ઇઝરાયેલના પેજર એટેક જેવા હુમલાથી કેવી રીતે બચી શકે છે ભારત? સેના પ્રમુખે જણાવ્યો પ્લાન
ગત મહિને 17 સપ્ટેમ્બરે ઇઝરાયેલે લેબનોનમાં એક સાથે 5000 પેજરમા

ગત મહિને 17 સપ્ટેમ્બરે ઇઝરાયેલે લેબનોનમાં એક સાથે 5000 પેજરમાં વિસ્ફોટ કરીને દુનિયાને ચોકાવી દીધી હતી. આ વિસ્ફોટમાં 4000 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટને કારણે હિજબુલ્લાહના 1500 આતંકીઓએ હાથ અને પોતાની આંખ ગુમાવવી પડી હતી. હવે ઇઝરાયેલના આ પેજર હુમલાની રણનીતિને ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો છે.
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ઇઝરાયેલના પેજર એટેક સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો હતો. સેના પ્રમુખે કહ્યું કે, જે પેજરની વાત થઇ રહી છે તેને તાઇવાનની કંપનીના નામ પર તૈયાર કરવામાં આવ્યો છે. તે બાદ હંગરીની એક કંપનીએ બ્રાન્ડ નામનો ઉપયોગ કરી આ પેજરને હિજબુલ્લાહને આપ્યા હતા.
પ્લાન સાથે જ શરૂ થઇ જાય છે યુદ્ધ
સેના પ્રમુખે કહ્યું કે યુદ્ધની શરૂઆત લડાઇના દિવસથી નથી થતી પણ આ તે દિવસથી જ શરૂ થાય છે જે દિવસે પ્લાન બનાવવાનું શરૂ થાય છે. પેજર એટેક જેવા પ્લાન માટે કેટલાક વર્ષોની તૈયારીની જરૂર પડે છે. હુમલાથી સ્પષ્ટ થઇ ગયું કે ઇઝરાયેલ તેના માટે તૈયાર હતું.
ભારતે રહેવું પડશે સતર્ક
સેના પ્રમુખને પૂછવામાં આવ્યું કે ભારત પેજર જેવા હુમલાથી કેવી રીતે બચી શકે છે? જવાબમાં સેના પ્રમુખે કહ્યું કે, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ જેવી વસ્તુઓ છે. આ મામલે વધુ સાવધાન રહેવું પડશે. આપણે અનેક સ્તરે તપાસ કરવી પડશે. સપ્લાય ચેઇનમાં ગડબડથી બચવું પડશે. આવી ઘટનાઓ ના બને તે માટે ટેકનિકલ અને મન્યુઅલ સ્તરે સંપૂર્ણ તપાસ કરવી પડશે.
LAC પર ભારત-ચીન વચ્ચે કેવી છે સ્થિતિ?
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પૂર્વ લદ્દાખમાં ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલી સૈન્ય ગતિરોધ પર મોટું નિવેદન આપ્યું છે. સેના પ્રમુખે કહ્યું કે,આ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ સ્થિર તો છે પરંતુ સંવેદનશીલ છે અને સામાન્ય નથી. ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે વિવાદના નિરાકરણ પર બંને પક્ષો વચ્ચેની રાજદ્વારી વાટાઘાટોમાંથી 'સકારાત્મક સંકેત' મળી રહ્યો છે પરંતુ કોઈપણ યોજનાનો અમલ ગ્રાઉન્ડ લેવલ પર લશ્કરી કમાન્ડરો પર આધાર રાખે છે.








