મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કંદહાર પ્લેન હાઇજેક : મુસ્લિમ હાઇજેકર્સને હિન્દુ કેમ બનાવી દેવાયા? શું છે સમગ્ર વિવાદ

1999માં કંદહાર હાઇજેક પર બનેલી વેબ સીરિઝ IC814ને લઇને વિવાદ ઉભો થયો છે.માહિતી અને પ્રસારણ મંત્રાલયે Netflixના કન્ટેન્ટ

કંદહાર પ્લેન હાઇજેક : મુસ્લિમ હાઇજેકર્સને હિન્દુ કેમ બનાવી દેવાયા? શું છે સમગ્ર વિવાદ

1999માં કંદહાર હાઇજેક પર બનેલી  વેબ સીરિઝ IC814ને લઇને વિવાદ ઉભો થયો છે.માહિતી અને પ્રસારણ મંત્રાલયે Netflixના કન્ટેન્ટ હેડને હાજર થવાનો આદેશ આપ્યો છે. 1999માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC814ને હાઇજેક કરવામાં આવી હતી અને તેના પર વેબ સીરિઝ રિલીઝ થઇ છે જેમાં બે હાઇજેકરોના નામ બદલીને હિન્દૂ નામ રાખવામાં આવતા વિવાદ ઉભો થયો છે.

કંદહાર પ્લેન હાઇજેક, મુસ્લિમ હાઇજેકર્સને હિન્દુ કેમ બનાવી દેવાયા?

અનુભવ સિંહાની આઇસી-814 વેબ સીરિઝ રજૂ થઇ એ સાથે જ વિવાદ ઉભો થયો છે. 24 ડિસેમ્બર, 1999ના રોજ ઇન્ડિયન એરલાઇન્સની કાઠમંડુથી દિલ્હી જતી ફ્લાઇટને હાઇજેક કરીને અફઘાનિસ્તાનના કંદહારમાં લઇ જવાઇ હતી. આ પ્લેનને હાઇજેક પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનના પાંચ આતંકવાદી ઇબ્રાહીમ અતહર, શાહિદ અખ્તર, અખ્તર સૈયદ, સની અહમદ કાજી, ઝહૂર મિસ્ત્રી અને શાકિરે કર્યું હતું પણ વેબ સીરિઝમાં અપહરણકારો પૈકી બેનાં નામ ભોલા અને શંકર હોવાનું દર્શાવાતા હિન્દુવાદીઓનો આક્રોશ ફાટી નિકળ્યો છે. ભોલા અને શંકર ભગવાન મહાદેવનાં નામ છે.

એક સત્ય ઘટના પર આધારિત વેબ સીરિઝમાં મુસ્લિમોના બદલે હિન્દુ યુવકોને અપહરણકાર તરીકે બતાવીને અનુભવ સિંહા જેવા કહેવાતા સેક્યુલર વિકૃતિ બતાવી રહ્યા છે અને હિન્દુ વિરોધી માનસિકતા છતી કરી રહ્યાં છે એવી ટીકા સાથે લોકો તૂટી પડ્યા છે. અનુભવ સિંહાની વેબ સીરિઝ અને સીરિઝ દર્શાવનારા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સનો પણ બહિષ્કાર કરવાની હાકલ થઇ રહી છે. સેન્સર બોર્ડ સામે પણ સવાલો ઉભા થઇ રહ્યાં છે. સેન્સર બોર્ડે કઇ રીતે હકીકતને તોડીમરોડીને વિકૃત રીતે રજૂ કરતી સીરિઝને મંજૂરી આપી એવા સવાલ પણ કરાઇ રહ્યાં છે.

બીજી તરફ ફેક્ટ ચેકર્સ અનુભવ સિંહાનો બચાવ કરવા મેદાનમાં આવી ગયા છે. તેમનો દાવો છે કે, અપહરણકારો મુસ્લિમ હતા પણ તેમણે પોતાની ઓળખ છૂપાવવા માટે માસ્ક પહેરેલા હતા અને કોડ નેમ પણ રાખ્યાં હતા. આ કોડ નેમ ચીફ, ડૉક્ટર, બર્ગર, ભોલા અને શંકર હતા. પાંચેય આતંકવાદીની ઓળખ બહાર આવી એ પહેલાં પ્લેનમાં એ લોકો અંદરોઅંદર એકબીજાને આ નામે જ સંબોધતા હતા. પેસેન્જરોની જુબાનીના આધારે ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આપેલી માહિતીમાં આ ઉલ્લેખ કર્યો છે. વિદેશ મંત્રાલયની વેબસાઇટમાં પણ આ વાતનો ઉલ્લેખ છે.

ભારતમાં ધર્મ સંવેદનશીલ મુદ્દો છે તેથી આ મુદ્દે બહુ ચોવટ કરવા જેવી નથી પણ આ વેબ સીરિઝે ભારતીય ઇતિહાસના એક કલંકિત પ્રકરણની યાદ તાજી કરી છે. 

1999માં નેપાળથી પ્લેન થયુ હતું હાઇજેક

કેન્દ્રમાં ભાજપની સરકાર હતી અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે બનેલી આ ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. કાઠમંડુના ત્રિભુવ એરપોર્ટ પરથી 176 પેસેન્જર સાથેનું વિમાન બપોરે ઉડ્યું તેની મિનિટોમાં જ હાઇજેક થઇ ગયું હતું.

આઠ દિવસના ભારે ડ્રામા પછી ભારતે મસૂદ અઝહર, અહમદ ઉમર સઇદ શેખ અને મુશ્તાક અહમદ શેખ એ ત્રણ આતંકવાદી છોડવા પડ્યા હતા. વિદેશ મંત્રી જસવંત સિંહ ત્રણેય આતંકવાદીને ખાસ વિમાનમાં કંદહાર મુકવા ગયા હતા. ભારતે આતંકવાદીઓ સામે ઘૂંટણ ટેકવી દીધા તેની સામે દેશભરમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો.

