથી કોલ કર્યા હતા.
આ ઉપરાંત, પંજાબ અને રાજસ્થાનની જેલમાંથી તેણે મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ક્રિમીનલ પ્રોસીસર કોડની કલમ 268 હેઠળ લોરેન્સને કોઇને કોઇને મળવાનો અધિકાર નથી અને તેની પુછપરછ કરવા માટે કેન્દ્ર સરકારની વિશેષ પરવાનગીની જરૂર રહે છે. જેથી મુંબઇ પોલીસ હાલ તમામ ઝડપાયેલા આરોપીઓની વિસ્તારપૂર્વક પૂછપરછ કર્યા બાદ સાબરમતી જેલમાં લોરેન્સની પૂછપરછ કરશે.
મોટી ઘટના પહેલા લોરેન્સ મૌન વ્રત ધારણ કરે છે
સુત્રોના જણાવ્યા મુજબ લોરેન્સ બિશ્નોઇ જ્યારે તેની ગેંગની મદદથી મોટી ઘટનાને અંજામ આપવાનો હોય તે પહેલા મૌનવ્રત કરતો હોય છે. નવરાત્રી દરમિયાન તેણે જેલમાં મૌન વ્રત રાખ્યું હતું. આ પહેલા તેની ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી ત્યારે પણ તેણે મૌન ધારણ કર્યું હતું.
લોરેન્સ બિશ્નોઇ ગેન્ગમાં 700થી વધુ શૂટર
કેનેડા પોલીસ અને ઇન્ડિયન એજન્સીના વોન્ટેડ સતવિંદર સિંહ ઉર્ફ ગોલ્ડી બરાર બિશ્નોઇ ગેન્ગને ઓપરેટ કરી રહ્યો છે. NIAએ જણાવ્યું કે બિશ્નોઇ ગેન્ગમાં 700થી વધુ શૂટર છે જેમાં 300 પંજાબ સાથે જોડાયેલા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇંસ્ટાગ્રામ, યૂ ટ્યુબ દ્વારા બિશ્નોઇ અને ગોલ્ડી બરારનો પ્રચાર કરવામાં આવ્યો. બિશ્નોઇ ગેન્ગે વર્ષ 2020-21 સુધી કરોડો રૂપિયા એક્સટોર્શન દ્વારા કમાયા છે અને તે પૈસા હવાલા દ્વારા વિદેશમાં મોકલવામાં આવ્યા છે.
ભારતના 11 રાજ્ય અને 6 દેશ સુધી ફેલાયેલુ છે ક્રાઇમનું સામ્રાજ્ય
NIA અનુસાર ક્યારેક બિશ્નોઇ ગેન્ગ માત્ર પંજાબ સુધી જ સીમિત હતી પરંતુ તેને ગોલ્ડી બરાર સાથે મળીને હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની ગેન્ગ સાથે ગઠબંધન કર્યું અને એક મોટી ગેન્ગ બનાવી હતી. બિશ્નોઇ ગેન્ગ હવે આખા ઉત્તર ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ સુધી ફેલાઇ ગઇ છે. સોશિયલ મીડિયા અને તમામ અલગ અલગ રીતે યુવાનોને ગેન્ગમાં ભરતી કરવામાં આવે છે. આ ગેન્ગ USA, અજરબૈજાન, પોર્ટુગલ, UAE અને રશિયા સુધી ફેલાયેલી છે.
યુવાનોને વિદેશ મોકલવાની આપવામાં આવે છે લાલચ
યુવાનોને કેનેડા અથવા તેમના મનપસંદ દેશમાં શિફ્ટ કરવાની લાલચ આપીને ગેન્ગમાં ભરતી કરવામાં આવે છે. NIA અનુસાર, પાકિસ્તાનમાં બેઠેલો ખાલિસ્તાની આતંકી હરવિંદર સિંહ રિંદા બિશ્નોઇ ગેન્ગના શૂટરનો ઉપયોગ પંજાબમાં ટાર્ગેટ કિલિંગ અને ગુનાહિત ગતિવિધિને અંજામ અપાવવામાં કરે છે. UAPA હેઠળ કોર્ટમાં NIA કેટલાક દિવસ પહેલા લોરેન્સ બિશ્નોઇ, ગોલ્ડી બરાર સહિત કૂલ 16 ગેન્ગસ્ટર વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
ગેંગને કોણ સંભાળે છે
ગોલ્ડી બરાર કેનેડા, પંજાબ અને દિલ્હીની ગેન્ગ સંભાળે છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અમેરિકામાં ગેન્ગ રોહિત ગોદારા જોવે છે. પોર્ટુગલ, અમેરિકા, દિલ્હી NCR, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળની કમાન અનમોલ બિશ્નોઇ પાસે છે. કાલા જઠેડી હરિયાણા અને ઉત્તરાખંડમાં ગેન્ગ સંભાળે છે. ગેન્ગની રિપોર્ટ સીધી અમદાવાદમાં સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇને આપવામાં આવે છે.
બિશ્નોઇ ગેંગ પાસે ક્યાંથી આવે છે હથિયાર
ગેન્ગ પાસે હથિયાર મધ્ય પ્રદેશના માલવા, યુપીના મેરઠ, મુજફ્ફરનગર, અલીગઢ અને બિહારના મુંગેર, ખગડિયાથી આવે છે. આ સિવાય પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા પંજાબના જિલ્લામાંથી પણ ગેન્ગ પાસે હથિયાર પહોંચે છે. આ સિવાય પાકિસ્તાન, અમેરિકા, રશિયા, કેનેડા અને નેપાળમાંથી પણ ગેન્ગ પાસે હથિયાર આવે છે.








