‘ચીનના વિસ્તારોનું નામ બદલીશું તો શું તે આપણાં થઈ જશે…’, અરુણાચલ પ્રદેશથી ડ્રેગન પર રાજનાથ સિંહના આકરા પ્રહાર
ચીને અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલવાના મામલે રક્ષા મંત્રી રાજનાથ સ

ચીને અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલવાના મામલે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકરી પ્રતિક્રિયા આપી છે. રાજનાથ સિંહે મંગળવારે (9 એપ્રિલ, 2024) કહ્યું હતું કે જો ભારત પણ આવા જ પ્રયાસો કરે તો શું તેનો અર્થ એ થશે કે ચીનના તે વિસ્તારો આપણા પ્રદેશનો ભાગ બની ગયા છે.
અરુણાચલ પ્રદેશના નમસાઈ વિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું, “હું ચીનને પૂછવા માંગુ છું કે જો આપણે પાડોશી દેશના વિવિધ રાજ્યોના નામ બદલીશું તો શું તેઓ આપણા પ્રદેશનો હિસ્સો બની જશે? આવી કપટભરી પ્રવૃત્તિઓ પાડોશીઓ સાથે”સંબંધો” બગાડે છે, ભારત અને ચીન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થશે.
ચીનનની લુચ્ચાઈથી વાસ્તવિકતા નહીં બદલાય
રાજનાથ સિંહે કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલવાના ચીનના લુચ્ચાઈ ભરેલા પગલાથી જમીની વાસ્તવિકતા બદલાશે નહીં. રક્ષા મંત્રી રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, અમે અમારા તમામ પડોશીઓ સાથે સારા સંબંધો જાળવવા માંગીએ છીએ, પરંતુ જો કોઈ અમારા સ્વાભિમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો ભારત પણ યોગ્ય જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે.
વિદેશ મંત્રાલયે પણ ચીનના દાવાને ફગાવી દીધા હતા
અગાઉ 2 એપ્રિલ, 2024ના રોજ વિદેશ મંત્રાલયે અરુણાચલ પ્રદેશ પરના ચીનના દાવાને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે અરુણાચલ ભારતનું અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જાહેરી કરીને કહ્યું હતું કે ચીન ભારતના અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના તેના મૂર્ખ પ્રયાસો ચાલુ રાખે છે. અમે આવા પ્રયાસોને સખત રીતે નકારીએ છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે ચીન દ્વારા આવું બનાવટી નામ જાહેર કરવાથી એ વાસ્તવિકતા બદલાશે નહીં. અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે.





