મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સિગ્નલ ફેલ, સ્પીડ નિયંત્રણ બહાર અને પછી સર્જાઈ ન્યૂ જલપાઈગુડી દુર્ઘટના, જાણો અકસ્માતના 10 મોટા ખુલાસા

ત્રિપુરાના અગરતલાથી સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસને પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં સ

સિગ્નલ ફેલ, સ્પીડ નિયંત્રણ બહાર અને પછી સર્જાઈ ન્યૂ જલપાઈગુડી દુર્ઘટના, જાણો અકસ્માતના 10 મોટા ખુલાસા

ત્રિપુરાના અગરતલાથી સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસને પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં સોમવારે સવારે અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર પાછળથી તેજ ઝડપે આવી રહેલી એક માલગાડીએ ટક્કર મારતા કંચનજંગા એક્સપ્રેસના પાછળના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અત્યાર સુધીમાં 9 લોકોના મોત અને 47 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં માનવીય ભૂલ અને ખરાબ સિગ્નલને જવાબદાર ગણવામાં આવ્યા હતા. એવામાં આ ટ્રેન દુર્ઘટના સંબંધિત 10 મોટી અપડેટ પર નજર કરીએ.

1. કંચનજંગા એક્સપ્રેસ ત્રિપુરાના અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી. એવામાં સવારે 8:55 વાગ્યે રંગપાણી સ્ટેશન ક્રોસ કર્યા બાદ એક માલગાડીએ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે, બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમજ એક કોચ માલગાડીના એન્જિન ઉપર લટકી ગયો હતો. આ ઘટનામાં 9 લોકોના મોત અને 47 જેટલા લોકો ઘાયલ થયા છે. 

2. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ રેલવે, NDRF અને SDRFની ટીમ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પરંતુ ભારે  વરસાદના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ પડી હતી.

3. બંગાળમાં રાણીપતરા રેલ્વે સ્ટેશન અને છત્તર હાટ જંક્શન વચ્ચેની ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ સોમવારે સવારે 5:50 વાગ્યાથી બંધ થઈ ગયું હતું. આ સ્થળે જ માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી.

4. ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ ખરાબ હોવાના કારણે રંગપાણીના સ્ટેશન માસ્ટરે કંચનજંગા એક્સપ્રેસને સવારે 8:20 વાગ્યે TA-912 નામનો લેખિત મેમો જારી કર્યો હતો. આ જ મેમો સવારે 8:35 વાગ્યે ગુડ્સ ટ્રેનને પણ આપવામાં આવ્યો હતો. રંગપાણી સ્ટેશન માસ્ટરે બંને ટ્રેનોને TA-912 મેમો જારી કર્યો હતો.

5. આ નોટ ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ કામ ન કરવાની સ્થિતિમાં લોકો પાયલટને તમામ રેડ સિગ્નલ પાર કરવાની પરવાનગી આપે છે. જો માલગાડીને TA 912 મેમો આપવામાં આવ્યો ન હતો તો ડ્રાઈવરે દરેક ખરાબ સિગ્નલ પર એક મિનિટ માટે ટ્રેન રોકવાની હતી અને 10 કિમી/કલાકની ઝડપે આગળ વધવાનું હતું. આ મેમોમાં કહેવામાં આવ્યું હતું કે, લોકો પાયલટે દરેક ગેટ પર નજર રાખવાની રહેશે. જ્યારે ફાટક બંધ હોય ત્યારે જ ટ્રેન આગળ વધી શકશે. જો ફાટક ખુલ્લું હશે તો અગાઉથી ટ્રેન રોકવી પડશે.

6. લોકો પાયલટ ઓર્ગેનાઈઝેશને રેલવેના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે કે, ડ્રાઈવરે રેલ સિગ્નલનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય રેલવે લોકો રનિંગમેન ઓર્ગેનાઈઝેશન (IRLRO) ના કાર્યકારી પ્રમુખ સંજય પાંધીએ જણાવ્યું હતું કે, લોકો પાઈલટના મૃત્યુ પછી અને CRS તપાસ લંબાયા બાદ લોકો પાઈલટને જવાબદાર જાહેર કરવો વાંધાજનક છે.

7. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે, જેમાંથી ચારની ઓળખ હજુ થઈ નથી. તમામ ઘાયલોના નામની યાદી પણ બહાર પાડવામાં આવી છે.

8. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કંચનજંગા એક્સપ્રેસ દુર્ઘટનાના પીડિતો માટે જાહેર કરેલી રાહત રકમમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને ઓછા ઘાયલોને 50 હજાર રૂપિયાની રાહત રકમ આપવામાં આવશે.

9. કંચનજંગા ટ્રેન દુર્ઘટના પછી, મોટા પાયે ટ્રેનોના ટાઈમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ 19 ટ્રેનોને અસરગ્રસ્ત રૂટ પર ડાયવર્ટ અથવા રદ કરવામાં આવી હતી.

10. અકસ્માત બાદ ટ્રેક રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હવે ટ્રેકને સીધો કરવા માટે સ્લીપર્સ નાખવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ટ્રેકનું કામ પૂરું થયા બાદ OHE વાયરનું કામ શરૂ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો