ભારતે મિસાઇલ પરીક્ષણ માટે જારી કર્યો NOTAM, જાણો શું હોય છે આ સ્થિતિ
ભારત સરકારે બંગાળની ખાડીમાં સંભવિત મિસાઇલ પરીક્ષણ માટે જોખમી ક્ષેત્ર (ડેન્જર ઝોનનો વિસ્ત

ભારત સરકારે બંગાળની ખાડીમાં સંભવિત મિસાઇલ પરીક્ષણ માટે જોખમી ક્ષેત્ર (ડેન્જર ઝોનનો વિસ્તાર વધારતી સૂચના જારી કરી છે. નોટિસ ટુ એરમેન (NOTAM) રેન્જ હવે આશરે 3,550 કિલોમીટર સુધીની થઈ ગઈ છે, જે પહેલા કરતા પ્રમાણમાં ઘણી છે. અગાઉ તે 2,520 કિલોમીટર હતી. આ પરીક્ષણ 17-20 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે.
DRDO અને નૌકાદળ તૈયારીમાં વ્યસ્ત
વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે થનારા આ પરીક્ષણ પ્રક્ષેપણથી દરિયાઈ અને હવાઈ ટ્રાફિક પર અસ્થાયી રૂપે પ્રતિબંધ રહેશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળ તેની તૈયારીમાં વ્યસ્ત છે.
NOTAM શું છે અને તે શા માટે જારી કરવામાં આવ્યું?
NOTAM એક આંતરરાષ્ટ્રીય ચેતવણી છે જે વિમાનો અને જહાજોને જોખમી ક્ષેત્રથી દૂર રહેવાની સલાહ આપે છે. પરીક્ષણ દરમિયાન કાટમાળ, વિસ્ફોટ અથવા મિસાઇલથી બચવું જરૂરી છે. 11 ડિસેમ્બર, 2025ના રોજ જારી કરાયેલી આ સૂચનામાં બંગાળની ખાડીના પૂર્વ ભાગમાં 3,550 કિલોમીટરના કોરિડોરને દર્શાવવામાં આવ્યું છે. આ વિસ્તાર ઓડિશાના એપીજે અબ્દુલ કલામ ટાપુથી શરૂ થાય છે અને હિંદ મહાસાગર તરફ ફેલાયેલો છે.
અગાઉની સૂચનાઓની સરખામણી કરીએ તો આ મોટો વિસ્તાર છે. નવેમ્બર-ઓક્ટોબર 2025માં 1480 કિલોમીટરથી 3545 કિલોમીટર સુધીના ઝોન નક્કી કરાયા હતા, પરંતુ કેટલાક ટેસ્ટ કેન્સલ કરવામાં આવ્યા હતા. ડિસેમ્બરની શરૂઆતમાં, 1-4 ડિસેમ્બર માટે 3485 કિલોમીટરનું ઝોન હતું, જે રદ્દ કરવામાં આવ્યું હતું.
હવે 17-20 ડિસેમ્બર માટે, તે 3550 કિલોમીટર સુધી પહોંચી ગયું છે, જે લાંબા અંતરની મિસાઇલના પરીક્ષણનો સંકેત આપે છે. સેટેલાઇટ ઈમેજરી એનાલિસ્ટ ડેમિયન સાઈમને X પર આ માહિતી શેર કરી છે, જે ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સથી આવી છે.








