કર્ણાટક: બેંગલુરુમાં પંચમુખી નાગદેવતા મંદિરે જતા ભક્તો પર કરાયો પથ્થરમારો
ગઈકાલે રાત્રે (૪ જાન્યુઆરી, ૨૦૨૬) બેંગલુરુના જેજે નગર વિસ્તારમાં એક

ગઈકાલે રાત્રે (૪ જાન્યુઆરી, ૨૦૨૬) બેંગલુરુના જેજે નગર વિસ્તારમાં એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો.
ભગવાનનો રથ ખેંચતી વખતે શ્રધ્ધાળુઓ પર પથ્થરમારો
આ ઘટના રવિવારે રાત્રે ૮:૦૦ વાગ્યાની આસપાસ જે.જે. નગર પોલીસ સ્ટેશનના હદમાં આવેલા વી.એસ. ગાર્ડન પાસે બની હતી. ધાર્મિક ઉત્સવના ભાગ રૂપે ભક્તો ઓમ શક્તિ મંદિરમાંથી ભગવાનનો રથ ખેંચી રહ્યા હતા. જ્યારે શોભાયાત્રા ચામરાજપેટ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા બદમાશોએ પથ્થરમારો શરૂ કરી દીધો.
ઘટનાથી રોષે ભરાઈને હિન્દુ સંગઠને કાર્યવાહીની કરી માંગ
પથ્થરમારામાં એક મહિલાને માથામાં ઈજા થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. કેટલાક અહેવાલો અનુસાર, એક બાળક પણ ઘાયલ થયું હતું. આ ઘટના બાદ, ગુસ્સે ભરાયેલા હિન્દુ સંગઠનો અને ભક્તો જેજે નગર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે એફઆઈઆર નોંધી છે અને તપાસ ચાલી રહી છે.
ડેપ્યુટી પોલીસ કમિશનરે પરિસ્થિતિનું કર્યું મુલ્યાંકન
પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને સુરક્ષા કડક કરવામાં આવી છે. પશ્ચિમ વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) યતીશ એન.બી. એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સ્થાનિક સંગઠનોએ કર્ણાટકના અન્ય વિસ્તારોમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ (જેમ કે માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો) નો ઉલ્લેખ કરીને આ ઘટના પર ઊંડી નારાજગી વ્યક્ત કરી છે. હાલમાં, બેંગલુરુના જેજે નગરમાં પરિસ્થિતિ પોલીસ દેખરેખ હેઠળ છે.






