મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જ્યારે ઇન્દિરા ગાંધીએ 13 દિવસમાં જ પાકિસ્તાનના કર્યા હતા બે ટુકડા, બાંગ્લાદેશનો થયો હતો ઉદય

બાંગ્લાદેશમાં અનામતને લઇને હિંસક પ્રદર્શન વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું છે. શ

જ્યારે ઇન્દિરા ગાંધીએ 13 દિવસમાં જ પાકિસ્તાનના કર્યા હતા બે ટુકડા, બાંગ્લાદેશનો થયો હતો ઉદય

બાંગ્લાદેશમાં અનામતને લઇને હિંસક પ્રદર્શન વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું છે. શેખ હસીનાના પિતા મુજીબ ઉર્ર રહમાનની મૂર્તિ પણ પ્રદર્શનકારીઓએ તોડી નાખી છે.

1971માં બાંગ્લાદેશની આઝાદી પહેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું, બાંગ્લાદેશમાં મુક્તિ વાહિનીએ ભારતને સમર્થન આપવું અને તેને કારણે કૂટનીતિ ઇન્દિરા ગાંધીના નેતૃત્ત્વની ગાથા છે. 1971નું યુદ્ધ ભારત માટે માત્ર સૈન્ય જીત નહતી પણ આ રાજકીય અને કૂટનીતિક રીતે ઘણી મોટી સફળતા હતી. માત્ર 24 વર્ષ જૂના આઝાદ ભારતે પાકિસ્તાનના તાકાતવર મિત્ર અમેરિકા અને ચીનને ચોકાવી દીધા હતા.

ક્યાંથી શરૂઆત થઇ?

1947માં આઝાદી મળવાની સાથે જ્યારે ભારતના ભાગલા પડ્યા હતા ત્યારે બે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા હતા. એક પશ્ચિમ પાકિસ્તાન જેને હવે પાકિસ્તાનના નામથી ઓળખવામાં આવે છે અને બીજો પૂર્વ પાકિસ્તાન- જેને હવે બાંગ્લાદેશના નામથી ઓળખવામાં આવે છે. બન્ને પાકિસ્તાનનું અંતર કિલોમીટરમાં 2000 કરતા વધુ હતું.

પશ્ચિમી પાકિસ્તાનના રાજકારણમાં પંજાબી અને ઉર્દૂ બોલનારાઓનો દબદબો હતો જ્યારે પૂર્વ પાકિસ્તાન બંગાળી ભાષી હતા. પાકિસ્તાન બન્યા બાદથી જ ભાષા અને સંસ્કૃતિનું અંતર ખાઇમાં બદલાવા લાગ્યુ હતું. મુદ્દો માત્ર ભાષાનો નહતો. પશ્ચિમી પાકિસ્તાનમાં સ્થિત સરકાર પૂર્વ ભાગને નજરઅંદાજ કરતું હતું. 

1969માં જનરલ યાહ્યા ખાને ફીલ્ડ માર્શલ અયુબ ખાન પાસેથી પાકિસ્તાનની સત્તા પોતાના હાથમાં લઇ લીધી હતી અને આવતા વર્ષે ચૂંટણીની જાહેરાત કરી હતી. 1970માં યોજાયેલી ચૂંટણીમાં શેખ મુજીબુર રહમાનની આવામી લીગે પૂર્વ પાકિસ્તાનની 162માંથી 160 બેઠક જીતી હતી. જુલ્ફિકાર અલી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ પશ્ચિમી પાકિસ્તાનની 138માંથી 81 બેઠક પર જીત મેળવી હતી. બહુમત રહમાન પાસે હતી અને તે વડાપ્રધાન બનવા જોઇતા હતા પરંતુ પાકિસ્તાની સૈન્ય શાસને આવું થવા ના દીધું. ભુટ્ટોએ કેટલાક અઠવાડિયા સુધી મુજીબુર રહમાન સાથે વાતચીત કરી પણ કોઇ સમાધાન ના નીકળતા યાહ્યા ખાને પૂર્વ પાકિસ્તાનમાં અત્યાચાર શરૂ કરી દીધો.