કંદહાર પ્લેન હાઇજેક કાંડનો 31 ડિસેમ્બરે સાંજે અંત આવ્યો પછી જસવંત સિંહે 1 માર્ચ, 2000ના રોજ સંસદમાં નિવેદન આપીને શું બનેલું તેની વિગતો આપી હતી.

આ વિગતો પ્રમાણે, દિલ્હીના એર ટ્રાફિક કંટ્રોલને 28 ડિસેમ્બરે સાંજે હાઇજેકની માહિતી મળી હતી. વિમાનના પાયલોટ કેપ્ટન શરણે ચાલાકી બતાવીને મોકલેલા કોડેડ મેસેજના કારણે ભારતીય વિમાનનું અપહરણ થયાની સૌને ખબર પડી હતી.

અપહરણકારોએ સૌથી પહેલાં વિમાનને પાકિસ્તાનના લાહોર લઇ જવાની માંગ કરી હતી પણ પાકિસ્તાન દ્વારા લાહોરમાં પ્લેન ઉતારવાનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારે ફ્લાઇટને અમૃતસરમાં લેન્ડ કરાઇ હતી. અમૃતસરમાં રિફ્યુલિંગ કરાયું અન 47 મિનિટ પછી ફ્લાઇટ ઉડાન ભરી હતી કેમ કે અપહરણકારોને શંકા હતી કે ઇન્ડિયન કમાન્ડો પ્લેન પર હુમલો કરી શકે છે.

અપહરણકારોએ પ્લેનને લાહોર લઇ જવા કહ્યું પણ પાકિસ્તાને લાહોરમાં વિમાનના ઉતરાણની પરવાનગી ના આપી પણ વિમાનમાં બળતણ સમાપ્ત થઇ ગયું હોવાની સ્થિતિ ગંભીર બની ગઇ હતી. પાયલોટે લાહોર એટીસીને જાણ કરી કે વિમાનમાં બળતણ ખતમ થઇ ગયું છે અને ફ્યુઅલ નહીં ભરાય તો વિમાન તૂટી પડશે. એરક્રાફ્ટને ક્રેશ લેન્ડની ફરજ ના પડે એટલે પ્લેન રાત્રે 8.01 વાગ્યે લાહોરમાં ઉતારીને બળતણ ભરાયું હતું.

લાહોરથી પ્લેન અફઘાનિસ્તાનના કાબુલ માટે રવાના થયું પણ કાબુલ એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગની સગવડ ના હોવાથી પ્લેનને દૂબઇ લઇ જવાની ફરજ પડી હતી. 25 ડિસેમ્બરના રોજ સવારે 1.32 વાગ્યે પ્લેન દુબઇમાં લેન્ડ કરાયું ત્યારે દૂબઇમાં કમાન્ડોએ પ્લેનને ઘેરી લીધું હતું. દુબઇના સત્તાવાળાઓએ હાઇજેકર્સ સાથે ચર્ચા કરીને 27 મુસાફરોને મુક્ત કરાવ્યા હતા.મુક્ત કરાયેલા મુસાફરોને સ્પેશ્યલ ફ્લાઇટમાં ભારત પરત લાવવામાં આવ્યા હતા. બીજી તરફ પ્લેન દુબઇથી સવારે 6.20 વાગ્યે રવાના થયું અને 8.33 વાગ્યે અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર લેન્ડ થયું હતું.

આતંકવાદીઓએ પાંચ આતંકીને છોડવાની માગણી કરેલી પણ ભારે ચર્ચાને અંતે 3 આતંકવાદીને છોડવા સહમતિ સધાઇ પછી 31 ડિસેમ્બરે આતંકવાદીઓના બદલામાં 148 પ્રવાસીને છોડાતાં આ કાંડનો અંત આવ્યો હતો. કંદહાર અપહરણ કાંડે આતંકવાદ સામે લડવાની ભારતની નબળાઇને છતી કરી દીધી હતી.

ભારતે તાલિબાન સામે માગણી કરેલી કે, અપહરણકારો અને હાઇજેકર્સ અને મુક્ત કરાયેલા આતંકવાદીઓને અપરાધી ગણીને તેમને સામે કેસ કરાય પણ તાલિબાને ભારતની વાતને ગણકાર્યા વિના 10 કલાક પછી બધાંને અફઘાનિસ્તાનથી જવા દીધા હતા. પાકિસ્તાને આ બધાંને વાજતે ગાજતે આવકાર્યા અને ભારત તમાશો જોઇ રહેવા સિવાય કંઇ કરી ના શક્યું.

વાજપેયીએ વિમાન અપહરણના સમાચાર મળ્યા પછી કહેલું કે, અમારી સરકાર આતંકવાદ સામે નહીં ઝૂકે.જોકે, 24 કલાકમાં તો વાજપેયીની સરકાર આતંકવાદીઓનાં પગોમાં આળોટી ગઇ હતી. કંદહાર વિમાન અપહરણ કાંડનું કાવતરૂં મસૂદના ભાઇ ઇબ્રાહીમ અઝહરે ઘડેલું. ઇબ્રાહીમે ભારત સરકારને ઘૂંટણિયે પાડીને પોતાના ભાઇ સહિત ત્રણ આતંકવાદીને છોડાવવામાં સફળતા મેળવીને આપણું નાક વાઢી લીધું હતું પણ આપણે ના મસૂદનું કશું બગાડી શક્યા કે ના ઇબ્રાહીમને કંઇ કરી શક્યા.

આ સમાચાર શેર કરો