'શિવનો ભક્ત છું, ઝેર પી લઈશ', માતાને અપમાનિત કરવા પર PM મોદીનો આસામથી કોંગ્રેસ-RJD પર કટાક્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના પ્રવાસે છે. આ દરમિયાન ખુદને ભગવાન શિવનો ભક્ત ગણાવતા કહ્યું ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના પ્રવાસે છે. આ દરમિયાન ખુદને ભગવાન શિવનો ભક્ત ગણાવતા કહ્યું કે, કોઇ મને કેટલી પણ ગાળો બોલે, હું તમામ ઝેર પી લઇશ. PM મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે મારો રિપોર્ટ કંટ્રોલ માત્ર દેશની 140 કરોડની જનતા છે, તે જ મારી માલિક છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર ભૂપેન હઝારિકાનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
140 કરોડની જનતા મારો રિમોટ કંટ્રોલ- PM મોદી
PM મોદીએ કહ્યું, 'મારા માટે તો જનતા-જનાર્દન જ મારા ભગવાન છે. મારા ભગવાન પાસે જઇને મારી આત્માનો અવાજ ના નીકળે તો ક્યાં નીકળશે. આ જ મારા માલિક છે,આ મારા પૂજનીય છે, આ મારો રિમોટ કંટ્રોલ છે બીજો કોઇ મારો રિમોટ કંટ્રોલ નથી.140 કરોડ દેશવાસી મારો રિમોટ કંટ્રોલ છે.'
PM મોદીએ કોંગ્રેસ-RJDને આપ્યો જવાબ
વડાપ્રધાન મોદીએ કહ્યું, મને કેટલી પણ ગાળ બોલો, હું ભગવાન શિવનો ભક્ત છું, બધું ઝેર પી લઇશ પરંતુ જ્યારે કોઇ બીજાનું અપમાન થાય છે તો હું તેને સહન નથી કરી શકતો. જનસભાને સંબોધતા પીએમ મોદીએ પૂછ્યુ કે શું ભૂપેન દા (ભૂપેન હઝારિકા)ને ભારત રત્નથી સન્માનિત કરવાનો મારો નિર્ણય સાચો છે કે ખોટો? શું કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમણે ભારત રત્નથી સન્માનિત કરવા માટે કરવામાં આવેલુ અપમાન સાચુ છે કે ખોટું?
PM મોદીએ ઓપરેશન સિંદૂરનો કર્યો ઉલ્લેખ
PM મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર બાદ આ મારો આસામનો પ્રથમ પ્રવાસ છે. માં કામાખ્યાના આશીર્વાદથી ઓપરેશન સિંદૂર ઘણી મોટી સફળતા હતી. માં કામાખ્યાની આ ધરતી પર આવીને મને એક અલગ જ પવિત્ર અનુભૂતિ થઇ રહી છે.લાલ કિલ્લા પરથી મેં કહ્યું હતું કે મને ચક્રધારી મોહન યાદ આવ્યા. મને શ્રીકૃષ્ણ યાદ આવ્યા અને મે ભવિષ્યની સુરક્ષા નીતિમાં એક સુદર્શન ચક્રનો વિચાર લોકો સામે મુક્યો છે.
નહેરૂના સમયના ઘા આજે પણ ભરાયા નથી- PM મોદી
આસામમાં પીએમ મોદીએ કહ્યું કે મુખ્યમંત્રીએ મને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષનો એક વીડિયો બતાવ્યો અને તેને જોઇને મને ઘણુ દુ:ખ થયું. જે દિવસે બારત સરકારે આ દેશના મહાન સપૂત, આસામના ગૌરવ ભૂપેન હઝારિકાજીને ભારત રત્ન આપ્યો. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે કહ્યું હતું કે મોદી નાચવા-ગાનારાઓને ભારત રત્ન આપી રહ્યા છે. 1962માં ચીન સાથે યુદ્ધ બાદ પંડિત નેહરૂએ જે કહ્યું, તે ઉત્તર-પૂર્વના લોકોના ઘા આજે પણ ભરાયા નથી.
મહત્ત્વપૂર્ણ છે કે ઇન્ડિયા ગઠબંધન તરફથી વોટર અધિકાર યાત્રા સમયે બિહારના દરભંગામાં એક સ્ટેજ પર વિપક્ષી દળોના કાર્યકર્તાઓએ પીએમ મોદી અને તેમની માતાને ગાળો બોલી હતી જેનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાને લઇને બિહાર ભાજપ તરફથી ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.








