‘જો અમારી સરકાર બનશે તો PM મોદી જેલમાં હશે’, RJD નેતાનું વિવાદાસ્પદ નિવેદન
RJD વડા લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીએ મોટું નિવેદન

RJD વડા લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીએ મોટું નિવેદન આપ્યું છે. પાટીલીપુત્ર લોકસભા સીટના ઉમેદવાર મીસા ભારતીએ કહ્યું કે, ‘જો લોકો ઈન્ડિયા એલાયન્સને તક આપશે તો પીએમ મોદીથી લઈને ભારતીય જનતા પાર્ટી સુધીના અનેક નેતાઓ જેલના સળિયા પાછળ હશે.’ ઈન્ડિયા એલાયન્સ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવતા પીએમ મોદીના પ્રશ્નના જવાબમાં મીસા ભારતીએ કહ્યું કે, ‘ઇન્ડિયા એલાયન્સ એક ગઠબંધન છે અને તે 30 લાખ નોકરીઓ પ્રદાન કરે છે. આમાં પણ તેમને તુષ્ટિકરણ નજર આવે છે.’ અમે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરીએ છીએ, MSP લાગુ કરીએ છીએ, શું આ બધું તુષ્ટિકરણ છે? તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ પર કોણ જવાબ આપશે.
પીએમ મોદી જેલના સળિયા પાછળ હશે – મીસા ભારતી
આરજેડી સુપ્રિમોની દીકરી આટલેથી જ ન અટકી, તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ વડાપ્રધાન આવે છે ત્યારે અમારા પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે. શું તમે જાણો છો કે ભ્રષ્ટાચાર કેટલો મોટો છે? મીસાએ કહ્યું કે જો દેશની જનતા અમને એટલે કે ઈન્ડિયા એલાયન્સને તક આપે છે તો વડાપ્રધાનથી લઈને ભારતીય જનતા પાર્ટી સુધીના તમામ નેતાઓ જેલમાં હશે.
ભાજપે વળતો પ્રહાર કર્યો
મીસા ભારતીના નિવેદન બાદ મામલા એ વધુ જોર પકડ્યુ છે. આના પર ભારતીય જનતા પાર્ટીના નેતા અને ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિન્હાની સાથે રામકૃપાલ યાદવે પણ લાલુ પરિવાર પર પ્રહારો કર્યા છે. વિજય કુમાર સિન્હાએ કહ્યું કે જે લોકો ડરી રહ્યા છે તેમના અવાજ પણ બહાર આવી રહ્યા છે. આ એ લોકો છે જે પહેલા પટાવાળાના ક્વાર્ટરમાં રહેતા હતા અને આજે મહેલોમાં રહે છે.
પીએમ મોદી પર આરજેડી સાંસદ મીસા ભારતીના નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે વિપક્ષના અભિયાનનું સ્તર એટલું નીચે આવી ગયું છે કે તેઓ પીએમ મોદીને જેલમાં મોકલવાની વાત કરી રહ્યા છે. લાલુ યાદવની પુત્રી અને આરજેડી નેતા મીસા ભારતીએ કહ્યું કે પીએમ મોદીને જેલમાં મોકલવામાં આવશે.





