કેપ્ટન અમરિંદર સિંહે નવજોત કૌરના 500 કરોડના નિવેદનને ખોટું ગણાવ્યું, સિદ્ધુ પર કર્યા પ્રહાર
પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા કેપ્ટન અમરિંદર સિંહે શુક્

પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા કેપ્ટન અમરિંદર સિંહે શુક્રવારે નવજોત કૌર સિદ્ધુના 500 કરોડના નિવેદનને ખોટો ગણાવ્યો હતો. અમરિંદર સિંહે કહ્યું કે, મુખ્યમંત્રી પદ માટે 500 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનો દાવો સંપૂર્ણપણે ખોટો છે.
નવજોત સિંહ સિદ્ધુની પત્ની અને ભૂતપૂર્વ ધારાસભ્ય નવજોત કૌરે થોડા દિવસો પહેલા એવું કહ્યું હતુ કે, પંજાબના મુખ્યમંત્રી બનવા માટે 500 કરોડ રૂપિયાવાળી સુટકેસ જોઈએ. જેના દ્વારા પંજાબ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. આ નિવેદન બાદ કોંગ્રેસે નવજોત કૌરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
નવજોત કૌર સિદ્ધુના આરોપોનો જવાબ આપતા, પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે,"તેમણે જે કહ્યું તે સંપૂર્ણપણે ખોટું છે. તેઓ (નવજોત સિંહ સિદ્ધુ અને નવજોત કૌર સિદ્ધુ) અસ્થિર છે; મેં તેમને લાંબા સમયથી જોયા છે. તેઓ (નવજોત સિંહ સિદ્ધુ) મારા મંત્રી હતા, અને તેમને બે પોર્ટફોલિયો આપ્યા હોવા છતાં, તેઓ સતત ફરિયાદ કરતા. મેં તેમને વીજળી વિભાગ પણ આપ્યો હતો, છતાં તેમણે રાજીનામું આપ્યું અને ક્યારેય જવાબદારી લીધી નહીં. તેમની ફાઇલો મહિનાઓ સુધી પેન્ડિંગ રહી. તેઓ આ કામ માટે યોગ્ય નહોતા." તેમણે વધુમાં કહ્યું, "મુખ્યમંત્રી પદ માટે 500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાનો તેમનો દાવો સંપૂર્ણપણે ખોટો છે."
"હંમેશા પાર્ટી સાથે રહીશું"
પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી, નવજોત કૌરે પોતાનું વલણ નરમ પાડતા કહ્યું કે તે અને તેમના પતિ હંમેશા પાર્ટી સાથે રહેશે. જો કે, કૌરે પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડિંગ પર આકરા પ્રહારો કરતા તેમના પર પાર્ટીને "બરબાદ" કરવાનો આરોપ લગાવ્યો. "અમે કોંગ્રેસ સાથે છીએ અને હંમેશા રહીશું, અને અમે અમારા પંજાબ રાજ્યને જીતીશું અને તેને અમારા નમ્ર, પ્રિય અને બલિદાનના પ્રતીક, ગાંધી પરિવારને ભેટ આપીશું," કૌરે બુધવારે 'X' પર એક પોસ્ટમાં આ કહ્યું હતુ.
કૌરે વડિંગ પર નિશાન સાધતા કહ્યું કે, 70 સક્ષમ, પ્રામાણિક અને વફાદાર નેતા તેમના સંપર્કમાં છે "જેમને તમે (વડિંગ) કોંગ્રેસ પાર્ટીથી દૂર કરી દીધા છે અને જેઓ કોંગ્રેસ ટિકિટ માટે યોગ્ય વિજયી ઉમેદવારો છે."
પંજાબ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
પોતાની પોસ્ટમાં, કૌરે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પર નિશાન સાધતા કહ્યું, "તમે પંજાબની 70 ટકા બેઠકો બરબાદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો, જ્યાં તમે પહેલાથી જ બિનઅસરકારક લોકોને ફર્જી ટિકિટ આપી દીધી છે. આમ છતાં, કોંગ્રેસ પંજાબમાં જીતશે."
કૌરે વડિંગ પર નિશાન સાધતા કહ્યું, "તમને ટિકિટ વેચવાના આરોપને લઈ ગુજરાતમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, અને તમે ત્યાં મોંઘી કાર, જમીન અને મેટ્રો ખરીદી હતી. શું તમે આઇટી વિભાગનો ખુલાસો સાંભળવા તૈયાર છો? તેમણે કહ્યું, "તમે સતત કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કેમ કામ કરી રહ્યા છો અને ઉમેદવારોને હરાવી તેમને અન્ય પક્ષોમાં જોડાવા માટે દબાણ શા માટે કરી રહ્યા છો?"