માર્ચ 1971 સુધી આવામી લીગ રસ્તા પર હતી અને પ્રદર્શન થઇ રહ્યાં હતા. હડતાળ ચાલી રહી હતી. પાકિસ્તાનની સેના ખુલ્લેઆમ અત્યાચાર કરતી હતી. હમૂદુર રહમાન કમીશને મોતનો આંકડો 26 હજાર ગણાવ્યો હતો. લાખો શરણાર્થી શરણ મેળવવા માટે ભારત આવી ગયા હતા.

ભારતના સમર્થનથી મજબૂત થયું પૂર્વ પાકિસ્તાન

ભારતે શરૂઆતથી જ પોતાનું સમર્થન આવામી લીગ અને મુજીબુર રહમાનને આપ્યું હતું. પાકિસ્તાની સેનાની કાર્યવાહી દરમિયાન તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સીધા દખલ કરવાનો નિર્ણય લીધો નહતો. જોકે, ભારતીય સેનાના પૂર્વ કમાન્ડે પૂર્વ પાકિસ્તાનના ઓપરેશનની જવાબદારી સંભાળી લીધી હતી.

15 મે 1971માં ભારતીય સેનાએ 'ઓપરેશન જેકપૉટ' લૉન્ચ કર્યું અને તેની હેઠળ મુક્તિ વાહિનીના જવાનોને ટ્રેનિંગ, હથિયાર, પૈસા અને સર સામાનની સપ્લાય કરવાનું શરૂ કર્યું. મુક્તિ વાહિની પૂર્વ પાકિસ્તાનની મિલિટ્રી, પેરામિલિટ્રી અને નાગરિકોની સેના હતી, તેમનું લક્ષ્ય ગુરિલ્લા યુદ્ધ દ્વારા પૂર્વ પાકિસ્તાનની આઝાદી હતું.

ભારતીય સેના હજુ સુધી ખુદ આ જંગમાં સામેલ થઇ નહતી પરંતુ ડિસેમ્બર 1971માં પાકિસ્તાન તેનું કારણ બન્યું. 3 ડિસેમ્બર 1971માં પાકિસ્તાની એરફોર્સે ભારતના હુમલાની આશંકામાં પશ્ચિમી વિસ્તાર પર હુમલો કરી દીધો હતો. 4 ડિસેમ્બરની સવાર સુધી ભારતે ઓફિશિયલ રીતે પાકિસ્તાન વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી.

ઇન્દિરા ગાંધીની રણનીતિ અને નેતૃત્ત્વએ પાકિસ્તાનના કર્યા બે ટુકડા

1971નું યુદ્ધ શરૂ થયા પહેલા સુધી વડાપ્રધાન ઇન્દિરા ગાંધી કેટલાક પાસા પર રણનીતિ બનાવી ચુક્યા હતા અને પોતાના મિલિટ્રી જનરલોને પુરી છૂટ આપી હતી કે તે મુક્તિ વાહિનીને પોતાની રીતે તૈયાર કરે અને સાથે સાથે ખુદ પણ તૈયાર હતા- આવનારા કૂટનીતિક સંકટ માટે.

1971ના યુદ્ધ માટે ઈન્દિરા ગાંધીનું વિઝન ખૂબ જ સ્પષ્ટ હતું - તે ટૂંકું અને નિર્ણાયક હોવું જોઈએ. જો યુદ્ધ આગળ વધ્યું તો અમેરિકા અને ચીન જેવા દેશોની દખલગીરીનો ડર હતો. ઇંદિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનનું સંકટ શરૂ થવાથી લઇને યુદ્ધ સુધઈ ધીરજ જાળવી રાખી હતી.  શરણાર્થીઓની સંખ્યા વધી રહી હતી. કોલકાતાથી પૂર્વ પાકિસ્તાનની સરકાર ચાલતી હતી અને ભારતમાં વિપક્ષ આ સરકારને ઓફિશિયલ ઓળખ આપવાની માંગ કરતું હતું પરંતુ ઇન્દિરા ગાંધીએ ધીરજ રાખી હતી.

ઇન્દિરા ગાંધી ઇચ્છતા નહતા કે ભારત યુદ્ધ શરૂ કરે. પાકિસ્તાની એરફોર્સના હુમલાએ આ વાતને સુનિશ્ચિત કર્યું હતું. હુમલા દરમિયાન ઇન્દિરા ગાંધી કોલકાતામાં હતા. તે જલદી દિલ્હી પહોંચ્યા અને દેશને સંબોધતા કહ્યું, "અમારી પર એક યુદ્ધ થોપવામાં આવ્યું છે." 

ભારતનું 1971નું યુદ્ધ જીતવું એટલા માટે પણ શક્ય બન્યું કારણ કે ઇન્દિરા ગાંધીએ પોતાના સૈન્ય ચીફ ફીલ્ડ માર્શલ સેમ માણેકશો પર વિશ્વાસ કર્યો હતો. એપ્રિલ 1971માં ઇન્દિરા ગાંધી પૂર્વ પાકિસ્તાનની સ્થિતિને જોતા કેટલાક સૈન્ય પગલા ભરવા માંગતા હતા પરંતુ માણેક શોએ ઇન્દિરા ગાંધીના મોઢા પર ઇનકાર કરી દીધો હતો. એક કેબિનેટ બેઠક દરમિયાન માણેક શોને ઇન્દિરા ગાંધીએ કંઇ કરવા માટે કહ્યું હતું જેના જવાબમાં ફીલ્ડ માર્શલે કહ્યું કે તે યુદ્ધ માટે તૈયાર નથી. માણેક શોએ ઇન્દિરા ગાંધીને ચીનના હુમલાની આશંકા, હવામાનને કારણે થનારા વિઘ્ન અને એવામાં સેનાની સરહદની જાણકારી આપી હતી અને થોડો સમય માંગ્યો હતો. ઇન્દિરા ગાંધીએ તેમના પર વિશ્વાસ કર્યો હતો.

ઇન્દિરા ગાંધીની રણનીતિ હતી કે યુદ્ધ નાનુ હોય પરંતુ લાંબુ ખેચાય તો વિશ્વને પહેલાથી જ પાકિસ્તાનની કરતૂત ખબર હોવી જોઇએ. માર્ચથી ઓક્ટોબર 1971 સુધી ઇન્દિરા ગાંધીએ વિશ્વના કેટલાક નેતાઓને પત્ર લખીને ભારતની સરહદ પરની સ્થિતિની જાણકારી આપી હતી. ઇન્દિરા ગાંધીએ 21 દિવસનો જર્મની, ફ્રાંસ, બ્રિટન, બેલ્જિયમ અને અમેરિકાનો પ્રવાસ પણ કર્યો હતો. દરેક જગ્યાએ ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનમાં નરસંહારનો ઉલ્લેખ કર્યો હતો.

અમેરિકા પણ પાકિસ્તાનની મદદ ના કરી શક્યું

ભારત તે સમયે જવાહરલાલ નેહરૂની ગુટનિરપેક્ષ નીતિથી ચાલતું હતું. જોકે, ભારત અને સોવિયર રશિયાની મિત્રતા જગજાહેર હતી પરંતુ છતા પણ તેમના જૂથમાં હોવું નક્કી નહતું. જ્યારે 1971માં ઇન્દિરા ગાંધી USSR પહોંચ્યા તો તત્કાલીન રાષ્ટ્રપતિ લિયોનિદ બ્રેઝનેવે ઇન્દિરા ગાંધીને આશ્વાસન આપ્યું કે જો ભારત-પાકિસ્તાન યુદ્ધ થાય છે તો સોવિયત રશિયા તેમની સાથે હશે.

તેનાથી ઉલટુ અમેરિકામાં તત્કાલીન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનનું ઇન્દિરા ગાંધી સાથેનું વર્તન તદ્દન અસંસ્કારી અને અસભ્ય હતું. નિક્સન અને તેમના વિદેશ મંત્રી હેનરી કિસિંજર પહેલેથી જ ભારત વિરૂદ્ધ હતા પરંતુ ઇન્દિરા ગાંધીએ તેને પણ કૂટનીતિ દ્વારા જીતી લીધું અને  સંબોધનની તક મળતા જ સીધા અમેરિકન લોકોને પૂર્વ પાકિસ્તાનની વ્યથા સંભળાવી હતી.
 
જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું તો નિક્સને અમેરિકાની સાતમી ફ્લીટને બંગાળની ખાડીમાં મોકલી હતી. આ ફ્લીટમાં વિશ્વનું સૌથી મોટુ વોરશિપ પણ સામેલ હતું. નિક્સનનો અંદાજો હતો કે ભારત આ પગલાથી ડરી જશે અને પાકિસ્તાન પર ભારતની કાર્યવાહીમાં ઢીલ આવશે.

ભારત ગભરાયું નહીં અને સોવિયત રશિયાને ઇન્ડો-સોવિયત સુરક્ષા સમજૂતિની એક જોગવાઇ સક્રિય કરવા માટે કહ્યું. આ જોગવાઇ અનુસાર, ભારત પર હુમલો રશિયા પર હુમલો માનવામાં આવતો. રશિયાએ આ નિવેદનને સ્વીકાર્યું અને વ્લાદિવોસ્તોકથી પોતાની એક ફ્લીટ બંગાળની ખાડી માટે રવાના કરી દીધી. રશિયાની ફ્લીટમાં પણ અમેરિકાની જેમ પરમાણુ હથિયાર સામેલ હતા. બ્રિટિશ નેવીનો પણ એક ગ્રુપ ભારતીય વિસ્તાર તરફ આગળ વધી રહ્યું હતું, તેને અમેરિકાએ પોતાની મદદ અને ભારતીય નેવીને ઘેરવા માટે બોલાવી હતી. રશિયાની ફ્લીટને જોઇને બ્રિટિશ નેવી પરત જતી રહી હતી અને અમેરિકા પણ કંઇ કરી શક્યુ નહતું. રશિયાએ પોતાની ફ્લીટ 13 ડિસેમ્બર 1971માં મોકલી હતી અને ત્રણ દિવસ બાદ યુદ્ધનો નિર્ણય થવાનો હતો.

13 દિવસમાં યુદ્ધ થયું સમાપ્ત

16 ડિસેમ્બર 1971 અને યુદ્ધ શરૂ થવાના 13 દિવસ બાદ પાકિસ્તાની સેનાની પૂર્વ કમાન્ડના ઇન્ચાર્જ જનરલ એએ ખાન નિયાજીએ ઢાકામાં સરેન્ડર કર્યું હતું. નિયાજીએ પોતાની સર્વિસ રિવોલ્વર ભારતીય સેનાના પૂર્વ કમાન્ડ ઇન્ચાર્જ લેફ્ટનન્ટ જનરલ જેએસ અરોરાને સોપીને ઇંસ્ટ્રૂમેન્ટ ઓફ સરેન્ડર સાઇન કર્યું હતું. આ ઘટનાની તસવીર ભારતના પરાક્રમની સાક્ષી બની હતી.

16 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યે જનરલ સેમ માણેક શોએ ઇન્દિરા ગાંધીને ફોન કરીને જણાવ્યું કે ઢાકા હવે મુક્ત છે અને પાકિસ્તાની સેનાએ શરત વગર સરેન્ડર કર્યું છે. ઇન્દિરા ગાંધી તે બાદ સંસદ ગયા હતા અને કહ્યું, "ઢાકા હવે એક આઝાદ દેશનું પાટનગર છે. અમે જીતની આ ક્ષણમાં બાંગ્લાદેશના લોકોનો અભિવાદન કરીએ છીએ." તત્કાલીન વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીએ ઇન્દિરા ગાંધીને પાકિસ્તાનને હરાવવા યઅને તેના બે ટુકડા કરવા માટે અભિનવ ચંડી દુર્ગાનું બિરુદ આપ્યું હતું. 

સરેન્ડર બાદ ઇન્દિરા ગાંધીએ તરત જ સીઝફાયરની જાહેરાત કરી હતી. તે વિશ્વને મેસેજ આપવા માંગતા હતા કે ભારત ક્ષેત્રીય લાભ કમાવવા માંગતો નથી. ભારતની 1971ની જીત માત્ર સૈન્યના હિસાબથી જ મોટી જીત નહતી. ઇન્દિરા ગાંધીએ પોતાની કૂટનીતિથી રિચર્ડ નિક્સનને ચતુરતામાં હરાવ્યા હતા. ઇન્દિરા ગાંધી રણનીતિથી 13 દિવસમાં જ પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા અને લાખો શરણાર્થીઓને શરણ પણ આપ્યું હતું.

 બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભારતમાં જ રોકાવાની સંભાવના છે. કહેવામાં આવે છે કે આજે સવારે હિંડન એરબેઝથી ઉડાન ભરનારા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-130 જેમાં શેખ હસીના સવાર નહતા. 

મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશ એરફોર્સનું આ વિમાન પરત બેઝમાં આવી ગયું છે જેમાં સાત સેનાના જવાન પણ સવાર હતા.

આ સમાચાર શેર કરો