મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટમાં કોલકાતા અત્યાર સુધી પાંચ વખત થયું કલંકિત, જાણો 1980ની એ ભયાનક ઘટના
કોલકાતામાં લિયોનેલ મેસ્સીના કાર્યક્રમ દરમિયાન સોલ્ટલે

કોલકાતામાં લિયોનેલ મેસ્સીના કાર્યક્રમ દરમિયાન સોલ્ટલેક સ્ટેડિયમમાં થયેલી ઘટના કોઈ પહેલી ઘટના નથી. શહેરના રમતગમત ઇતિહાસમાં અગાઉ પણ અનેકવાર ભીડ અનિયંત્રિત થઈ છે. પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં લિયોનેલ મેસ્સીના કાર્યક્રમમાં થયેલા હોબાળાએ ફરી એકવાર મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ સાથે જોડાયેલા હિંસક ઇતિહાસને તાજો કરી દીધો છે.
શનિવારે સોલ્ટલેક સ્ટેડિયમમાં ત્યારે અરાજકતા ફેલાઈ જ્યારે આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીની એક ઝલક મેળવવા માટે આતુર ફૂટબોલ પ્રેમીઓએ તોડફોડ અને હિંસાનો સહારો લીધો. ફૂટબોલનો જે ઉત્સવ હોવો જોઈતો હતો, તે અવ્યવસ્થામાં ફેરવાઈ ગયો.
ઇતિહાસની પાંચ કલંકિત ઘટનાઓ
કોલકાતાની રમત સંસ્કૃતિ શાનદાર રહી છે, પરંતુ જ્યારે ભીડ વ્યવસ્થા નિષ્ફળ જાય છે, ત્યારે સ્થિતિ નિયંત્રણ બહાર જાય છે. અહીં એવી પાંચ ઘટનાઓ છે જેણે 'સિટી ઓફ જોય'ને કલંકિત કરી છે:
1967: ભારત v/s વેસ્ટ ઈન્ડીઝ ટેસ્ટ
કોલકાતામાં ભીડને કારણે થયેલો પ્રથમ ગંભીર વિવાદ 1967માં ભારત-વેસ્ટ ઈન્ડીઝ ટેસ્ટ મેચ દરમિયાન જોવા મળ્યો હતો. ટિકિટોના કાળાબજારને કારણે 60,000ની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં 80,000 થી વધુ ચાહકો પહોંચી ગયા હતા. ભીડ મેદાન સુધી પહોંચી ગઈ અને ભારે અરાજકતા સર્જાઈ હતી.
1980: મોહન બાગાન v/s ઈસ્ટ બંગાળ ડર્બી (16 મોત)
આ કોલકાતાના રમત ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય છે. બે કટ્ટર હરીફ ટીમોના ચાહકો વચ્ચે સ્ટેન્ડમાં અથડામણ થઈ હતી. સ્ટેડિયમમાંથી બહાર નીકળતી વખતે નાસભાગ મચી ગઈ, જેમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
1996: ભારત v/s શ્રીલંકા ક્રિકેટ વર્લ્ડ કપ સેમીફાઈનલ
ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં ભારત હારની નજીક હતું ત્યારે પ્રેક્ષકોએ ગુસ્સામાં મેદાન પર પાણીની બોટલો ફેંકી હતી. મેચ અટકાવવી પડી અને શ્રીલંકાને વિજેતા જાહેર કરવામાં આવ્યું. વિનોદ કાંબલીનું રડતા રડતા મેદાનની બહાર જવું આજે પણ ચાહકોને યાદ છે.
2007: IFA શીલ્ડ કપ ફાઈનલ રદ
સોલ્ટલેક સ્ટેડિયમમાં ઈસ્ટ બંગાળ અને પાલ્મેરાસ વચ્ચેની ફાઈનલમાં ખેલાડીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. બ્રાઝિલિયન કોચે મેચ અધવચ્ચેથી છોડી દીધી હતી અને અંતે મેચ રદ કરવી પડી હતી.
2012: ફરી હિંસક બની મોહન બાગાન-ઈસ્ટ બંગાળ ડર્બી
1980ની ત્રાસદીના ત્રણ દાયકા પછી પણ સ્થિતિ ન સુધરી. મેચ દરમિયાન પ્રેક્ષકોએ પથ્થરમારો શરૂ કર્યો, જેમાં મોહન બાગાનના ખેલાડી સૈયદ રહીમ નબીને માથામાં ઈજા થઈ હતી. આ અથડામણમાં 40 થી વધુ દર્શકો ઘાયલ થયા હતા.








