'આને બહાર ફેંકો, હટાવી દો..' સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જજ કોના પર બગડ્યા?
Judge gets angry man wearing baniyan innerwear in supreme court hearing | હાઈકોર્ટથી માંડી સુપ્રીમ કોર્ટમાં ઘણીવખત એવી ઘટના બનતી હોય છે કે જજ ગુસ્સે ભરાઈ જતા

હાઈકોર્ટથી માંડી સુપ્રીમ કોર્ટમાં ઘણીવખત એવી ઘટના બનતી હોય છે કે જજ ગુસ્સે ભરાઈ જતા હોય છે. ઘણી વખત જજ નારાજગી દર્શાવતા હોય નિસાસો પણ નાખે છે. આવું જ કંઈક સુપ્રીમ કોર્ટમાં બનતા જસ્ટિસ નાગરત્ના ભડક્યા અને રોષે ભરાયા હતા. તેમણે સુનાવણી દરમિયાન એક વ્યક્તિને જોતાં જ કહ્યું આને તાત્કાલિક બહાર ફેંકો, હટાવી દો... એવો આદેશ આપ્યો.
સુપ્રીમ કોર્ટમાં એક શખ્સ બનિયાન પહેરીને કોર્ટની સુનાવણીમાં સામેલ થયો હતો. કોર્ટ સાથે જોડાયેલા મામલા પર રિપોર્ટ આપતી વેબસાઈટ બાર એન્ડ બેન્ચ અનુસાર, સોમવારે કોર્ટ 11માં એક શખ્સ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી સામેલ થયો હતો. તેણે ઘરેથી વીડિયો કોન્ફરન્સમાં હાજરી આપવા દરમિયાન બનિયાન પહેરી રાખી હતી. જેથી જસ્ટિસ બી.વી. નાગરત્ના ભડકી ઉઠ્યા હતા. તેમણે તુરંત પુછ્યું હતું કે, અંતે આ કોણ છે, જે બનિયાનમાં દેખાઈ રહ્યો છે, બાદમાં જસ્ટિસ દત્તાએ તેને પૂછ્યું કે, શું તે કોઈ પાર્ટીમાં આવ્યો છે કે પછી આમ જ પહેર્યું છે. અને તુરંત તેને બહાર કરવા, હટાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે કોર્ટ માસ્ટરને કહ્યું કે, પ્લીઝ તેને હટાવો.
અગાઉ પણ બની ચૂકી છે આવી વિચિત્ર ઘટના
સુપ્રીમ કોર્ટમાં આ પહેલો મામલો નથી જ્યારે જસ્ટિસે કોઈના કપડાં પર નારાજગી દર્શાવી હોય. અગાઉ પણ વર્ષ 2020માં એક વકીલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શર્ટ વગર કોર્ટમાં સુનાવણીમાં ભાગ લીધો હતો. આ જોઈને જજ ગુસ્સે થઈ ગયા. ત્યારબાદ જસ્ટિસ એલ નાગેશ્વર અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ કેવું વર્તન છે? વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી હાથ ધરાયાને સાતથી આઠ મહિના થઈ ગયા છે, પરંતુ હજુ પણ આવી ઘટનાઓ બની રહી છે. નોંધનીય છે કે વર્ષ 2020માં કોરોના મહામારીના કારણે કોર્ટની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. લાંબા સમય સુધી, ત્યારબાદ માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
...જ્યારે વકીલ શર્ટલેસ જોવા મળ્યો હતો
સીજેઆઈ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ પણ આવો જ એક કેસ બન્યો છે. ત્યારે ચંદ્રચુડ CJI બન્યા ન હતા. વર્ષ 2020માં જ સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચની સામે એક વકીલ સ્ક્રીન પર શર્ટલેસ દેખાયો હતો. આના પર જસ્ટિસ ચંદ્રચુડે તેમને અટકાવ્યા અને કહ્યું કે મને કોઈની સાથે કડક થવું પસંદ નથી, પરંતુ તમે સ્ક્રીન પર છો. તમારે સાવચેત રહેવું પડશે. તે જ વર્ષે જૂન મહિનામાં, સુપ્રીમ કોર્ટની વર્ચ્યુઅલ સુનાવણીમાં એક વકીલ પલંગ પર સૂતા-સૂતા ટી-શર્ટ પહેરીને હાજર થયો હતો. આ કેસમાં જજની નારાજગી પણ જોવા મળી હતી.






