દેશની Hot Seat પર EXIT Pollમાં કોણ જીતી રહ્યું છે? આ નેતાઓની પ્રતિષ્ઠા દાંવ પર
લોકસભા ચૂંટણી 2024માં તમામ સાત તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. 4 જૂને ચૂંટણી પરિણામ જાહેર થશે. આ પહેલા EXIT Poll સામે આવ્યા છે જે

લોકસભા ચૂંટણી 2024માં તમામ સાત તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. 4 જૂને ચૂંટણી પરિણામ જાહેર થશે. આ પહેલા EXIT Poll સામે આવ્યા છે જેમાં ફરી એક વખત દેશમાં મોદી સરકાર બનવા જઇ રહી છે. જોકે, આ EXIT Poll છે એક્ઝેટ પોલ નથી. EXIT Pollમાં કેટલીક બેઠકોનું એનાલિસીસ પણ કરવામાં આવ્યું છે જેમાં કઇ બેઠક પર ક્યા નેતા જીતી કે હારી રહ્યાં છે તેના વિશે આપણે જાણીયે...
વારાણસી (ઉત્તર પ્રદેશ)
ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યાં છે. વડાપ્રધાન મોદી 2014 અને 2019ની ચૂંટણી વારાણસીથી જીતી ચુક્યા છે. ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર આ બેઠક પર પીએમ મોદીને લીડ મળી રહી છે.
ગાંધીનગર (ગુજરાત)
ગાંધીનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. ભાજપ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસે સોનલ પટેલને ટિકિટ આપી છે. ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં અમિત શાહ મજબૂત જોવા મળી રહ્યાં છે.
ગુના (મધ્ય પ્રદેશ)
મધ્યપ્રદેશની ગુના લોકસભા બેઠક પરનો જંગ ખૂબ જ રોમાંચક છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આ હાઈપ્રોફાઈલ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે રાવ યાદવેન્દ્ર યાદવને મેદાનમાં ઉતાર્યા છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર જ્યોતિરાદિત્ય સિંધિયા આ બેઠક પર લીડ મેળવતા જણાય છે.
અમેઠી-રાયબરેલીમાં શું થયું?
હિન્દુસ્તાન ટાઈમ્સના એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે અમેઠીથી લોકસભા ચૂંટણી લડી રહેલાં ભાજપના દિગ્ગજ મહિલા સાંસદ સ્મૃતિ ઈરાની પરાજય તરફ જતાં દેખાઈ રહ્યા છે. તેમની સામે સોનિયા ગાંધીના ખાસ વ્યક્તિ કે.એલ શર્મા જીતતા દેખાઈ રહ્યા છે. સ્કૂલ ઓફ પોલિટિક્સ એજન્સીનો દાવો છે કે યુપીની અમેઠી, રાયબરેલી અને જોનપુર બેઠક ઈન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વખતે સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને હરાવીને અમેઠી બેઠક જીતી હતી.
રાહુલ ગાંધીનું રાયબરેલીમાં શું થયું?
બીજી બાજુ રાહુલ ગાંધીની વાત કરીએ તો આ વખતે અમેઠીથી નહીં પણ રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતરીને તેઓ જીતતા દેખાઈ રહ્યાં છે. સ્કૂલ ઓફ પોલિટિક્સ એજન્સીના અહેવાલ અનુસાર તેમની સામે ભાજપના નેતા દિનેશ પ્રતાપ સિંહ ફરી એકવાર હારતા દેખાય છે.
ચંદીગઢ
ચંદીગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર છે. કોંગ્રેસ તરફથી મનીષ તિવારી તો ભાજપ તરફથી સંજય ટંડન ચૂંટણી મેદાનમાં છે. એક્ઝિટ પોલમાં મનીષ તિવારીને લીડ મળતી જોવા મળે છે.
હાસન (કર્ણાટક)
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલે જનતા દળ (સેક્યુલર)ના સસ્પેન્ડ કરવામાં આવેલા નેતા પ્રજવ્વલ રેવન્નાની કર્ણાટકની હાસન લોકસભા બેઠક પરથી જીતની ભવિષ્યવાણી કરી છે. પ્રજવ્વલ બળાત્કાર અને છેડતીના કેસમાં પોલીસની કસ્ટડીમાં છે.
એક્ઝિટ પોલ સર્વે અનુસાર,પ્રજવ્વલ રેવન્ના હાસનના સાંસદ કોંગ્રેસના ઉમેદવાર શ્રેયસ પટેલને હરાવી શકે છે. હાસનમાં બીજા તબક્કામાં મતદાન થયું હતું. વોટિંગ દરમિયાન જ પ્રજવ્વલ રેવન્નાનું કથિત સેક્સ સ્કેન્ડલ સામે આવ્યું હતું.
કોઇમ્બતૂર (તમિલનાડુ)
લોકસભા ચૂંટણીમાં તમિલનાડુના બીજા સૌથી મોટા શહેર કોઇમ્બતૂરમાં ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને તમિલનાડુના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઇને ડીએમકેના ઉમેદવાર પી ગણપતિ રાજકુમાર અને AIADMKના જી રામચંદ્રન ટક્કર આપી રહ્યાં છે.
ઇન્ડિયા ટુડે-એક્સિસ માઇ ઇન્ડિયાના એક્ઝિટ પોલના પરિણમથી સંકેત મળી રહ્યાં છે કે કોઇમ્બતૂર બેઠક પરથી DMKના ઉમેદવાર પી ગણપતિ રાજકુમાર જીતી રહ્યાં છે.
બારામતી- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની બારામતી બેઠક તે હોટ સીટમાં સામેલ છે જેના પર દેશભરના લોકોની નજર છે.આ બેઠક પર શરદ પવારની દીકરી સુપ્રિયા સુલે અને રાજ્યા નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પત્ની સુનેત્રા પવાર વચ્ચે સીધો મુકાબલો છે. આ બેઠક શરદ પવારનો ગઢ માનવામાં આવે છે.
એક્ઝિટ પોલમાં બારામતી લોકસભા બેઠક પર સુપ્રિયા સુલેનું પલડુ ભારે જોવા મળી રહ્યું છે.
અનંતનાગ-રાજૌરી (જમ્મુ કાશ્મીર)
એક્ઝિટ પોલ અનુસાર, પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના પ્રમુખ મહબૂબા મુફ્તી અનંતનાગ-રાજૌરી બેઠક પર નેશનલ કોન્ફ્રેન્સના ઉમેદવાર મિયાં અલ્તાફ અહેમદ સામે હારી શકે છે. જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યાં ચૂંટણી યોજાઇ છે.
બશીરહાટ (પશ્ચિમ બંગાળ)
બંગાળની બશીરહાટ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. કારણ છે સંદેશખાલી. સંદેશખાલીને લઇને ભાજપે જે આંદોલન ચલાવ્યું હતું તેને કારણે આખા દેશમાં ચર્ચા થઇ હતી. દેશભરમાં છેલ્લા 3 મહિનાથી ચર્ચામાં આવેલું સંદેશખાલીને કોઇ પરિચયની જરૂર નથી. ભાજપે અહીં ખાસ લોકો દ્વારા મહિલાઓના રેપ અને જમીન કબ્જે કરવાનો મુદ્દો બનાવ્યો હતો.
ઇન્ડિયા ટુડે એક્સિસ માઇ ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપને ઝટકો લાગી રહ્યો છે. એક્ઝિટ પોલમાં TMCના ઉમેદવાર હાજી નુરૂલ ઇસ્લામ જીતી રહ્યાં છે. ભાજપના ઉમેદવાર રેખા પાત્રાની હાર થઇ રહી છે. ભાજપે સંદેશખાલીની પીડિતા રેખા પાત્રાને જ પોતાની ઉમેદવાર બનાવી હતી.
બાડમેર-જેસલમેર (રાજસ્થાન)
દેશમાં લોકસભાની એવી કેટલીક હોટ સીટ છે જેના પર તમામ લોકોની નજર ટકેલી છે. આ બેઠકમાંથી એક છે રાજસ્થાનની બાડમેર-જેસલમેર લોકસભા બેઠક. અહીં અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી, કોંગ્રેસના ઉમેદવાર ઉમ્મેદારામ બેનીવાલ અને ભાજપના કૈલાશ ચૌધરી મેદાનમાં છે.
આ લોકસભા બેઠક પર સીધો મુકાબલો રવિન્દ્ર ભાટી અને કોંગ્રેસના ઉમેદવાર ઉમ્મેદારામ બેનીવાલ વચ્ચે છે. ઇન્ડિયા ટુડે એક્સિસ માઇ ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર બાડમેર- જેસલમેર લોકસભા બેઠક પર રવિન્દ્ર ભાટી ભારે પડી રહ્યાં છે. એવામાં ભાજપ-કોંગ્રેસ માટે મોટો ઝટકો છે.
ઉત્તર-પૂર્વ દિલ્હી
દિલ્હીની ઉત્તર-પૂર્વ બેઠક સૌથી હોટ બેઠક બનેલી છે. ભાજપના વર્તમાન સાંસદ મનોજ તિવારી અને કોંગ્રેસની ટિકિટ પર INDIA ગઠબંધનના ઉમેદવાર કન્હૈયા કુમારનો સીધો મુકાબલો છે.
એક્ઝિટ પોલમાં વિપક્ષી ગઠબંધનને ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલમાં ભાજપના સાંસદ મનોજ તિવારી કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર ભારે પડતા જોવા મળી રહ્યાં છે.
મંડી (હિમાચલ પ્રદેશ)
હિમાચલ પ્રદેશની મંડી બેઠક હાઇ પ્રોફાઇલ બનીને ઉભરી છે. આ બેઠક પર ભાજપે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પર દાંવ લગાવ્યો હતો. કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને ઉમેદવાર બનાવ્યા હતા. એક્ઝિટ પોલમાં આ બેઠક પર કંગના રનૌતની હવા છે અને તે આ ચૂંટણી જીતીને સંસદ પહોંચી શકે છે.








