બિહાર ચૂંટણી પહેલા INDIA ગઠબંધનની સંયુક્ત પત્રકાર પરિષદ, CM ફેસને લઇને રાહુલ ગાંધીએ શું કહ્યું?
બિહારના અરરિયામાં રાહુલ ગાંધી અને RJDના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

બિહારના અરરિયામાં રાહુલ ગાંધી અને RJDના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચનું કામ સાચુ વોટર લિસ્ટ આપવાનું છે પરંતુ તેમણે આ કામ મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકમાં કર્યું નથી.
શું બિહારમાં INDIA ગઠબંધનમાં તેજસ્વી યાદવ મુખ્યમંત્રીનો ચહેરો બનશે?
આ વચ્ચે જ્યારે એક પત્રકારે રાહુલ ગાંધીને પૂછ્યું કે તમે લોકો જે રીતે ફરી રહ્યાં છો, અમે લોકોએ આઠ દિવસમાં જોયું છે. તમારી પાર્ટી (કોંગ્રેસ) અને RJDમાં આ સમયે સારો તાલમેલ જોવા મળી રહ્યો છે. આવું પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. તમે લોકો અને RJDના લોકો એક બીજાનો ઝંડો અને બેનર લઇને ચાલી રહ્યાં છો. બન્ને પક્ષના નેતા તેજસ્વી યાદવ જિંદાબાદ અને રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવી રહ્યા છે. આટલું જ નહીં, તેજસ્વી યાદવ પહેલા પણ કહી ચુક્યા છે કે જો અમે લોકો સત્તામાં આવ્યા તો અમારા વડાપ્રધાન રાહુલ ગાંધી હશે. બંધારણ અને લોકશાહી બચાવવા માટે આ તમામને વિશ્વાસ છે કે તમે આ મુદ્દા પર કામ કરશો પરંતુ બિહારને લઇને તમારી પાર્ટી તરફથી સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે જો બિહારની સત્તામાં તમે આવ્યા તો તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશે.
આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, 'અમારી ઘણી સારી પાર્ટનરશિપ બની છે. અમારી પાર્ટીઓ એકબીજા સાથે મળીને કામ કરી રહી છે. કોઇ ટેન્શન નથી અને મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ છે. સાથે જ એક બીજાની મદદ કરવામાં આવી રહી છે અને મજા પણ આવે છે. આઇડિયોલોજિકલી અમે અલાઇન્ડ છીએ, પોલિટિકલી અલાઇન્ડ છીએ. ઘણું સારૂ પરિણામ આવશે. વોટ ચોરીને રોકવાની છે. જોકે, રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રીને લઇને કોઇ જવાબ આપ્યો નહતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારૂ પુરૂ ધ્યાન ચૂંટણી પંચના વલણને બદલવા પર છે. અમે આ કામને નહીં છોડીયે.તમે કંઇ પણ કરી લો, અમે બિહારમાં ચૂંટણીની ચોરી નહીં થવા દઇએ. રાહુલ ગાંધીએ કહ્યુ કે, વોટર અધિકાર યાત્રા ઘણી સફળ રહી છે. આ યાત્રામાં બિહારની જનતા આગળ વધીને ભાગ લઇ રહી છે. બિહારમાં વોટ ચોરીની વાત કરોડો લોકો માને છે,માટે અમારી સાથે જોડાઇ રહ્યાં છે.
બિહારની સ્થિતિ બદલવાની છે- રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતાએ કહ્યું કે બિહારમાં બેરોજગારી અને ગરીબી છે. અહીં લોકો બહારના રાજ્યમાં નોકરી કરવા જાય છે કારણ કે બિહારમાં રોજગાર મળતો નથી. આપણે આ સ્થિતિને બદલવાની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે યુવાઓ માટે તમામ રસ્તા બંધ કરી દીધા છે અને દેશના પૈસા કેટલાક ઉદ્યોગપતિઓને પકડાવી દીધા છે. હવે તે તમારા વોટ ચોરી કરી રહ્યાં છે, તમારો અધિકાર છીનવી રહ્યાં છે.








