બિહારમાં ઐતિહાસિક મતદાન, 6.60 લાખ મતદારોએ NOTA દબાવ્યું
બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAને જંગી બહુમતી મળી છે, પરંતુ આંકડાઓ દર્શાવે

બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAને જંગી બહુમતી મળી છે, પરંતુ આંકડાઓ દર્શાવે છે કે 'ઉપરમાંથી કોઈ નહીં' (NOTA) વિકલ્પ પસંદ કરનારા મતદારોની ટકાવારીમાં ગત ચૂંટણીની સરખામણીમાં નજીવો વધારો થયો છે. જો કે, આ આંકડો હજુ પણ 2015ની ચૂંટણીની સરખામણીમાં ઘણો ઓછો છે.
આ વખતે 1.81 ટકા મતદારોએ NOTA પસંદ કર્યું
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા અંતિમ આંકડાઓ અનુસાર, બિહારના 243 સભ્યોની વિધાનસભા માટે થયેલા કુલ મતોમાંથી 1.81 ટકા મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો છે. બે તબક્કામાં (છઠ્ઠી અને 11મી નવેમ્બર) થયેલા મતદાન બાદ કુલ 6,65,870 મતો NOTA દ્વારા પ્રાપ્ત થયા છે.
ગત ચૂંટણી સાથે સરખામણી
વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં 7,06,252 મતદારોએ NOTA પસંદ કર્યું હતું, જે કુલ મતોના 1.62 ટકા હતું. આમ ટકાવારીની દ્રષ્ટિએ આ વખતે 0.19 ટકાનો વધારો થયો છે. ચૂંટણીના આંકડાઓ દર્શાવે છે કે વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં આ વખતે NOTA પસંદ કરનારા મતદારોની ટકાવારી નોંધપાત્ર રીતે ઘટી છે.
વર્ષ 2015માં 9.4 લાખ મતદારોએ NOTA બટન દબાવ્યું હતું, જે તે વર્ષે કુલ મતદાનના 2.48 ટકા હતું. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં આ NOTA ટકાવારી અત્યાર સુધીની સૌથી ઓછી નોંધાઈ હતી.
બિહારમાં ઐતિહાસિક મતદાન
આ ચૂંટણીમાં NOTAનો હિસ્સો ભલે ઓછો રહ્યો હોય, પરંતુ બિહારમાં મતદાન ઐતિહાસિક રહ્યું છે. બિહારમાં 66.91 ટકા મતદાન નોંધાયું હતું, જે 1951માં બિહારની પ્રથમ ચૂંટણી પછીનું સૌથી વધુ મતદાન છે. 3.51 કરોડથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ મહિલા મતદાન પણ આ વખતે નોંધાયું હતું. આ ભારે મતદાન છતાં, ભાજપના નેતૃત્વ હેઠળના NDA 200થી વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યું, જ્યારે મહાગઠબંધન 35 બેઠકો પર સમેટાઈ ગયું.
NOTAનો ઈતિહાસ
વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ EVM પર NOTA વિકલ્પ ઉમેરવામાં આવ્યો હતો. આ પહેલાં મતદારો ફોર્મ 49-O ભરીને પોતાની અનિચ્છા વ્યક્ત કરતા હતા, જે ગોપનીયતાનું ઉલ્લંઘન કરતું હતું.








