Video: 'PM બનવું હોય તો આખું જીવન મૉક સંસદમાં બેસી રહેજો', રાહુલ ગાંધી પર અમિત શાહનો કટાક્ષ

સોર્સ: gstv

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ચંદીગઢમાં ₹258 કરોડની વિવિધ વિકાસ યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમને સંબોધિત કરતાં અમિત શાહે રાહુલ ગાંધીની મૉક સંસદ યોજવાના મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવું હોય તો તેમણે આખી જિંદગી મૉક સંસદમાં જ બેસી રહેવું જોઈએ, કારણ કે અસલી સંસદમાં તેમનો નંબર ક્યારેય આવવાનો નથી.

રાહુલ ગાંધી સતત ત્રણ ચૂંટણીમાં હાર્યા

અમિત શાહે કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી રાહુલ ગાંધી સતત ત્રણ ચૂંટણીમાં એક જ પ્રકારની હારનો સામનો કરી રહ્યા છે. સોનિયા ગાંધીનું પોતાના પુત્રને વડાપ્રધાન બનાવવાનું સપનું પૂરું થઈ રહ્યું નથી. હવે તેમણે મૉક સંસદનો નવો રસ્તો શોધ્યો છે. શાહે વિપક્ષ પર જૂઠું બોલવાનો, અરાજકતા ફેલાવવાનો અને સંસદની કાર્યવાહી ખોરવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

જાહેરાત

1984ના શીખ વિરોધી રમખાણોની વરસી પર રેલી યોજવા સામે પ્રહાર

અમિત શાહે 1984ના શીખ વિરોધી રમખાણોની વરસી પર દિલ્હીના રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીની રેલી યોજવાના નિર્ણયની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, 1 નવેમ્બરના રોજ દિલ્હીમાં યોજાનારી આ રેલી રમખાણોના પીડિતોના ઘા પર મીઠું ભભરાવવા સમાન છે. જે દિવસે શીખોનું નરસંહાર થયું હતું, એ જ દિવસે રેલી યોજવી યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષી ગઠબંધન 'INDIA' દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ચૂંટણીમાં ગેરરીતિ અને મતદારોનાં નામ દૂર કરવાના આરોપો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે દિલ્હીમાં 'ચલો દિલ્હી' રેલી યોજવામાં આવી હતી. વિપક્ષે જ્ઞાનેશ કુમાર સામે પ્રતીકાત્મક જનમહાભિયોગની કાર્યવાહી પણ કરી હતી. આ સમગ્ર મામલે અમિત શાહે કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત