હોર્સ ટ્રેડિંગનો ભય/ રાજસ્થાનમાં 10 હજાર વિજેતા ‘નજરકેદ’! પરિણામ બાદ હોટેલ-રિસોર્ટમાં ધામા

રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે રાજકીય હલચલ તેજ બની છે. હોર્સ ટ્રેડિંગ (Horse Trading)ની આશંકા વચ્ચે આશરે 10 હજારથી વધુ વિજેતા ઉમેદવારોને અલગ-અલગ હોટેલ અને રિસોર્ટમાં રાખવામાં આવ્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ કેટલીક બેઠકો પર ઉમેદવારોને મળેલા અત્યંત ઓછા મત પણ ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરની ચૂંટણીમાં કુલ 10,245 કાઉન્સિલર બેઠકો માટે મતગણતરી થઈ હતી.
પરિણામ આવતાં જ વિજેતા ઉમેદવારો હોટેલ-રિસોર્ટમાં
રાજસ્થાનના અજમેર, અલવર, ભરતપુર, બિકાનેર, જયપુર, જોધપુર, કોટા, પાલી અને ઉદયપુર સહિતના વિસ્તારોમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાઈ હતી. પરિણામો જાહેર થયા બાદ પક્ષો દ્વારા પોતાના વિજેતા ઉમેદવારોને એકસાથે રાખવાના પ્રયાસો શરૂ થયા હોવાના અહેવાલ છે. હોર્સ ટ્રેડિંગની શક્યતાને ધ્યાનમાં રાખીને કેટલાક ઉમેદવારોને હોટેલ અને રિસોર્ટમાં રાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
અહેવાલ મુજબ, કેટલાક ઉમેદવારોના મોબાઇલ ફોન પણ લેવામાં આવ્યા હતા અને તેમને પરિણામ જાહેર થયા બાદ સીધા નિયત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સામાં વિજેતા પ્રમાણપત્ર પણ એજન્ટો દ્વારા મેળવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને માત્ર એક-એક મત
ચૂંટણીના પરિણામોમાં કેટલીક બેઠકોના પરિણામોએ ખાસ ધ્યાન ખેંચ્યું છે. ડીડવાના-કુચામન જિલ્લાના પરબતસર નગરપાલિકાના વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર કૈલાશચંદને માત્ર એક મત મળ્યો હોવાનો અહેવાલ છે. પરબતસર નગરપાલિકામાં કુલ 25 વોર્ડ છે.
તે જ રીતે નાગોર જિલ્લાના રિયાંબાડી નગરપાલિકાના વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસના ઉમેદવાર મઝીદ મોહમ્મદને પણ માત્ર એક મત મળ્યો હોવાનું જણાવાયું છે. બીજી તરફ, સમગ્ર રાજ્યના પરિણામોમાં ભાજપે 4,179 અને કોંગ્રેસે 3,613 વોર્ડ જીત્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવારોએ 2,273 વોર્ડમાં જીત મેળવી હતી.
માતાનો એક મત પુત્રને જીતાડી ગયો
જયપુરના નદબઈ નગરપાલિકા વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર જગદીશ પ્રસાદની જીતની કહાની પણ ચર્ચામાં રહી છે. તેઓ માત્ર એક મતના અંતરથી ભાજપના ઉમેદવાર રામશરણને હરાવીને વિજેતા બન્યા હતા. જગદીશ પ્રસાદને 151 મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધીને 150 મત મળ્યા હતા.
આ જીત સાથે જોડાયેલી એક ભાવુક બાબત એ છે કે જગદીશ પ્રસાદની માતાએ મતદાન કર્યા બાદ બીજા જ દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મતથી પુત્રની જીતમાં નિર્ણાયક ફાળો પડ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ખાસ ચર્ચા જગાવી છે.

