આ છે ભારતનો સૌથી મોંઘો પંડાલ! મા દુર્ગાને કરાયો 100 કિલો સોનાનો અદ્ભુત શણગાર!

નવરાત્રિ દરમિયાન દેશભરમાં માતા દુર્ગાની આરાધના અને દુર્ગા પૂજાની ધૂમ જોવા મળી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં દર વર્ષે અનોખી થીમ પર ભવ્ય પંડાલો (Durga Puja Pandal) બનાવવામાં આવે છે. આ વખતે સિલિગુડીમાં સોનાની થીમ પર તૈયાર કરવામાં આવેલો એક પંડાલ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ પંડાલમાં બિરાજમાન માતા દુર્ગાને આશરે 100 કિલો સોનાનાં ઘરેણાંથી શણગારવામાં આવ્યાં હોવાનો અહેવાલ છે. પંડાલની ભવ્યતા અને માતાની દિવ્ય આભા જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.
100 કિલો સોનાનાં ઘરેણાંથી માતાનો શણગાર
સિલિગુડીમાં તૈયાર કરાયેલા આ વિશેષ પંડાલની સૌથી મોટી ખાસિયત તેની સોનેરી થીમ છે. માતા દુર્ગાની પ્રતિમાને આશરે એક ક્વિન્ટલ એટલે કે 100 કિલો સોનાનાં ઘરેણાંથી શણગારવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. સોનાની ચમક અને ભવ્ય સજાવટને કારણે માતાનો દરબાર અત્યંત આકર્ષક દેખાય છે.
પંડાલની અંદર પ્રવેશતાં જ ભક્તિમય વાતાવરણનો અનુભવ થાય છે. સોનાની થીમ પર તૈયાર કરાયેલું પ્રવેશદ્વાર પણ મહેલ જેવો ભવ્ય દેખાવ ધરાવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ માતાનાં દર્શન કરવાની સાથે પંડાલની અનોખી સજાવટ પણ નિહાળી રહ્યા છે.
ભવ્ય પંડાલનું ઉદ્ઘાટન કોણે કર્યું?
આ સોનેરી પંડાલનું ઉદ્ઘાટન જલપાઈગુડીના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ડૉ. જયંત રોયે કર્યું હતું. તેમણે પરંપરાગત રીતે ફીતા કાપીને પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ શંખનાદ કરીને માતાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.
ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર
બંગાળમાં દર વર્ષે અલગ-અલગ થીમ પર હજારો દુર્ગા પૂજા પંડાલો બનાવવામાં આવે છે. જોકે, સોનાની થીમ અને માતાના ભવ્ય શણગારને કારણે સિલિગુડીનો આ પંડાલ વિશેષ ચર્ચામાં છે. તેની તસવીરો અને વીડિયો પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે. નવરાત્રિ અને દુર્ગા પૂજાના આ માહોલમાં આ પંડાલ શ્રદ્ધા, કલા અને ભવ્ય સજાવટનો અનોખો સમન્વય રજૂ કરે છે.








